ભારતીય ક્રિકેટના રણબંકાઓએ દામ્બુલામાં ધોળકું ધોળાવ્યું
ભારતીય ક્રિકેટ ટીમે જે પ્રદર્શન દામ્બુલાની વન-ડેમાં કર્યું તે અભૂતપૂર્વ છે. ગણવામાં મુશ્કેલી ન પડે એટલે ૨૮૮ રનની સામે આપણા જાંબાઝ ક્રિકેટરોએ અધધ ૮૮ રનનો સ્કોર ખડકી દીધો, બાદબાકી સરળ બની ગઈ. બરાબર ૨૦૦ રને હાર્યા. પણ, ભારતીય ક્રિકેટરસિકોએ જરા પણ દુ:ખી થવા જેવું નથી. અગાઉ આનાથી પણ ભવ્ય પરાજ્યને આપણે પચાવી ચૂક્યા છીએ.
૫૪ રનમાં ઓલઆઉટ થઈ જવાની જવલંત ઇનિંગ્સ તો લગભગ બધાને યાદ જ હશે. શારજાહમાં ૨૦૦૦ની સાલમાં ભારતની મહાન ક્રિકેટ ટીમે શ્રીલંકાને આપણી ક્રિકેટ ટીમે ૨૪૫ રનથી વિજય અપાવ્યો હતો. ભવ્ય ભૂતકાળની વાતો અહીંથી અટકી જતી નથી. અગાઉ ૧૯૭૫માં લોર્ડ્સમાં આપણે ધોળકું ધોળી આવ્યા હતા.
ત્યારે જોકે ૨૦૦નો રાઉન્ડ ફિગર જાળવી શકાયો નહોતો પણ યાદ રહી જાય એવો ૨૦૨નો આંકડો તો આવ્યો જ હતો. ૨૦૨ રનથી અભૂતપૂર્વ હાર આપણે ૬૦ ઓવરની વન-ડેમાં મેળવી હતી. એમ તો જગતનો ડંકો વાગી જાય એવો અન્ય એક અદભૂત પરાજ્ય આપવાની તક આપણી ટીમે ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયાને પણ આપી હતી. એટલે, રસિકજનોએ જરા પણ ઓછું લાવવા જેવું નથી, દામ્બુલાના ન ભૂતો ન ભવિષ્યતિ પરાજ્યથી.
સિલેક્ટરોમાં ઇન્દ્ર જેવા કૃષ્ણમાચારી શ્રીકાંતે ટીમમાં વીણી વીણીને જાંબાઝ રણબંકાઓ ભર્યા હતા. એક એકને શોધી શોધીને સેનામાં સામેલ કર્યા હતા. સચિન તેંડુલકરને તમે ભલે ગમે તેવો મહાન માનતા હો, શ્રીકાંતે તેને આરામની જરૂર હોવાનું સર્ટિફિકેટ આપી દીધું. વર્લ્ડકપ પહેલાં સચિનને આરામ આપવાનો વિચાર કેવો અલૌકિક કહેવાય. સચિન ભલે કહ્યા કરે કે તેને આરામની જરૂર નથી, શ્રીકાંત તેના કરતાં વધુ મહાન કહેવાય. આપણી ક્રિકેટ ટીમ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાની ફિલોસોફીને પચાવી ગઈ છે.
જય કે પરાજ્યમાં તેઓ સમત્વ રાખી શકે છે. તેમને રન બનાવવાનો મોહ નથી. વિકેટો લેવાનો લોભ નથી. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રત્યે તેમણે જરા પણ વેરવૃત્તિ કે સ્પર્ધા ન રાખી. આવા જ ભવ્ય પરાજયો ભારતીય ટીમ મેળવતી રહેશે તો ઈતિહાસમાં અમર બની જશે, વિશ્વકપ જીત્યા વિના પણ. આગામી વિશ્વકપ માટે આ ટીમ તૈયાર થઈ રહી છે. ક્રિકેટરસિકોએ અત્યારથી જ ધોળાં લૂગડાં તૈયાર રાખવાં, વર્લ્ડકપના નામનું નાહી નાખવા માટે.