આપણા દૈનિક ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓની શોધ કરનારા મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડીસનને પોતના કામ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જ્યારે તો શોધ કાર્ય માટે પોતની પ્રયોગશાળામાં પ્રવેશ કરતા તો કલાકો સુધી બહાર આવતા નહોતા. રાત્રે પણ ઊંઘતી વખતે તેમને કોઈ નવો પ્રયોગ મગજમાં આવે તો તેને અમલમાં લાવવા તાત્કાલિક પ્રયોગશાળામાં પહોંચી જતા હતા. પોતના પ્રયોગને પરિણામ સુધી પહોંચાડવા માટે તે ખૂબ જ મહેનત કરતા અને પોતાનું કોઈપણ કામ અધૂરું છોડતા નહોતા. પોતાના કામ આગળ તે કુટુંબને પણ કોઈ મહત્વ નહોતા આપતા. તેમના આ સ્વભાવના કારણે જ તેમની પત્ની તેમનાથી નારાજ રહેતી હતી.
એક દિવસ એડીસનને પ્રયોગશાળામાં ગયે એક આખો દિવસ થઈ ગયો. તેઓ ખાવા-પીવા માટે પણ આવ્યા નહોતા. તેમની પત્ની તેમને વારંવાર બહાર આવવા જણાવતી હતી, પણ તેઓ તેની વાત નકારી કાઢતા હતા. જ્યારે પત્નીનું દબાણ વધી ગયું ત્યારે તે બહાર આવ્યા.
તેમને પત્નીએ સલાહ આપી કે, તમે રાત દિવસ કામ કર્યા કરો છો ક્યારેક તો રજા રાખો. એડીસન બોલ્યા, ‘હું રજા લઈને જઉં ક્યાં?’ પત્નીએ જવાબ આપ્યો કે, ‘જ્યાં તમારું મન આનંદમાં આવી જાય ત્યાં જવું જોઈએ. એડીસન બીજી જ ક્ષણે એ બોલીને પ્રયોગશાળામાં જતા રહ્યા કે, ‘બસ તો હું એ જ જગ્યાએ જઉં છું જ્યાં મને આનંદ આવે’. સાર એટલો જ છે કે કામ પ્રત્યે સમર્પણ જ ગૌરવશાળી સફળતા અપાવે છે અને બીજાને પણ આ જ માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.