એક કઠિયારો લાકડાં કાપતો હતો. કાપતાં કાપતાં તે ખૂબ થાકી ગયો. તેની કુહાડીની ધાર બુઢ્ઢી થઈ ગઈ. તોપણ તે લાકડાં કાપે જ જતો હતો. કોઈ શાણા માણસે તેને કહ્યું ભાઈ, તું ખૂબ થાકી ગયો છે. થોડો વખત વિશ્રામ કરી લે. તારી કુહાડીની ધાર પણ બુઢ્ઢી થઈ ગઈ છે. આવી બુઢ્ઢી ધારથી લાકડાં શી રીતે કપાશે? કઠિયારાએ કહ્યુ,‘તમારી વાત તો સાચી છે પણ જુઓને આ લાકડાંનો કેટલો મોટો ઢગ પડ્યો છે? આરામ કરું અને ધાર કાઢવા બેસું તો પછી આ લાકડાં ક્યારે કાપું?’ એમ કહી તેણે બુઢ્ઢી થયેલી ધારવાળી કુહાડીથી લાકડાં કાપવાનું ચાલુ રાખ્યું.
તેણે લાકડાં કાપવા ભારે પરિશ્રમ કર્યો પણ ધાર હોય તો લાકડાં કપાયને? તેની પાસે ધાર કાઢવાનો પણ સમય ન હતો. મોટા ભાગના મનુષ્યો પેલા કઠિયારા જેવા છે. મનની શક્તિથી તે કાર્ય કરે છે. સતત કાર્ય કરવાથી તેમના મનની ધાર બુઢ્ઢી થઈ જાય છે. એમની આ કુહાડી બુઢ્ઢી થઈ જાય છે કે પછી લાકડું તો શું પણ એક છોડિયું પણ કાપી શકાતું નથી. પરિણામે તણાવ, ચિંતા, બ્લડપ્રેશર આ બધાંથી મન સાવ ખતમ થઈ જાય છે. તેમની કાર્યશક્તિ ક્ષીણ થઈ જાય છે.
આવશ્યકતા છે મનની ધાર કાઢવા માટે સમય ફાળવવાની. પ્રાર્થના, ધ્યાન, જપ-પ્રભુનામ સંકીર્તન-એ બધાં મનની ધાર કાઢવાનાં અમોઘ સાધનો છે. શાણા માણસોએ એ સમજવું જોઈએ કે દૈનિક વ્યવહારમાં મનની ધાર કાઢવા પાછળ થોડો પણ સમય આપવાથી સમય બગડતો નથી. બલકે, મનની ધાર સહેજ થતાં ઓછા સમયમાં ખૂબ ઝડપથી કાર્ય થાય છે. મનુષ્યની કર્મશક્તિ વધે છે. મન શાંત થાય છે અને એકાગ્રતા વધે છે. કલાકોનું કર્મ મિનિટોમાં થઈ જાય છે.