સમ્રાટ ઉત્તાનપાદ અને સુમતિનો પુત્ર ધ્રુવ અત્યંત માતૃભકત હતો. તે હંમેશા માતાને અનુકુળ આચરણ કરતો હતો. તેની માતા જે કહે તેનાથી તે રતી માત્ર પણ ખસતો નહોતો. જ્યારે તેની માતા વૃદ્ધ થઈ તો તેમણે સંન્યાસ ગ્રહણ કરી લીધો અને વનમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. ધ્રુવ તે સમયે રાજા હતો. તેણે માતાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને તેમને વનમાં જવાની વ્યવસ્થા કરી આપી. ધ્રુવનું વ્યક્તિત્વ ઋષિ અને રાજા બંનેનું મિશ્રણ હતું. સાત્વિક જીવન પસાર કરનારા ધ્રુવનો અંત સમય નજીક આવ્યો ત્યારે તેને સ્વર્ગમાં લઈ જવા માટે વિમાન આવ્યું, તે વખતે મૃત્યુ તેની સમક્ષ દંડવત્ થઈને બોલ્યું ભગવાન તમે મારા માથે પગ મૂકીને વિમાનમાં પ્રવેશ કરો.
હું તેનાથી ધન્ય થઈ જઈશ. ધ્રુવે તેવું જ કર્યું. થોડી જ વારમાં તેણે વિમાન ફરીથી મૃત્યુલોક તરફ લેવા માટે દેવોને જણાવ્યું. કારણ પૂછતા તે બોલ્યો, મારાં માતા ત્યાં છે જે મારા સમગ્ર જ્ઞાનનો ±ાોત છે. તેમના વગર મારું સ્વાર્ગરોહણ પણ અધૂરું છે. ત્યારે દેવદૂતોના સંકેતથી તેને એક અતભિવ્ય વિમાન દેખાયું અને તેઓ બોલ્યા કે અમે તમારાં માતાજીની પણ સ્વર્ગમાં જવાની વ્યવસ્થા તમારા પહેલાં કરી દીધી હતી.
માતૃભકત ધ્રુવને ખૂબ જ સંતોષ થયો કે તે સ્વર્ગમાં પણ માતૃછાયમાં રહેશે, જે હંમેશા તેને સન્માર્ગ બતાવતી હતી. સાર એટલો જ છે કે ધરતી પર ઈશ્વરના પ્રતીકરૂપે માતા છે. જો તેનું માનીને અને તેના પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખવામાં આવે તો દિવ્ય શાંતિ અને પરમ સુખનો જીવનમાં સ્થાયી પ્રવેશ થાય છે.