Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Prakash Shah
 

યે આઝાદી અધૂરી હૈ

 
Source: Prakash N. Shah   |   Last Updated 12:43 AM [IST](14/08/2010)
 
 
 
 
 
ઓગસ્ટ ક્રાંતિ દિવસે પેટાવેલી મશાલના ઉજાસમાં આઝાદીની બાકી લડાઈનો એજન્ડા તરત જ દેખાવો જોઈએ : સરકાર જળ-જમીન-જંગલનો સુવાંગ ભોગવટા પટો ધરાવતી માલિક નથી, પણ ટ્રસ્ટી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો જ્યાં સુધી સામ્રાજ્યશાહી અને સાંસ્થાનિક માનસ એના ખરા અને પૂરા અર્થમાં છાંડી નહીં શકે ત્યાં સુધી આ આઝાદી અધૂરી હોવાની છે.

ગુજરાતનો સવૉગ્ર ધ્વજવંદન સમારોહ આવતી કાલે રાજકોટમાં સમ્પન્ન થશે. રાજ્ય સરકારે જે એક આવકાર્ય ઉપક્રમ પ્રજાકીય એટલા જ પીઆર અભિક્રમથી હાથ ધર્યો છે, પ્રતિવર્ષ અલગ અલગ જિલ્લા મથકે જવાનો, એની શૃંખલામાં આ વખતના આયોજન સાથે સ્વાભાવિક જ જે બીજાં પણ લોકાર્પણ પ્રસ્થાનો સાંકળ્યાં છે એ પૈકી એક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો પણ છે. એ અંગેની આકર્ષક પૂર્વસૂચનામાં જે વધામણી અપાઈ છે તે પ્રમાણે રાજકોટમાંથી રીઢા તસ્કરની છાપ મોકલી અપાતાં એને ગાંધીનગર બેઠા ઓળખી શકાશે.

આવી બધી સત્તાવાર સજ્જતાઓ, એમની અંતરિયાળ એક આંતરવિરોધ સોતી આવતી હોય છે, શું ગાંધીનગર કે શું નવી દિલ્હી. એક બાજુ કેન્દ્ર સરકાર વાજબીપણે જ માહિતી અધિકાર સરખું અમોઘાસ્ત્ર આમ આદમીને ઝલાવ્યાનું ગૌરવ લે છે, તો બીજે પક્ષે માહિતી છુપાવવાની વૃત્તિ અને ઓફિશિયલ સીક્રેટ્સ એક્ટના વારાની સાંસ્થાનિક માનસિકતા એ એમ ઝટ છુટે શાની. રાજકોટના કિસ્સામાં જોકે આગામી એફએસએલ ચમત્કારને વટી જતી ઘટના એક જાગ્રત એડ્વોકેટની પહેલથી માહિતી અધિકારના વિનિયોગ મારફત એ બની આવી છે કે જશને આઝાદીનો ખરચ, હજુ વણખરચાયે થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે!

મુદ્દે, માહિતી અધિકારથી માંડીને એફએસએલ આયોજન સહિતનાં વિવિધ વાનાંની ઉપયોગિતા ખસૂસ છે. પરંતુ, તે પોતે કરીને બધો વખત અસરકારક નયે થઈ શકે, કેમ કે સવાલ છેવટે તો રાજકીય સંસ્કૃતિનો છે અને સામંતી-સાંસ્થાનિક માનસિકતાથી ઊંચે ઊઠવાનો છે. આ રાજાશાહી માનસિકતા, પછીથી, લોક પોતાના ગુંજામાં છે એમ માની ભાયાતી ઢબે લોકરંજની રાહે કામ કરવા બાબતે દોડવું’તું અને ઢાળ મળ્યો એમ કામ કરતી હોય એવુંયે જોવા મળે છે: એકતા કપૂરની સ્કૂલમાંથી સાસુ-વહુ મામલે ગ્રેજયુએશન પ્રાપ્ત પ્રતિભા થકી નકલી એન્કાઉન્ટરના રાષ્ટ્રવાદી સચનો આયનો ધરી શકાશે એવું માનીને, નહીં તો, તમે કેવી રીતે ચાલી શકો- કેમ જાણે, હાલની ‘વન ડે’ અને ચિયરાંગનાઓ...

આવતી કાલે લાલ કિલ્લે વડાપ્રધાન મનમોહનસિંહ તિરંગો લહેરાવશે ત્યારે હજુ બે’ક દિવસ ઉપરની સર્વોચ્ચ અદાલતની એ ટિપ્પણી એમને યાદ હોય તો કેવું સારું કે દેશમાં કરોડો લોકો ભૂખમરાનો શિકાર બની રહ્યા હોય ત્યારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનોમાં અનાજને સડવા દઈ શકાય નહીં. જો વેચી ન શકો તો વહેંચી તો શકો છો ને, અદાલતે પૂછ્યું છે. અને હા, સર્વોચ્ચ અદાલતની આ બેબાક સલાહ પિયુસિએલની જનહિત યાચિકાને પગલે આવી પડી છે- એ પિયુસિએલ જે નઠારા માનવઅધિકારવાદીઓની સરતાજ સંસ્થા છે.

કોઈ સિનિસઝિમની કૃષ્ણછાયા તળે અગર તો નકરી નિરાશાના આશક તરીકે નહીં પણ આઝાદીની બાકી લડતનો એજન્ડા યાદ રાખવાનો ઐશ્ચર્યમંડિત અભિશાપ જેને વળગેલો છે એવા નાગરિકને નાતે આ સવાલો ઉઠાવવાનો હક અને ફરજ બંને ચોસઠમા સ્વાતંત્રય દિવસના પૂર્વકલાકોમાં ન સાંભરે તો ક્યારે સાંભરે, કહો જોઉં. માન્યું કે ગુજરાતમાં ૧૯૭૪-૭૫ના બિનકોંગ્રેસવાદની જેમ જ આજે બિનભાજપવાદનું એક લોજિક છે. ખંડણીખોર ત્રેખડ સમક્ષ જેમણે આતંકવાદવિરોધને નામે રાષ્ટ્રવાદી મુજરાનો ખેલ પાડ્યો એમણે ઈતિહાસને જવાબ આપવો રહેશે. માન્યું કે નવમી આ‹ગસ્ટના ક્રાંતિ દિવસે તેજપાલ હા‹લમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવાણ જ્યારે ત્યાગ, બલિદાન અને જાનફેસાનીની બડી બડી વાતો કરી રહ્યા હતા ત્યારે એમના મોંમાંથી પેઇડ ન્યૂઝની બિનહિસાબી રકમ સોડાતી હતી. માન્યું કે એ જ દિવસે લાલગઢ (પ.મેદિનીપુર, બંગાળ)માં ઉમટેલ જનવિરાટે બુïદેવ ભટ્ટાચાર્યની ડાબેરી મોરચા સરકારની જનવિરોધી રીતિનીતિને આરોપીના પિંજરામાં ખડી કરી છે.

આપણે આ બધું જોઈ અને કહી શકીએ છીએ, નાનીમોટી દોષદુરસ્તી કરી શકીએ છીએ એ અર્થમાં આઝાદી જરૂર આવી છે. એ અક્ષરશ: આભાસી કે નરાતાળ જૂઠી નથી, પણ અધૂરી જરૂર છે. આ‹ગસ્ટ ક્રાંતિ દિવસે પેટાવેલી મશાલના ઉજાસમાં, આ દિવસોમાં બાકી લડતનાં પગલાં દેખાવા ઘટે છે. આ બાકી લડત તે શું, એ જોવાસમજવા સારુ કદાચ બંધારણ માંહેલા માર્ગદર્શક સિદ્ધાંતો ઉપયોગી થઈ પડે એવા છે: જળ, જમીન, જંગલ સરખાં પ્રાકૃતિક સાધનો જનતાનાં છે અને સરકાર તેનો સુવાંગ ભોગવટા પટો ધરાવતી માલિક નથી પણ ટ્રસ્ટી છે. વળી જેમ સત્તા અને સંપત્તિનાં સહિયારાં ઇષ્ટ નથી તેમ થોડાક જ હાથોમાં સંપત્તિનું કેન્દ્રીકરણ પણ ઇષ્ટ નથી.

ઉલટ પક્ષે, કેન્દ્ર અને રાજ્ય સરકારોની વાસ્તવિક કામગીરી હજુ સાંસ્થાનિક સામ્રાજ્યશાહી માલિક માનસથી પૂરતી ઊંચે ઊઠી શકી નથી. જયપ્રકાશની લડતમાં બિનકોંગ્રેસવાદી વ્યૂહ અનિવાર્ય બન્યો એ જુદી વાત છે. પણ એમની લડત સત્તા વિ. જનતાની હતી. દેશમાં સઘળી સરકારોનું જે ચરિત્ર આજે સમજાય છે તેમાં આ પક્ષ વિ. તે પક્ષ એવો અભિગમ જરૂરી હોય ત્યારે પણ અને તે છતાંય પાયાની સમજ સાંસ્થાનિક સામ્રાજ્યશાહી સત્તામાનસ વિ. આમ જનતાને ધોરણે કેળવવાપણું છે. અલબત્ત, આ ભૂમિકાને ધોરણે જેમ રાજ્યની હિંસાથી અને સમાજમાળખામાં રહેલી હિંસાથી તેમ માઓવાદી હિંસાથીયે પરહેજ કરવી રહેશે... સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ!

પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.