દક્ષિણ ભારતના એક પ્રાંતમાં વિશાળ મંદિર હતું. તે મંદિરના મુખ્ય પૂજારીનું મૃત્યુ થતાં મંદિરના અન્ય મહંતે બીજા પૂજારીની નિમણુંક કરવાની ઘોષણા કરાવી. તેણે જણાવ્યું કે કાલે સવારે જે પ્રથમ પહોરમાં આવીને પૂજા વિશેના જ્ઞાનમાં સિદ્ધ સાબિત થશે તેને પૂજારી જાહેર કરાશે. આ ઘોષણા સાંભળીને અનેક બ્રાહ્નણો સવારે મંદિરમાં આવી ગયા. મંદિર પહાડ પર હતું અને ત્યાં પહોંચવાનો માર્ગ કાંટા અને પથ્થરોથી ભરેલો હતો.
માર્ગની આ જટિલતાનું કોઈ પણ રીતે નિવારણ લાવીને બ્રાહ્નણો મંદિરમાં પહોંચ્યા. મહંતે બધાને કેટલાક પ્રશ્નો અને મંત્ર પૂછયા. જ્યારે પરીક્ષા પૂરી થઈ ત્યારે એક યુવાન બ્રાહ્નણ ત્યાં આવ્યો. તે પરસેવાથી લથબથ હતો અને તેનાં કપડાં પણ ફાટી ગયાં હતાં. મહંતે તેને કારણ પૂછ્યું તો તે બોલ્યો, ઘરેથી તો વહેલો જ નીકળ્યો હતો પણ રસ્તામાં કાંટા અને પથ્થરો જોયા તો તેને કાઢવા લાગ્યો જેથી ભક્તોને તકલીફ ન પડે. તેના કારણે મોડું થઈ ગયું.
મહંતે તેને પૂજાવિધિ પૂછી જે તેણે જણાવી. મહંતે પછી તેને મંત્ર વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે ભગવાનને નવડાવા અને ખવડાવવા માટેના મંત્રો હોય છે તેની મને જાણ નથી. મહંત બોલ્યા, પૂજારી તો તું બની ગયો, મંત્રો હું તને શીખવી દઈશ. આ સાંભળીને અન્ય બ્રાહ્નણોએ નારાજી દર્શાવી. ત્યારે મહંત બોલ્યા, પોતાના સ્વાર્થની વાત તો પશુ પણ જાણે છે, પણ સાચો મનુષ્ય તો એ જ છે જે બીજાનાં દુ:ખ માટે પોતાનાં સુખ છોડી દે. સાર એટલો જ છે કે જ્ઞાન અને અનુભવ વૈયિકતક છે, જ્યારે માનવતા હંમેશા પરગજુ હોય છે, તેથી તે સતત સમાજ કલ્યાણમાં જ વ્યસ્ત હોય છે.