નિઝામુલ્મુલ્ક તૂસી ઇરાનના એક વડીલ હતા. બીજાને મદદ કરવી તે તેમનો સ્વભાવ હતો. જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તે તેમની પાસે આવતી અને તેઓ તેની યથાશક્તિ મદદ પણ કરતા અને કોઈને ક્યારેય નિરાશ થઈને પાછા નહોતા જવા દેતા. તેમના આ સ્વભાવના કારણે લોકો તેમનો ખૂબ જ આદર કરતા હતા. નિઝામુલ્મુલ્કની બીજી એક આદત હતી, કે તેઓ જ્યારે પણ કોઈ સ્નેહી તેમને લાગણીશીલ થઈને કંઈ ખાવાનું આપતા તો બધી જ વસ્તુ જાતે ન ખાતા બધાને વહેંચતા હતા.
જ્યારે તે સ્વાદિષ્ટ વસ્તુનો આનંદ દરેકના ચહેરા પર દેખાતો ત્યારે તેમને વધારે આનંદ થતો હતો. એક દિવસ એક ખેડૂત એક મોટું તરબૂચ લઈને તેમની પાસે આવ્યો. નિઝામુલ્મુલ્કે તે તડબૂચ મૂકર્યું, કાપ્યું અને એકલા જ બધું ખાઈ ગયા. તે જોઈને ત્યાં હાજર અન્ય લોકોને આશ્ચર્ય થયું. ખેડૂત સામે નિઝામુલ્મુલ્કે તડબૂચના ખૂબ જ વખાણ કર્યા. જ્યારે ખેડૂત જતો રહ્યો ત્યારે કોઈએ તેમને એકલા જ તડબૂચ ખાવાનું કારણ પૂછ્યું.
તેઓ બોલ્યા કે તે તડબૂચ ફિક્કું હતું, અને જો હું તેના ટુકડા કરીને તમને લોકોને આપત અને તમારામાંથી કોઈ તેના વિશે સાચું બોલી ગયું હોત તો તે ગરીબ ખેડૂતને દુ:ખ થયું હોત. સાર એટલો જ છે કે પોતે દુ:ખ સહન કરીને બીજાને લાભ મળે તેવું કરવાની ભાવના સમાજમાં તેવા પરમાર્થનું સર્જન કરે છે, જે શ્રેષ્ઠ હોવાની સાથે અનુકરણીય છે.