જાણીતા સંત એકનાથ બાર વર્ષની ઉંમરે પોતાના ગુરુ પાસે દેવગઢ પહોંચી ગયા હતા. ગુરુએ તેમને હિસાબ રાખવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ તે હિસાબ કરતા હતા ત્યારે એક પાઈ ખુટી. ખૂબ જ વિચાર કર્યા પછી જ્યારે તેમને અડધી રાત્રે અડધી પાઈનો હિસાબ મળ્યો તો તે ગુરુ પાસે ગયા અને તેમને હિસાબ આપ્યો. ગુરુ બોલ્યા, બેટા તું એક પાઈ મળવા જેવી વાતતી આટલો ખુશ છું અને સંસારની માયાજાળ જેવી મહાભૂલમાં હજી ફસાયેલો છે.
આ વાત સાંભળીને એકનાથને વૈરાગ્ય આવ્યો. તે પોતાના ગુરુ પાસે કૃષ્ણોપાસનાની દીક્ષા લઈને એક પર્વત પર તપ કરવા માટે જતા રહ્યા. તપ કર્યા પછી તે પોતાની જન્મભૂમિ પાસે આવેલા પિપલેશ્વર મહાદેવમાં રહેવા લાગ્યા. જો કે થોડા સમય પછી તેઓ લગ્ન કરીને ગૃહ સન્યાસી બની ગયા. લગ્ન બાદ દરરોજ તેમના ઘરમાં ભજન-કિર્તન થતા અને અન્નનું વિતરણ કરવામાં આવતું. એક દિવસ કિર્તન દરમિયાન કેટલાક ચોર આવ્યા.
તેમણે ઘરનો બધો જ સામાન ભેગો ધરી લીધો. ત્યાર પછી તેમણે ભગવાનની મૂર્તિના આભૂષણો ચોરવાનો પ્રયત્ન કર્યો. ત્યાં એકનાથ ધ્યાન કરી રહ્યા હતા. તેમણે ચોરોને કહ્યું કે, તમને આ બધાની ખૂબ જ જરૂર હશે નહીંતર આટલી રાત્રે આવું જોખમ કોણ ખેડે? આટલું કહેતા તેમણે પોતાની આંગળીમાં રહેલી વીંટી પણ તેમને કાઢી આપી. આ જોઈને ચોરો શરમાઈ ગયા અને ક્યારેય ચોરી ન કરવાનો સંકલ્પ કર્યો. સાર એટલો જ છે કે બુરાઈનો પ્રતિકાર સારપથી કરવો જોઈએ.