ભારતીય ક્રિકેટ ટીમ આજે જે મુકામ પર છે, ત્યાં તેમાં સુધારો ફકત સંપૂર્ણ પરિવર્તન થકી જ શક્ય છે. સવાલ એ છે કે શું માત્ર કેટલાક સિનિયર ખેલાડીઓની વિદાયથી જ પરિવર્તનની પ્રક્રિયા પૂરી થઈ જશે? જો ભારતીય ટીમ પહેલા ઇંગ્લેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણ રીતે ધોવાઈ ગઈ છે તો તેની ઘણી બધી જવાબદારી સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વી.વી.એસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગ જેવા સિનિયર ખેલાડીઓ પર આવે છે, પરંતુ તેમને સંપૂર્ણ રીતે દોષી ઠેરવવા પણ ભારતીય ક્રિકેટની માળખાગત સમસ્યાઓ તરફથી મોઢું ફેરવી લેવા જેવી બાબત છે.
સવાલ એ છે કે જો આ સિનિયર ખેલાડીઓને હટાવી દેવામાં આવે તો તેમની જગ્યા લેવા માટે આજે કોણ તૈયાર છે? શું અનિલ કુંબલેની જગ્યા ભરી શકાઈ છે? આ ખેલાડીઓ જ્યારે ફોર્મમાં હતા ત્યારે સમયસર તેમના વિકલ્પ તૈયાર કરવાનો પ્રયાસ ન કરાયો, તેના માટે કોણ દોષી છે? દેશમાં સપોટિઁગ પિચ બનતી નથી કે નાણા કમાવાની લ્હાયમાં વિદેશી ટીમોના ભારત પ્રવાસનો કાર્યક્રમ નક્કી કરતા સમયે ટેસ્ટ ક્રિકેટ પર વન ડે અને ટી-૨૦ને મહત્વ આપવામાં આવે છે, તો તેની જવાબદારી કોની છે?
શું આવાં વલણ અખત્યાર કરીને એવા ક્રિકેટરોના ઉદયને અટકાવી દેવાયો છે, જે દરેક પરિસ્થિતિમાં ધીરજ, ઉચ્ચ ટેક્નિક તથા પાકા ઇરાદા સાથે વિરોધી ટીમને ટક્કર આપી શકે છે? આ બધા જ સવાલોના જવાબ શોધવાની જરૂર છે. માત્ર સિનિયર ખેલાડીઓ પર બધો જ દોષ ઢોળી દેવાની પ્રવૃત્તિ ક્રિકેટ પ્રત્યેની આપણી સમજને શંકાસ્પદ બનાવે છે.
જો ભારતીય ક્રિકેટનો ચહેરો સાચ્ચે જ બદલવો હોય તો દેશમાં ક્રિકેટના સમગ્ર માળખામાં પરિવર્તન પર વિચાર કરવો પડશે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરિઝમાં ૦-૪થી હારની જવાબદારી બીસીસીઆઈથી માંડીને પસંદગીકર્તાઓ સુધી સૌએ સ્વીકારવી જોઈએ. સિનિયર ખેલાડીઓની વિદાય જો પરિવર્તનનો એક ભાગ છે તો એ થવું જોઈએ, પરંતુ જો પરિવર્તન એટલે જ અટકી ગયું તો આ બાબત દુભૉગ્યપૂર્ણ કહેવાશે.