Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

તુલસીવિવાહ-દેવદિવાળીનું સાચું મહત્વ

 
Source: Kanti Bhatt   |   Last Updated 12:42 AM [IST](04/11/2011)
 
 
 
 
 
પ્રબોધિની એકાદશીને ગામડાના લોકો દેવઊઠી અગિયારશ કહે છે અને માને છે કે આ દિવસે ઉપવાસ કરનારનાં તમામ પાપનો નાશ થાય છે. તાત્પર્ય કે તંદુરસ્તીનો પાયો નખાય છે.

હિન્દુઓને જાણે ગણેશચોથ, નવરાત્રિ, ધનતેરસ, દિવાળી એ બધા ઉત્સવથી ધરવ થતો નથી. પછી ભાઈબીજ આવે છે. તે તિથિએ પણ બહેનો ધર્મભાવનાથી ભાઈનું લાંબુ આયુષ્ય ભગવાન પાસે માગે છે. એ ભાઈબીજ ચાલી ગઈ આજે પણ અમારા સૌરાષ્ટ્રવાસીઓના સ્મરણમાં કવિ દામોદર બોટાદકરનું બહેને ગાયેલું ભાઈ માટેનું ગીત હૈયે છે. ‘આવી આવી વગડા વીંધી વેલ્ય જો, ઘૂઘરીએ ધમધમતા આવ્યા ઘોડલા, આજ ફળી અંતરની એકલ આશ જો, મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં, વસમી લાગે ભવની લાંબી વાટ જો, મહિયરે મારગડે શીળી છાંયડી.’ એવા પિયરના વિરહના દિવસો વીતી ગયા છે. સેલફોનથી ભાઈની બહેન સેલફોન ધરાવતી માને કે ભાઈને દિવસમાં હવે અનેક વખત ફોન કરે છે તોય ધરાતી નથી. આ ભાઈબીજ પછી હવે કારતક સુદ ૧૧ આવશે.

એક દિવાળીથી આપણને સંતોષ નથી એટલે એ કારતક સુદ ૧૧ને આપણે પ્રબોધિની એકાદશી કહીએ છીએ કે દેવઊઠી એકાદશી કહીએ છીએ. અને સૌરાષ્ટ્રમાં આ દિવસે દેવદિવાળી ઉજવાય છે, જ્યારે ગુજરાતમાં અન્ય વિસ્તારોમાં કાર્તિકી પૂર્ણિમાના દિવસે દેવદિવાળી ઉજવાય છે. ખાસ તો આ કારતકી અગિયારશ એ તુલસીવિવાહનો સ્ત્રીઓ માટેનો ખાસ ઉત્સવ છે. આ દિવસે તમે ગંગા-જમુના કે કોઈ પણ મોટી નદી અને અમારા મહુવા ગામની જુની માલણ નદીમાં પડિયામાં દીવો કરીને કુંવારી કે પરણેલી સ્ત્રીઓ વહેતો મૂકે છે અને અનેક અબળખા સેવે છે. તેને દીપદાન કહે છે. તુલસીવિવાહ નિમિત્તે તુલસીના છોડનું અને આ અગિયારશનું મહાત્મ્ય સમજાવવું છે.

(૧) મુંબઈના દાદર ખાતેના સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનવત્સલ સ્વામીને આ દેવદિવાળીનું તેમની દ્રષ્ટિએ મહત્વ સમજાવવા કહ્યું તો નવી વાતો જાણવા મળી. સ્વામિનારાયણ ભગવાનનો દીક્ષા દિવસ કારતક સુદ ૧૧નો હતો. પછી હાલના પ્રમુખસ્વામીનો દીક્ષા દિવસ પણ આ એકાદશી છે. તેમનો જન્મ પણ યોગાનુયોગ દેવદિવાળી ઉર્ફે પ્રબોધિની એકાદશીને દિવસે હતો!

આ દિવસે જ્ઞાનવત્સલ સ્વામીના કહેવા પ્રમાણે અમારા મંદિરમાં શાકભાજીની લારી લાવી તેમાં ભગવાનની મૂર્તિ બેસાડીએ, તેને નવી નવી તમામ પ્રકારની તાજી શિયાળાની નવી શાકભાજી ધરાવીએ. તેને હાટડી કહે છે. જૈનો કે બીજાઓ ચોમાસામાં લીલોતરી શાકભાજી ખાતા નથી તે દેવદિવાળીથી ભગવાનને ધરીને ખાય છે. વૈષ્ણવ-સંપ્રદાયના લોકો આ શાકભાજીની લારીને ભગવાનની ‘હાટડી’ કહે છે. હાટડીનાં દર્શન કરવા હોય તો અમદાવાદ કે મહુવા કે મુંબઈના સ્વામિનારાયણના મંદિરે ૬-૧૧-૧૧ને શનિવારે જજો.

(૨) કાકા કાલેલકર દેવદિવાળીને મહા-એકાદશી કહેતા. એ દિવસે વૈષ્ણભક્તો સવારે ૪ વાગ્યે ઊઠીને કાર્તિકસ્નાન કરે. પ્રાર્થનામાં ગીતાનો ૧૫મો અધ્યાય વંચાય છે. શું કામ ૧૫મો અધ્યાય? એટલા માટે કે શ્રીકૃષ્ણે અર્જુનને કહેલું કે ‘જે માનવી માન-મોહ ત્યાગીને અધ્યાત્મમાં લીન રહીને સુખ-દુ:ખને મનમાં લાવ્યા વગર રહે છે તે આત્મજ્ઞાનવાળો થઈને સફળ જીવન વિતાવે છે. કાકા કાલેલકરની શિખામણ દેવદિવાળીએ શહેરીઓ પાળે અને આ દિવસ તો કુટુંબના તમામ લોકો ભેગા મળીને ગાળે.

(૩) તુલસીવિવાહ અને અગિયારસનું મહત્વ જાણવા રાજકોટના ડૉ.. નિરંજન રાજ્યગુરુ જેમણે પ્રાચીન ભજનો ઉપર મહાનબિંધ લખી પીએચ. ડી.ની ઉપાધિ મેળવી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયા હતા તેમને ફોન કર્યો. ડૉ.. રાજ્યગુરુએ કહ્યું ‘અઢાર પુરાણો પૈકી પદ્મપુરાણ છે તે વ્યાસે રચેલું છે. તેમાં જાલંધર નામના એક અસુરની કથા છે. જાલંધરે ભાગ્યાશાળી નીવડ્યો કે તેને વૃંદા નામની અતિ ચારિત્રયવાન અને સતિ જેવી પત્ની મળી. આ જાલંધર નામના અસુરના બળ સામે દેવતાઓનું બળ એ રીતે ઝાંખું પડતું હતું કે ચારિત્રયવાન પત્ની વૃંદાની તપસ્યાનું ફળ જાલંધરને મળતું હતું તેથી તેને જીતી શકાતો નહોતો. તો પછી જાલંધરને કેમ હણવો? દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા. તેમણે કહ્યું કે વૃંદાનું અણીશુદ્ધ ચારિત્રય છે ત્યાં સુધી તમે જાલંધરને જીતી શકશો નહીં.

વધુ પડતા ભણેલા-ગણેલા વાચકો આવી કથા પ્રત્યે નાકનું ટેરવું ન ચઢાવે કારણ કે તેમાંથી પણ પ્રેરણા મળે છે. પ્રેરણા એ છે કે આપણા ઘરમાં ચારિત્રયવાન સ્ત્રી હોય અને તે દરેક રીતે અણીશુદ્ધ હોય તો તમારા કુટુંબને કોઈ જ આપત્તિ નડતી નથી. આ જાલંધરને વશ કરવો હોય તો વૃંદાના ચારિત્રયમાં ખામી આવે તેવું કંઈક દેવતાઓએ તિકડમ કરવું જોઈએ. ખુદ વિષ્ણુ ભગવાને જ જાલંધરનું સ્વરૂપ લીધું અને વૃંદાને ભ્રમમાં નાખવા ગયા પણ વૃંદા તો વિષ્ણુના છલને ઓળખી ગઈ અને વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈ તેના પતિવ્રતા ધર્મનો ભંગ કરવા કોશિશ કરી તેથી વિષ્ણુને શ્રાપ આપ્યો. એટલે વિષ્ણુ પથ્થર-શાલગિ્રામ થઈ ગયા. લક્ષ્મીજીએ વળતો શ્રાપ વૃંદાને આપ્યો તે વૃક્ષ- તુલસી થઈ ગઈ. એ તુલસીનાં દર વર્ષે કારતક સુદ ૧૧ના દિવસે પથ્થર-શાલિગ્રામ સાથે લગ્ન થાય છે!

(૪) પ્રબોધિની એકાદશીને ગામડાના લોકો દેવઊઠી અગિયારશ કહે છે અને માને છે કે આ દિવસે ઉપવાસ કરનારનાં તમામ પાપનો નાશ થાય છે. તાત્પર્ય કે તંદુરસ્તીનો પાયો નખાય છે.

(૫) ડૉ.. નિરંજન રાજ્યગુરુ મૂળ ઘોઘાવદર ગામ જ્યાં ભક્તકવિ દાસી જીવણ થઈ ગયા તે ગામના છે. ગોંડલથી ચાર માઈલ દૂર ઘોઘાવદર ગામ છે. ત્યાં ૨૬૧ વર્ષ પહેલાં જગા દાફડા અને પરમ ભક્તાણી સામબાઈને પેટે જીવણદાસજી જન્મ્યા. હરજિન હતા. ચામડાં કેળવતા. ખેડૂતોના કોસ સાંધતા. તે જમાનામાં ભક્તોનો પાર નહોતો. ભીમદાસ, ખીમદાસ, રવિદાસ, ભાણદાસ, મોરારદાસ જેવા કોઈ પાટીદાર, મેઘવાળ, કડિયા કે કુંભાર કોમના હતા. તે ભક્તો અસ્પૃતા રાખતા નહીં. ચમાર જીવણદાસ આ બધાના સત્સંગથી ભજનો રચતા થયા. દાસી જીવણ તરીકે ઓળખાયા. હરજિનોને તુલસીવિવાહનો મહિમા સમજાવ્યો. મુંબઈની મોટા ભાગની ઝૂંપડપટ્ટીમાં મેઘવાળ હોય કે હરજિન હોય કે મહારાષ્ટ્રીયન હોય તેને ઘરે સો ટકા તુલસી પૂજાતાં હશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Who looks hotter in red bikini?
Premiere of 'Madhubala - Ek Ishq Ek Junoon'
Just Added

ઉફ્ફ,અ'વાદની આ ગરમી
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.