હાલમાં જ મને ઉમયલપુરમ્ જવાની તક મળી, જે તમિલનાડુના તંજાવુર જિલ્લાના એક મોટા કસબા કુંભકોણમથી થોડા અંતરે આવેલ છે. આ ગામ કાવેરી નદીના કિનારે વસેલું છે. ગામની વસ્તી ૨૦૦૦થી વધારે નથી. અહીંયા નદીના ઘાટ પર નહાતા લોકોના હાથમાં હાઇ વેલ્યૂ બ્રાન્ડેડ સાબુ કે શેમ્પુના પાઉચ જોઈને મને આશ્ચર્ય થયું. આ ગામમાં કેટલાક જ લોકો આઠમા ધોરણથી વધારે ભણ્યા હશે, કારણ પછીના અભ્યાસ માટે સ્થાનિક લોકોએ પડોશના કસબામાં જવું પડતું હતું.
અહીંયાના મુખ્ય માર્ગ (આ એકમાત્ર માર્ગ છે, જ્યાંથી તમામ બસો જુદી જુદી દિશાઓમાં જાય છે) પર પહોંચીને મેં જોયું કે, આ ગામના દરેક નાગરિક પાસે એક મોબાઈલ ફોન છે, જે તેમને ૧૫૦૦થી ૩૦૦૦ રૂ.માં પડ્યો હશે. તેમના મોબાઈલ ફોનમાં એમપી૩ પ્લેયર, રેડિયો, ગેમિંગ અને કેમેરાની સુવિધા પણ હતી. પૂછપરછ કરતાં જણાવવામાં આવ્યું કે, અહીંયાની દરેક વ્યક્તિ આ સેવા (મોબાઈલ) માટે દર મહિને સરેરાશ ૨૩૦થી ૨૫૦ રૂપિયા ખર્ચે છે.
તેનાથી મને યાદ આવ્યું કે, દેશના કુલ મોબાઈલ ઉપભોકતાઓમાંથી ૧૨ ટકા તો બિહારના ગ્રામીણ ટેલિકોમ સર્કલથી આવે છે, જ્યારે તેમાં મુંબઈનું યોગદાન માત્ર ૧૦.૪ ટકા છે. આ રીતે જોઈએ તો તમિલનાડુનું આ મંદિરોવાળું ગામ, જ્યાં વ્યક્તિદીઠ ખર્ચ પહેલાં ૧૦૦ રૂપિયા પણ નહોતો, હવે માત્ર ટેલિફોન પર દર મહિને સરેરાશ ૨૪૦ રૂપિયા ખર્ચે છે! હિંદુસ્તાન યુનિલીવરએ સાઈકલથી વ્યવસાય કરતા આ લોકોને પોતાની સાથે લઈને તેમને શક્તિમાન જેવું બ્રાન્ડનેમ આપી દીધું છે, જે હવે શક્તિ, ઉધ્યમ ચલાવનારા પરિવારનો હિસ્સો છે અને એચયુએલ દ્વારા ચલાવાઈ રહેલા શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત આવે છે.
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્થાનિક પ્રભાવશાળી લોકો દ્વારા બ્રાન્ડ્સનું નિર્માણ કરવાનો છે. આ સ્થાનિક પ્રભાવશાળી લોકો કોઈ બીજા નહીં, આ ‘શક્તિમાન’ જ છે, જે આ નાનકડાં ગામો અને મોટા કસબા વચ્ચેની મહત્વની કડી છે. હિંદુસ્તાન યુનિલીવર ૨૦,૦૦૦ થી વધારે વસ્તીવાળા કસબામાં પોતાની વેન દ્વારા તમામ પ્રોડકટ પહોંચાડે છે અને પછી આવા શક્તિમાનોની મદદથી તેને ગ્રામીણ વિસ્તારોમાં પહોંચાડાય છે. ફંડા એ છે કે, ધીમે ધીમે ગ્રામીણ બજાર સાથે જોડાયેલો વ્યવસાય ગતિ પકડી રહ્યો છે. જરૂર છે ગ્રામીણ બજારની શક્યતાઓને ઓળખીને સાચી દિશામાં પગલું ભરવાની.