એક મહાત્માની ઝૂંપડીમાં એક ઉંદર રહેતો હતો. ક્યારેક જો બિલાડી ત્યાં આવી જાય તો તે ગભરાઈ જતો. મહાત્માએ તેના ભયનું કારણ અને નિવારણ પૂછ્યું. ઉંદરે કહ્યું કે મને બિલાડીનો જ ભય લાગે છે. તમે મને બિલાડી બનાવી દો જેથી હું નિર્ભય થઈ જઉં. મહાત્માએ તેમ કર્યું. ઉંદર બિલાડી બનીને તે વિસ્તારમાં નિર્ભય રીતે ફરવા લાગ્યો. પરંતુ કેટલાક દિવસ પછી ત્યાંના કેટલાંક કૂતરાઓએ તેને જોઈ અને તેને મારવા આવ્યા.
બિલાડીએ મહાત્માને કહ્યું કે મને કૂતરો બનાવી દો. મહાત્માએ તેને કૂતરો બનાવી દીધી. કેટલાક દિવસ બધું બરાબર ચાલ્યું પણ વરુઓ તેને ખાવા માટે આમતેમ ચક્કર લગાવવા લાગ્યાં. કૂતરાએ આ ભય વિશે મહાત્માને વાત કરી અને પોતાને વરુ બનાવવા વિનંતી કરી. મહાત્માએ તે પણ સ્વીકારી લીધી. વરુ સિંહને પોતાનો શત્રુ માને છે, તેથી સિંહ પરિવાર તેને મારવા માટે તૈયાર હતો. હવે વરુ એ સિંહ બનવાની ઇચ્છા વ્યક્ત કરી અને દયાળુ મહાત્માએ તે પણ પૂરી કરી.
કેટલાક સમય પછી સિંહની ત્રાડ સાંભળીને કેટલાક શિકારીઓનું જુથ તેનો શિકાર કરવા આવ્યું. સિંહ ફરીથી ગભરાઈને મહાત્માની શરણમાં ગયો, પણ આ વખતે તેનો મિજાજ કંઈક અલગ હતો. મહાત્માએ કમંડળમાંથી પાણી કાઢયું અને તેને સિંહ પર છાંટીને ફરીથી ઉંદર બનાવી દીધો અને બોલ્યા, સંકટનો સામનો કરવાની હિંમત અને સાહસ જેનામાં નથી, તેનું કામ બીજાના સહારે ક્યાં સુધી ચાલે? સાર એટલો જ છે કે જ્યારે પણ સંકટનો સામનો કરવાનો આવે તો તેના માટે ઉત્તમ સાધન આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસથી અસંભવ કાર્યને પણ સંભવ કરી શકાય છે.