ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાન વિભૂતિઓનું યોગદાન રહેલું છે. તેમાં કેટલાક અહિંસાના પૂજારી હતા તો કેટલાક ક્રાંતિના પથના પથિકો હતા. તેમાંના એક હતા યતીન્દ્રનાથ બોઝ. તેમના જીવનની એક ઘટના છે, જે આજના યાંત્રિક અને અમાનવીય બની રહેલા સમાજ માટે પ્રેરણારૂપ છે. એક દિવસ યતીન્દ્રનાથ ગરમીની સિઝનમાં બપોરના સમયે રસ્તા પર ચાલતા જઈ રહ્યા હતા.
રસ્તા પર એક જગ્યાએ તેમણે ભીડ જોઈ. ભીડને પાર કરીને વચ્ચે પહોંચ્યા તો તે ર્દશ્ય જોઈને અવાક્ રહી ગયા. તેમણે જોયું કે એક વૃદ્ધા ગરમીના કારણે અને વજન ન ઉઠાવી શકવાના કારણે જમીન પર પડેલી હતી. લોકો તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા હતા પણ ઘરે પહોંચાડવા માટે કોઈ તૈયાર નહોતું. યતીન્દ્રનાથે તેમને ઊભી કરી અને તેમનો સામાન ઉપાડીને કહ્યું કે, ચાલો માતા ઘરે જઈએ. તેમના ઘરે પહોંચીને યતીન્દ્રનાથે તેમને પૂછ્યું કે તમારા ઘરમાં કોઈ નથી, તો તેમણે ગમગીન સ્વરે કહ્યું કે એક દીકરો હતો અને તે મહામારીના કારણે મૃત્યુ પામ્યો છે. હવે આ ભાર ઊંચકીને જીવન પસાર કરું છું.
યતીન્દ્રનાથનું હૃદય દ્રવી ઊઠ્યું અને કહ્યું કે તમે ચિંતા ના કરશો, હવે તમારે ભાર ખેંચવાની જરૂર નથી. આટલું બોલીને તેઓ વૃદ્ધાને કેટલીક રકમ આપીને તેમનાં ચરણ સ્પર્શ કરીને ચાલ્યા ગયા. ત્યાર પછી તેમણે તેમનું આજીવન ભરણપોષણ કર્યું. નિ:સ્વાર્થ સેવા સાચું પુણ્યકર્મ છે, અને તેમ કરવાવાળો સાચો પુણ્યાત્મા છે.