એક આશ્રમમાં મહાત્મા અને તેમના બે શિષ્યો રહેતા હતા. બંને શિષ્યો મહાત્માના જણાવ્યા પ્રમાણે ભગવાનનું પૂજન-અર્ચન કરતા હતા. આશ્રમનાં કાર્ય પણ ખૂબ જ ધ્યાન રાખીને કરતા હતા. આશ્રમની સફાઈ, વૃક્ષો-છોડવાઓનું જતન, પશુઓની સંભાળ, મહાત્માજીની સેવા બધું જ આ બે શિષ્યોના માથે જ હતું અને તેઓ આ જવાબદારી સારી રીતે નિભાવતા પણ હતા. બંને શિષ્યોની સ્થિતિ એક સરખી હોવા છતાં એક કાયમ દુ:ખી રહેતો અને એક કાયમ સુખી રહેતો હતો.
પહેલો નાની નાની વાતમાં પણ પરેશાન થઈ જતો જ્યારે બીજો મુશ્કેલીમાં પણ કંઈક સારી વાત શોધીને ખુશ રહેતો હતો. કેટલાક દિવસો પછી મહાત્મા મૃત્યુ પામ્યા. બે દિવસમાં જ બંને શિષ્યો પણ મૃત્યુ પામ્યા. દેવયોગથી ત્રણે સ્વર્ગલોકમાં એક જ સ્થળે ભેગા થયા. જોકે અહીંયા પણ પહેલો શિષ્ય અશાંત જણાતો હતો જ્યારે બીજો પ્રસન્ન. દુ:ખી શિષ્યએ ગુરુજીને પૂછ્યું, ગુરુજી લોકો કહે છે કે ઈશ્વરભક્તિથી સ્વર્ગમાં સુખ મળે છે પણ હું તો અહીંયા ય દુ:ખી જ છું. ત્યારે મહાત્મા બોલ્યા, ભક્તિથી સ્વર્ગ તો મળે છે પણ સુખ અને દુ:ખ મનની વાત છે.
મન શુદ્ધ હોય તો નર્કમાં પણ સુખ છે અને મન શુદ્ધ ન હોય તો સ્વર્ગમાં પણ દુ:ખ છે. મન:સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે દરેક જગ્યાએ દુ:ખદ પરિણામ જ આપે છે. સાર એટલો જ છે કે દરેક સ્થિતિમાં પ્રસન્ન રહેતી વ્યક્તિ પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા શોધી લે છે અને દુ:ખ તથા નિરાશા પર વિજય પ્રાપ્ત કરીને હંમેશા સુખી રહે છે.