વાત ૧૯૮૬ની છે. બેંગ્લોરના રમણ મહર્ષિ એકેડમી ફોર ધ બ્લાઈન્ડ સંસ્થાએ એક નૃત્ય શિક્ષકને પોતાના ૧૬ છાત્રોને નૃત્ય શિખવાડવા આમંત્રણ આપ્યું. શિક્ષક અશોકકુમાર એ જાણતા ન હતા કે તેમણે દ્રષ્ટિહીન છાત્રોને નૃત્ય શિખવાડવાનું છે. પ્રથમ દિવસે તેઓ આવ્યા અને છાત્રોને કેટલાંક સ્ટેપ્સ શીખવાડી તેની પ્રેક્ટિસ કરવાનું કહી જતા રહ્યા. છાત્રો સમજયા જ નહીં કે તેમણે શેનો અભ્યાસ કરવાનો છે.
આ ૧૬ છાત્રોમાં એક ૧૩ વર્ષનો બુસે ગૌડા હતો, જેણે શિક્ષકને સ્ટેપ્સ ફરીથી દર્શાવવા આગ્રહ કર્યો. તેણે ગુરુએ કરેલાં નૃત્યનો અહેસાસ કર્યો અને તેની નકલ કરી. આ બુસે ગૌડા આજે દેશનો પ્રથમ દ્રષ્ટિહીન શાસ્ત્રીય નર્તક છે. ગૌડાએ એ માન્યતા તોડી નાખી કે દ્રષ્ટિહીન લોકો નૃત્ય શીખી શકે નહીં, કેમ કે તે જોયા વગર શીખાય તેમ નથી. ગૌડા જણાવે છે કે જ્યારે તેણે ગુરુજીનાં દરેક સ્ટેપ્સનો અહેસાસ કરવાનું શરૂ કર્યું તો તેમણે તેને તેમની નાટયાંજલિ સંસ્થામાં નૃત્ય શીખવા માટે પ્રવેશ આપ્યો. સ્પર્શ અને અહેસાસ કરવાની પદ્ધતિથી બુસે ગૌડાને નૃત્યની પાયાની બાબતો શીખવામાં જ બે વર્ષ લાગી ગયાં. ત્યાર બાદ તે ભાવ-ભંગિમાઓ શીખવા પર આવ્યા.
આ કામ વધુ મુશ્કેલ હતું, કેમ કે દરેક મૌખિક ભંગિમાનો અહેસાસ કરીને તેની નકલ કરવી શારીરિક ભંગિમા કરતાં વધુ કપરું હતું. બુસે ગૌડા અત્યારે મૈસુર નાગરાજની આર્ટિકુલેટ ટીમના સભ્ય છે. તેમના જૂથમાં કુલ પાંચ દ્રષ્ટિહીન નર્તક છે. હવે તેઓ મૈસુર નાગરાજ પાસેથી કથકની તાલીમ લઈ રહ્યા છે. ૧૯૯૬માં પોતાની પ્રથમ પ્રસ્તુતિ ‘રંગપ્રવેશમ’થી માંડીને બુસે ગૌડા અત્યાર સુધી એક હજાર કરતાં વધુ નૃત્ય કાર્યક્રમ પ્રસ્તુત કરી ચૂક્યા છે. નૃત્યથી જીવનનો ગુજારો મુશ્કેલ છે, એટલે આજીવિકા માટે બુસે ગૌડા એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે.
એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.