પિતાની હત્યા કરીને પોતે રાજગાદીએ બેસેલો તુર્કિસ્તાનનો ખલીફા મુતાસર ખૂબ જ પ્રસન્ન રહેતો હતો. રાજગાદી મળવા ઉપરાંત મળતાં તમામ સુખ તેને મળવા લાગ્યાં હતાં. એક દિવસ ખલીફા મુતાસર ઘોડા પર સવાર થઈને પોતાના સાથીદારો સાથે ક્યાંક જઈ રહ્યો હતો. એક સ્થળે તેને ઘણી મોટી કબર દેખાઈ. ખલીફાને તેને જોવાની ઇચ્છા થઈ અને તે ઘોડા પર બેસીને કબરની નજીક પહોંચ્યો. કબર પર એક પથ્થર મઢેલો હતો.
ખલીફાએ તેનું લખાણ ધ્યાનથી વાંચ્યું. તેના પર લખ્યું હતું, આ કબરના નીચે હું સરીઝ ખુસરોનો પુત્ર દબાયેલો છું. લોભમાં આવીને મેં રાજગાદી પર કબજો મેળવવા નિર્દોષ પિતાની હત્યા કરી નાખી હતી. મારા કાળા કરતૂતો મોત બનીને મારી સામે આવ્યાં અને હું છ મહિના પણ મારા માથા પર તાજ રાખી શક્યો નહીં. મારા પિતાની જેમ હું પણ આ પથ્થર નીચે બેઠો છું.
આ વાંચીને મુતાસરને ભાન થયું કે પાપનું શું પરિણામ મળે છે. તેના જેવું જ દુષ્કૃત્ય કરનારો વ્યક્તિ કેવી રીતે અકાળે મોતને શરણ પહોંચી ચૂકયો છે. ખલીફાના હૃદયમાં એક હજાર વીંછીના ડંખ લાગ્યાની પીડા થવા લાગી. તે પોતાના પાપના પરિણામની કલ્પના કરીને માથું ધુણાવા લાગ્યો. એવું કહેવાય છે કે આ કબરને જોયા બાદ ખલીફા ફક્ત ત્રણ દિવસ સુધી જીવતો રહ્યો અને રડતા-રડતા તેનું મોત થઈ ગયું. કથાનો સાર એ છે કે પાપ કરનારાની પોતાની આત્મા જ તેને પૂરતો દંડ આપવાની ક્ષમતા રાખે છે.
પાપી હૃદય હંમેશાં અશાંતિ હેઠળ બળતું રહે છે. હકીકતમાં દુષ્ટ આત્માવાળો મનુષ્ય રાજદંડથી તો બચી શકે છે, પરંતુ આત્માના દંડથી નહીં.