શાસક-વિપક્ષ પ્રજાહિતને નહીં સમજે તો પ્રજા એમને ‘સમજશે’
સત્તા અને વિપક્ષ બંને અંતે તો પ્રજાકારણ માટે છે, માત્ર રાજકારણ માટે નહીં તે વાત દિન પ્રતિદિન ભૂલાતી જાય છે અને પ્રજા પર પક્ષો હાવી થઈ જતા જોવા મળે છે.
અનેક રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર કમળ-પંજો સાથે રહીને કામ કરી શકે તેમ છે. મતભેદ માત્ર સત્તા યા ખુરશી પ્રાપ્તિનો છે. બે મુખ્ય રાજકીય પક્ષોની ચસમપોશીને કારણે અસંખ્ય નાના-નાના પ્રાદેશિક પક્ષોની મનમાની અને દાદાગીરી સહન કરવી પડે છે.
જાણીતા રામાયણી મોરારિદાસ હરિયાણીએ સમાજના જુદા જુદા વર્ગો જેવા કે વાલ્મીકિ સમાજ, માછીમાર સમાજ, દેવીપૂજક સમાજ, વિચરતી જાતિઓનો સમાજ વગેરે માટે ભૂતકાળમાં રામાયણની કથાઓ યોજવાનું એક વિશિષ્ટ કાર્ય કર્યું હતું, તેમ તાજેતરમાં સોમનાથ ખાતે પત્રકારો માટે પણ એક રામકથા યોજી. બાપુએ રમૂજમાં કહ્યું કે, પત્રકાર પરિષદ એકાદ દિવસની હોય પણ હું નવ દિવસની પત્રકાર પરિષદ યોજી રહ્યો છું!
કથાના અંતિમ દિવસે મોરારિબાપુએ દેશની પ્રજાની લાગણીનો પડઘો પાડતા હોય એમ કહ્યું કે, પંજો ને કમળ સાથે થઈ જાય તો કેવું રૂડું લાગે! બાપુની આ ભાવાત્મક લાગણી સૌને સ્પર્શી જાય તેવી છે, પણ જેમને આનો અમલ કરવાનો છે તેમના પર ભાગ્યે જ આવી કોઈ લાગણીપ્રધાન વાતની અસર થાય તેમ છે.
વળી, સંસદીય લોકશાહીમાં સત્તા અને વિપક્ષ એમ બે પક્ષો તો હોય એ સ્વાભાવિક છે પણ સત્તા અને વિપક્ષ બંને અંતે તો પ્રજાકારણ માટે છે, માત્ર રાજકારણ માટે નહીં તે વાત દિન પ્રતિદિન ભૂલાતી જાય છે અને પ્રજા પર પક્ષો હાવી થઈ જતા જોવા મળે છે. દેશમાં આજે એવા અનેક મુદ્દા છે કે જેની પર દેશના અને પ્રજાના વ્યાપક હિતમાં સત્તા અને વિપક્ષ મુદ્દા આધારિત સમર્થન થકી સાથે મળીને કામ કરી શકે તેમ છે.
મોંઘવારી, બેકારી કે ગરીબી હટાવવામાં શું મતભેદ હોઈ શકે? આતંકવાદ કે નકસલના પ્રશ્ને વળી શું મતભેદ હોય? શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, રોડ આ બધાં વિકાસનાં પ્રજાલક્ષી કાર્યોમાં શાના મતભેદ? ગોદામોમાં અનાજ સડી જાય છતાં પ્રજા સુધી ન પહોંચી શકે એમાં શું મતભેદ? સાથે મળીને જરૂરિયાતવાળાને અનાજ કેમ ન પહોંચાડી શકાય? ભ્રષ્ટાચાર હટાવવામાં શું મતભેદ હોઈ શકે? ૪૨ વર્ષથી લોકપાલબિલ લટકી રહ્યું છે. દરેક મુદ્દે પરસ્પર લાભ ખાટવાની વૃત્તિએ રાજકારણમાંથી પ્રજાકારણની ઘોર ખોદી નાખી છે.
ભારતની વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ અને આર્થિક નીતિ આઝાદી પછી ગમે તે પક્ષની સરકાર આવે છતાં એક જ રહી છે. નરસિંહરાવ સરકારની આર્થિક નીતિ વાજપેયી સરકારે આગળ ધપાવી છે. કમળ અને પંજા વચ્ચે તૃષ્ટિકરણની નીતિને લઈને મતભેદ દેખાય છે પણ એમાંયે કમળ હવે પંજાની હરીફાઈ કરવા લાગ્યું છે. વિદેશી મૂડીરોકાણ કે કૃષિ અને ઔદ્યોગિક નીતિ પણ બંને પક્ષોની જુદી નથી. આમ આવા અનેક રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પર કમળ-પંજો સાથે રહીને કામ કરી શકે તેમ છે.
મતભેદ માત્ર સત્તા યા ખુરશી પ્રાપ્તિનો છે. બે મુખ્ય રાજકીય પક્ષોની ચસમપોશીને કારણે તેમને ચોમાસામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા અસંખ્ય નાના-નાના પ્રાદેશિક પક્ષોની મનમાની અને દાદાગીરી સહન કરવી પડે છે. પાકિસ્તાનમાં સરકાર રચવા ઝરદારી અને નવાઝ શરીફે હાથ મિલાવ્યા. અમેરિકાને દેવાળિયું બનતું અટકાવવા સત્તા-વિપક્ષ એક થયા. બ્રિટિનમાં પણ તોફાનો સમયે સત્તા-વિપક્ષની એકતા દેખાઈ.
દુભૉગ્યે આપણે ત્યાં કોઈ પણ પ્રજાકીય કલ્યાણના પ્રશ્નમાં પણ વચ્ચે રાજકારણ લવાય છે. કમસે કમ સંસદ કે વિધાનગૃહો નિયમ મુજબ કાર્યવાહી કરી શકે તેવું યોગ્ય વાતાવરણ પણ બંને પક્ષો સાથે મળીને સર્જી શકે તોય દેશની મોટી સેવા કરી ગણાશે.
સંસદ અને વિધાનગૃહોની કામગીરીના ઘટતા જતા દિવસો અને ઉતરતા જતા ચર્ચાના ધોરણો અંગે પણ બંને પક્ષો સાથે બેસીને વિચારી શકે. અનેક અગત્યનાં બિલ ગૃહોમાં વિપક્ષોના બહિષ્કાર કે સસ્પેન્શન વચ્ચે ચર્ચા વિના મિનિટોમાં પસાર થઈ જાય છે. તે સ્થિતિ પણ બંને પક્ષો નિવારી શકે. ભ્રષ્ટાચાર કે અન્ય ગુનાઓમાં પોલીસ તપાસ નિષ્પક્ષ રીતે દખલ વિના થાય અને સત્ય બહાર આવે એવી સ્થિતિનું પણ બંને પક્ષો નિર્માણ કરી શકે તોય ઘણું છે.
પંજો ને કમળ આ બધી બાબતો નહીં વિચારે તો આજે મૂડીવાદ સામે દુનિયાના ૧૮૨ દેશોના ૯૫૧ શહેરોમાં પ્રજા જાગી છે તે નોબત ભારતમાં પણ આવતાં વાર નહીં લાગે.પંજો અને કમળની એકતા તો બાજુએ રહી પણ અત્યારે તો પંજો અને કમળમાં અંદરોઅંદર એક બીજાને કચડવાના કારસા ચાલે છે. ભેંસ ભાગોળેને છાશ વાગોળે એમ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદ માટે અનેક કમળ બીજા કમળને કચડવા ભરપૂર પ્રયાસો કરી રહ્યાં છે. ૮૪ વર્ષે કોઈ કમળ તીર્થયાત્રાને બદલે રથયાત્રા પર નીકળ્યું છે તો કોઈ કમળ સદભાવ ઉપવાસ કરી રહ્યું છે.
આંતરિક લોકશાહીના નામે સ્વચ્છંદતાનું મોજું કમળ પર સવાર થઈ ગયું છે, તો બીજી બાજુ પંજાનાં એક પરિવારનો શિસ્ત અને અંકુશનો દંડો હોવા છતાં હમણાં બે કેન્દ્રીય મંત્રીઓના વિવાદો જાહેરમાં આવ્યા. આમ પંજો અને કમળની એકતા પહેલાં બંને જણાં પરસ્પર અંદરથી પોતે એક થાય તોય ઘણું છે. એનાથી પ્રજાને અને દેશને એક સ્વસ્થ, સ્થિર અને સંગિઠત રાજકીય પક્ષ તો કમસે કમ મળશે.
મોરારિબાપુએ કહ્યું કે પત્રકાર હનુમાન જેવો હોવો જોઈએ, મંથરા જેવો નહીં. બાપુ, સાવ સાચું પણ હનુમાનના સમયમાં રાવણની રાજનીતિમાં ય થોડા સિદ્ધાતો તો હતા એટલે હનુમાનનું કામ થોડું સરળ હતું. આજે તો પત્રકારોની સ્થિતિ મહાભારતના સંજય જેવી છે. યુïભૂમિનું તટસ્થ રિપોટિઁગ સંજય કરતો હતો, છતાં ધૃતરાષ્ટ્ર ઉશ્કેરાઈ જતા હતા કેમ કે સંજયનું રિપોટિઁગ તેમને અનુકૂળ યા તેમની ઇચ્છા મુજબનું નહતું.