એક વખત ગોરક્ષણ સભાના એક પ્રચારક આર્થિક દાન માટે સ્વામી વિવેકાનંદ પાસે આવ્યા. સ્વામીજીએ તેમને પૂછ્યું, કે તમારા લોકોની સભાનો ઉદ્દેશ શું છે? પ્રચારક બોલ્યા, અમે દેશની ગૌમાતાઓને કસાઈઓથી બચાવીએ છીએ. બીજી બાજુ દુર્બળ અને બીમાર ગાયોનું પાલનપોષણ પણ કરીએ છીએ. સ્વામીજીએ પૂછ્યું, સભા માટે ધન ક્યાંથી આવે છે? તેમણે જવાબ આપ્યો, મારવાડી વૈશ્ય સંપ્રદાયના લોકો આ કાર્ય માટે ખૂબ જ ધન આપે છે. તમારા જેવા ધમૉત્મા પણ આ માટે મદદ કરે છે.
સ્વામીજીએ પ્રશ્ન કર્યો, મધ્ય ભારતમાં આ વર્ષે દુષ્કાળથી લાખો લોકો મરી ગયા. શું તમારી સભાએ તેમને કોઈ મદદ કરી? પ્રચારક બોલ્યા- અમારી સંસ્થા દુકાળ જેવી આપત્તિઓમાં કોેઈ મદદ કરતી નથી, કારણ કે અમારું માનવું છે કે આ દુકાળ મનુષ્યના પાપના કારણે જ પડ્યો છે. તેમણે તેમના કર્મોનું ફળ ભોગવી લીધું છે. પ્રચારકની વાત સ્વામીજીને યોગ્ય ન લાગી.
તેથી તેઓ બોલ્યા, કે જે સંસ્થા મનુષ્યો માટે સહાનુભૂતિ નથી રાખી શકતી, પોતાના ભાઈઓને જ અન્ન માટે મરતાં જોઈ શકે છે તેના માટે મને પણ સહાનુભૂતિ નથી. જો મનુષ્ય પોતાનાં કર્મોના ફળના આધારે દુષ્કાળનો ભોગ બને છે તો ગૌમાતા પણ પોતાનાં કર્મોના આધારે જ કસાઈઓ પાસે જાય છે. હું તો એક સંન્યાસી છું અને એમ પણ મારી પાસે ધન નથી. ભવિષ્યમાં જ્યારે ધન આવશે તો પહેલાં માનવો માટે અને પછી તમારી સભા માટે ખર્ચ કરીશ. સાર એટલો જ છે કે માનવતાની સાચી વ્યાખ્યા પર એ જ ખરો ઉતરે છે જેની સંવદેના પ્રાણીમાત્ર પ્રત્યે જાગૃત હોય.