ભગવાન શ્રીકૃષ્ણની પટરાણીઓ હંમેશાં વ્રજની ગોપીઓના પ્રેમની મજાક ઉડાડીને પોતાના પ્રેમને શ્રેષ્ઠ બતાવતી. તેમના આ અહંકારને તોડી નાખવા માટે શ્રીકૃષ્ણએ એક યુક્તિ વિચારી. તેઓ બીમારીનું બહાનું કરીને ઊંઘી ગયા, ત્યાં જ નારદજી આવી ગયા.
તેઓ શ્રીકૃષ્ણનો ઉદ્દેશ્ય સમજીને બોલ્યા, પ્રભુના રોગની ઔષધિ તેમના કોઈ પ્રેમી ભક્તની ચરણરજ છે. શું તમારામાંથી કોઈ પોતાની ચરણરજ આપશે. રુકિમણી, સત્યભામા વગેરે તમામ પટરાણીઓએ ઇનકાર કરી દીધો. ત્યારે શ્રીકૃષ્ણએ નારદને વ્રજમાં જઈને ગોપીઓને આગ્રહ કરવા જણાવ્યું. નારદજી શ્યામસુંદરની પાસેથી આવ્યા છે એ સાંભળીને જ તમામ ગોપીઓ દોડીને આવી ગઈ.
જ્યારે નારદજીએ શ્રીકૃષ્ણની બીમારીની વાત જણાવી તો બધી જ દુ:ખી થઈ ગઈ. ઇલાજ અંગે પૂછતાં નારદજીએ જવાબ આપ્યો કે, આખા વિશ્વનું ચક્કર મારી આવ્યો પરંતુ વ્યર્થ રહ્યું. ગોપીઓએ પૂછ્યું શું તે ઔષધિ અમારી પાસે પણ છે? નારદજી પાસેથી તે ઔષધિ અંગે જાણ્યા બાદ બધી જ ગોપીઓ પોતાની ચરણરજ આપવા તૈયાર થઈ ગઈ ત્યારે નારદે કહ્યું કે, શ્રીકૃષ્ણ ભગવાન છે અને તેમને ચરણરજ આપીને તમને નર્કમાં જવાનો ડર નથી લાગતો?
તો ગોપીઓ બોલી,પ્રિય શ્રીકૃષ્ણ જ અમારું સર્વસ્વ છે. તેમને માટે નર્ક પણ સ્વીકાર્ય છે. નારદજી ગોપીઓની ચરણરજ લઈને શ્રીકૃષ્ણ પાસે આવ્યા. આ જોઈને પટરાણીઓ ગોપીઓના પ્રેમની મહાનતા સામે નતમસ્તક થઈ ગઈ. પ્રેમ નાના-મોટાનો ભેદ નથી રાખતો. નિષ્ઠા અને લાગણી જુએ છે. સાચા પ્રેમમાં અહંકાર અને અધિકાર ભાવ નહીં પરંતુ માત્ર સમર્પણ ભાવ હોય છે.