અમેરિકામાં રહેતો ફ્રેન્ક હેરિસ એક પ્રતિભાશાળી યુવાન હતો. તેને નવા-નવા સ્થળે હરવા-ફરવાનો અને જ્ઞાન હાંસલ કરવાનો શોખ હતો. એક દિવસે તેણે સમગ્ર અમેરિકાનું ભ્રમણ કરવાનું નક્કી કર્યું. પોતાની યાત્રા માટે જરૂરી નાણાં એકઠા કરીને તે નીકળી પડ્યો. તે જ્યારે જહાજમાં બેઠો તો અહીં અનેક મુસાફરો સાથે વાત કરવાની તક મળી. ફ્રેન્કને એ બધાંની પાસેથી જુદી-જુદી સંસ્કૃતિઓ અંગે માહિતી મળી. આ જહાજમાં એક તબીબ પણ હતા. ફ્રેન્કની વાતોથી પ્રભાવિત થઈને તેણે તેને પોતાની કેબિનમાં જગ્યા આપી દીધી. તેમના કેબિનમાં વિવિધ વિષયોનાં પુસ્તકો પણ મૂકેલાં હતાં.
ફ્રેન્કે તેને વાંચવાની મંજૂરી માગી, જે તબીબે આપી દીધી. કેટલાંક પુસ્તકો વાંચ્યા બાદ ફ્રેન્કે જણાવ્યું કે, સર આ પુસ્તકો ઘણાં જ સારાં છે. જીવનમાં ક્યારેક જો આટલાં નાણાં કમાઈ શકીશ તો હું પણ આવા કીમતી ગ્રંથો ખરીદીને રાખીશ. ફ્રેન્કના જ્ઞાનનું પારખું કરવા માટે તબીબે એક પુસ્તક ઉઠાવીને તેમાંથી કેટલાક પ્રશ્નો પૂછયા, જેને સાચા જવાબ મળ્યા. કેટલાક પ્રસંગો તો ફ્રેન્કે અક્ષરસ: સંભળાવી દીધા.
આ જોઈને તબીબે પૂછ્યું, ‘પુસ્તકના આ ભાગને તેં કેટલી વખત વાંચ્યા કે તને શબ્દસ: યાદ રહી ગયા?’ ફ્રેન્કે જવાબ આપ્યો, ‘એક વખત જ વાંચ્યા છે, પરંતુ ધ્યાનપૂર્વક વાંચ્યા છે.’ ફ્રેન્કની યાદશક્તિ અને જ્ઞાનની તીવ્રતાથી તબીબ અને બીજા યાત્રીઓએ પ્રભાવિત થઈને ફાળો એકઠો કર્યો અને તેને માટે પ્રથમ શ્રેણીની ટિકિટ પણ ખરીદી. તક મળતાં જ પ્રતિભા પોતાનો ચમત્કાર દેખાડે છે. આથી પ્રતિભાશાળી વ્યક્તિઓએ આશા રાખીને તકને શોધતાં રહેવું જોઈએ.