ગુલામીના દિવસોની વાત છે. અંગ્રેજ ન્યાયાધીશ કાર્નડેફે જ્યારે કઠેડામાં ઊભેલા યુવકને ફાંસીની સજા ફટકાર્યા બાદ તેની સામે જોયું તો તે આશ્ચર્યચકિત રહી ગયો, કેમકે પેલા યુવકના ચહેરા પર સ્મિત ફરક્તું હતું. ન્યાયાધીશે વિચાર્યું કે કદાચ તેણે પોતાની ફાંસીની સજા સાંભળી નહીં હોય. આમ વિચારીને તેણે બીજી વખત કહ્યું, તે સાંભળ્યું, પોલીસ ઇન્સપેક્ટર્સ સાંડર્સ પર બોમ્બ ફેંકવાના ગુનામાં તેને ફાંસીની સજા ફટકારવામાં આવે છે.
યુવક હસ્યો અને બોલ્યો, બસ, ફાંસી? અમે ભારતીય મોતથી ડરતા નથી. આ તો મારા માટે ખુશીની વાત છે કે મને ફાંસીના માંચડે લટકીને ભારતમાતાની સેવા કરવાની તક મળશે. આ સાંભળીને ન્યાયાધીશે કહ્યું, તને ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. આ સાંભળીને યુવકે જણાવ્યું કે, ‘તેની કોઈ જરૂર નથી. મારે જો જીવનની ભીખ જ માગવી હોત તો બોમ્બ શા માટે ફેંકતો?
જો મારા પ્રત્યે તમારામાં જરા પણ દયા હોય તો મને માત્ર પાંચ મિનિટનો સમય આપો, જેથી અદાલતમાં બેસેલા મારા સાથીઓને બતાવી શકું કે બોમ્બ કેવી રીતે બનાવવામાં આવે છે. આ સાંભળીને ન્યાયાધીશ નારાજ થઈને જતો રહ્યો. ૧૧મી ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ આ યુવક હસતાં-હસતાં ફાંસીને માચડે લટકી ગયો. આ દેશભકત યુવક હતો, ખુદીરામ બોઝ. દેશની સ્વતંત્રતા આવા જ દેશભકતો પર ટકેલી છે, જે પોતાનું સર્વસ્વ બલિદાન કરવા તત્પર હોય છે. દેશને પોતાની પ્રાથમિકતાની યાદીમાં ટોચ પર રાખનારો જ સાચો દેશભકત હોય છે અને દેશ માટે તેનું બલિદાન તેને અમર બનાવી દે છે.