એક રાજા હતો. તે ખૂબ જ દયાળુ અને પરોપકારી હતો. બધા તેનો આદર કરતા અને તેની સાથે વિનમ્રતાપૂર્વક વ્યવહાર કરવો તે તેનો સ્વભાવ હતો. તેને તેના જ એક રાજ્યના સાધુ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તે સાધુ રાજધાનીથી દૂર અન્ય એક નગરમાં રહેતો હતો. ત્યાં કોઈ સારી સારવાર કરે તેવો વૈદ્ય હતો નહીં. એક દિવસ રાજાને થયું કે તેમના આશ્રમમાં કોઈ બીમાર પડે તો ખૂબ જ મુશ્કેલી થાય તેમ છે. તેથી તેણે તેમના રાજવૈદ્યને બોલાવ્યા અને કહ્યું કે તમે ત્યાં આશ્રમમાં જઈને રહો અને જો કોઈ બીમાર પડે તો તેની સારવાર કરજો. વૈદ્ય ત્યાં પહોંચી ગયો.
દિવસો વીતતા ગયા પણ સાધુના આશ્રમની કોઈ વ્યક્તિ તેની પાસે ઇલાજ કરાવવા આવતી નહોતી. વૈદ્ય ત્યાં કામ વગર બેસી રહીને કંટાળ્યો હતો. ઘણા મહિના પસાર થયા પછી એક દિવસ તે સાધુ પાસે ગયો અને બોલ્યો મહારાજ મને રાજાએ તમારા શિષ્યોની સારવાર કરવા અહીં મોકલ્યો છે, પણ આટલા મહિના પસાર થવા છતાં કોઈ મારી પાસે આવ્યું નથી.
તેનું કારણ શું છે? સાધુએ જવાબ આપ્યો, વૈદ્યરાજ, મારા શિષ્યોની આદત છે કે જ્યાં સુધી તેમને ખૂબ જ ભૂખ ન લાગે ત્યાં સુધી ભોજન કરતા નથી અને ભોજન કરે ત્યારે પણ થોડી ભૂખ રહે તેટલું ભોજન કરીને ઊભા થઈ જાય છે. વૈદ્ય તરત જ સમજી ગયો કે આ જગ્યાએ રોગ આવી શકે જ નહીં. તે જ સમયે તે પાછો રાજા પાસે ચાલ્યો ગયો. સાર એટલો જ છે કે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે તમે સુપાચ્ય અને ઓછું ભોજન કરો. તેનાથી ઇન્દ્રિય નિગ્રહને બળ મળે છે, જે સ્વસ્થ અને સુખી જીવન માટે જરૂરી છે.