સૂફી સંતોમાં એક મહિલા સંત થઈ ગયાં રાબિયા. તે અત્યંત સાદગીથી પોતાનું જીવન પસાર કરતાં હતાં. તે હંમેશા અલ્લાહનું નામ લેતાં અને ક્યારેય કોઈની પાસેથી કંઈ મેળવવાની અપેક્ષા ન રાખતાં. તેમની કુટિરમાં સાધુ-સંતો અને ભકતોની અવરજવર રહેતી હતી. તે દરેકનો પ્રેમથી સત્કાર કરતાં હતાં. એક દિવસ એક સંત તેમની કુટિરમાં આવ્યા અને ત્યાં રાત્રે રોકાયા પણ ખરા. રાત્રે તેમણે ઊંઘતી વખતે જોયું કે રાબિયાએ ઊંઘવા માટે કંતાન પાથર્યું અને તેના પર એક ઇંટ મૂકી, પછી અલ્લાહનું નામ લઈને સૂઈ ગયાં અને થોડા જ સમયમાં તેમને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
આટલા મોટા સંતનું આવું કઠોર જીવન જોઈને મહેમાન બનેલા સંતને ખૂબ જ આશ્ચર્ય અને દુ:ખ થયું. તે રાતભર સૂઈ ન શક્યા. તેમણે સવારે રાબિયાને પૂછ્યું કે તમે આટલાં બધાં કષ્ટ શા માટે સહન કરો છો? મારા અનેક ધનિક મિત્રો છે. તેમની સાથે વાત કરીને હું તમારા માટે ઊંઘવાની સારી વ્યવસ્થા કરાવી શકું છું.
રાબિયા બોલ્યાં, તમારી સહાનુભૂતિ માટે આભાર, પણ એક વાત જણાવો કે અમીરો અને તમને આપનારો તો એક જ છે ને? સંતે કહ્યું હા એક જ છે. ત્યારે રાબિયા બોલ્યાં કે તો શું તે આપણને ભૂલી ગયા છે અને ધનિકો જ તેમને યાદ છે. જો તેમને આપણે યાદ નથી તો શા માટે યાદ કરાવવું જોઈએ? સાચી વાત તો એ છે કે તે આપણને પસંદ છે કારણ કે તે ઈશ્વરને પણ પસંદ છે. સાર એટલો જ છે કે જેટલું મળે તેને ઈશ્વરની ઇચ્છા ગણીને સંતોષ માનવાથી અભાવ કે કષ્ટનો અનુભવ થતો નથી.