જાણીતા ગાંધીવાદી નેતા આચાર્ય જીવતરામ કૃપલાણી અત્યંત સરળ સ્વભાવના હતા. તેમની પાસે આવનારા તમામ લોકો પ્રત્યે તેમનો વ્યવહાર સ્નેહપૂર્ણ રહેતો હતો. આચાર્ય કૃપલાણી મનુષ્યમાત્રની સમાનતામાં વિશ્વાસ રાખતા હતા અને કોઈ પણ નિમ્ન આધાર પર થતા પક્ષપાતના તે વિરોધી હતા. એક વખતની વાત છે. આચાર્ય કૃપલાણી ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા. તેઓ જે ડબામાં બેઠા હતા ત્યાં એક સ્ત્રી અને પુરુષ પણ યાત્રા કરી રહ્યાં હતાં.
તે આચાર્યજીને જાણતા નહોતા, તેમ છતાં તેમની વાતો સાંભળીને તેમનાથી એટલાં પ્રભાવિત થઈ ગયાં કે તેમની સાથે વાર્તાલાપ કરવા લાગ્યાં. વાત વાતમાં તેમણે આચાર્યજીને પૂછ્યું કે તમે કઈ જાતિના છો? કૃપલાણીજીએ જવાબ આપ્યો કે હું તો ઘણી જાતિઓનો છું. બંનેએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે, તે કેવી રીતે? આચાર્ય કૃપલાણી બોલ્યા, જ્યારે સવારે હું મારાં પગરખાં સાફ કરું છું ત્યારે શુદ્ર બની જાઉં છું. મહાવિદ્યાલયમાં ભણાવવા જાઉં ત્યારે બ્રાહ્નણ થઈ જાઉં છું.
વેતનનો હિસાબ કરતો હોઉં ત્યારે વણિક બનું છું. હવે તમે જ કહો કે મારી કઈ જાતિ છે? આચાર્યજીનો જવાબ સાંભળીને બંનેને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે આચાર્યજીની માફી માગી. સાર એટલો જ છે કે ભગવાન દરેક મનુષ્યને સમાન બનાવે છે. તેથી જાતિ, ધર્મ, લિંગ, ધનવાન-ગરીબ વગેરે આધારો પર ભેદભાવ ન રાખવો જોઈએ. વ્યક્તિનું મૂલ્યાંકન તેના વિચારો અને આચરણના આધારે થવું જોઈએ.