પોતાના મામાના દીકરાને દૂધ પીતા જોઈને ઉપમન્યુના મનમાં પણ દૂધ પીવાની ઇચ્છા થઈ. લગભગ૧૨-૧૩ વર્ષનો ઉપમન્યુ પોતાની વિધવા માતા પાસે પહોંચ્યો અને બોલ્યો, હું પણ દૂધ પીશ. પુત્રની વાત સાંભળીને માતા બોલી, બેટા તારા નસીબમાં દૂધ પીવાનું લખ્યું નથી. માતા પ્રત્યે નારાજ દ્રષ્ટિ કરીને ઉપમન્યુ બોલ્યો, મારા ભાગ્યમાં દૂધ પીવાનું કેમ લખ્યું નથી? તેની માએ લાચાર થઈને તેને લોટ પાણીમાં ઓગાળીને પીવા આપ્યો.
જેવો તેણે એક ઘૂંટડો પીધો, મોં બગાડીને ઉપમન્યુ બોલ્યો આ દૂધ નથી. માતા બોલી, હું ગરીબ છું, તને ક્યાંથી દૂધ લાવીને પીવડાવું? ઉપમન્યુ દુ:ખી થઈને બોલ્યો, મા તેનો કોઈ ઉપાય નથી? માતાએ કહ્યું, જો તું વનમાં જઈને શિવજીને પ્રસન્ન કરે તો આપણું ભાગ્ય બદલાઈ શકે છે. ઉપમન્યુ સમર્પિત ભાવથી વનમાં જઈને શિવજીની ઉપાસના કરવા લાગ્યો. તેની દ્રઢ ભક્તિ જોઈને શિવજી ઇન્દ્રનું રૂપ લઈને ઉપમન્યુ પાસે આવીને બોલ્યા, તું ખોટી શિવભક્તિ કરે છે, તે તને શું આપશે? હું ત્રણે લોકનો સ્વામી છું, તું મારું નામ લે, હું તારી તમામ ઇચ્છાઓ પૂરી કરીશ.
ઉપમન્યુએ પૂછ્યું કે તમે કોણ છો અને તેમની પર તૂટી પડ્યો. આ જોઈને શિવજી પ્રસન્ન થયા અને પોતાના સાચા રૂપમાં પ્રગટ થયા તથા તેના ઘરમાં દૂધનો સાગર છલકાશે તેવા આશીર્વાદ આપ્યા. હકીકતમાં ઉપમન્યુ હજારો લોકોને દૂધ વહેંચવા લાગ્યો. મોટો થઈને તે વિદ્વાન થયો અને યશ પણ પ્રાપ્ત કર્યો. ખરેખર પોતાના આરાધ્ય પ્રત્યે એકનિષ્ઠ ભક્તિ હંમેશા શુભ ફળ આપનારી હોય છે. તેથી જેના પ્રત્યે શ્રદ્ધા હોય તે અતૂટ રહેવી જોઈએ.