ઘટના તે સમયની છે જ્યારે સમગ્ર ભારતમાં મરાઠાઓનું વર્ચસ્વ હતું. એક વખત તેમના મિત્રરાજ્યએ દુશ્મન રાજ્ય સાથે યુદ્ધ કરવા માટે મદદ માગી. મરાઠાઓની સેના મિત્રરાજ્યની મદદ માટે નીકળી પડી. સેનાએ જ્યાં પડાવ નાખ્યો ત્યાં આસપાસ ખેડૂતોનાં ખેતરો હતાં. સેનાપતિ એક દિવસ ક્યાંક ગયો હતો. સેનાના કેટલાક સૈનિકોએ ખેતરોમાંથી થોડો પાક વાઢી લીધો અને ઘોડાઓને ખવડાવી દીધો. નારાજ ખેડૂતોએ સેનાના ઉચ્ચ અધિકારી બાજીરાવને ફરિયાદ કરી. બાજીરાવે આમ કરનારા સૈનિકોને ખૂબ જ ધમકાવ્યા. આ સૈનિક મલ્હાર હોલકરના હતા.
તેમણે બાજીરાવને સૈનિકોને ધમકાવતા જોયા તો તેમનાથી તે સહન ન થયું. તેમણે બાજીરાવને એક મોટો પથ્થર માર્યો. તેનાથી બાજીરાવને લોહી નીકળવા લાગ્યું, પરંતુ તે ચૂપચાપ પાછા ફર્યા. સેનાના મુખ્ય સેનાપતિને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે મલ્હારને બાજીરાવની માફી માગવાનો આદેશ આપ્યો. મલ્હારે તેને પોતાનું અપમાન ગણાવ્યું અને એક દિવસ બાજીરાવ પર તલવારથી જીવલેણ હુમલો કર્યો.
તે વખતે બાજીરાવ બોલ્યા, મલ્હારરાવ તમે વીર છો અને અત્યારે આપણે એક લક્ષ્ય પર છીએ. જો મને મારીને તારા જીવને શાંતિ મળતી હોય તો મને મારી નાખો, પણ મરાઠા જાતિના લક્ષ્યના માર્ગમાં આવો વિવાદ ભેદભાવ ઊભો ના કરો.બાજીરાવની વાત સાંભળીને મલ્હારનો ક્રોધ શાંત થઈ ગયો અને તેણે બાજીરાવનં ચરણોમાં પડીને માફી માગી. આંતરિક એકતા હોય તો મોટામાં મોટું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે, પણ જો ભેદભાવ ઊભો થયો તો નાનામાં નાની સફળતા પણ મળવી મુશ્કેલ થઈ જાય છે.