યુદ્ધના મેદાનમાં પડી ગયા બાદ પણ ફરી પાછા ઊભા થવાનું જેણે શીખી લીધું હોય તેના માટે મોટામાં મોટી મુશ્કેલી પણ ગૌણ બની જાય છે. જયપુરના અનુભવ વાષ્ણેયનું એમબીબીએસના પ્રથમ વર્ષમાં એક દુર્ઘટનામાં નીચેનું ધડ ખરાબ થઈ ગયું. માત્ર ૧૭ વર્ષનો તરવરિયો યુવાન ટ્રોમેટિક પેરાપ્લેજિયાનો ભોગ બન્યો.
આ બીમારીમાં શરીરનો એક ભાગ નિષ્ક્રિય થઈ જાય છે. આમ છતાં અનુભવ જાણતો હતો કે રમવા માટે હજુ આગળ મોટું મેદાન પડેલું છે, બસ માત્ર ઊભા થવાની જરૂર છે. દુર્ઘટનામાં કરોડરજજુ ખરાબ થઈ જવાથી અનુભવને મેડિકલ કોલેજે અયોગ્ય જાહેર કર્યો. બે વર્ષ સુધી હોસ્પિટલમાં સઘન સારવાર લીધા બાદ તેણે પોતાની જિંદગીના તાર ફરીથી જોડવાનું ચાલુ કર્યું. તેણે ડિસ્ટન્સ લર્નિંગની મદદથી ગ્રેજયુએશન કર્યું. ત્યાર બાદ અર્થશાસ્ત્રમાં એમ.એ. થયા.
અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યા બાદ પણ અનુભવે બીજાને ભણાવવા માટે ભૌતિકવિજ્ઞાન પસંદ કર્યું, ૧૯૯૮માં અનુભવે રાજસ્થાન સિવિલ સેવા પરીક્ષા પાસ કરી. અહીં પણ તેને સામાજિક ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો. લાંબા સંઘર્ષ બાદ અનુભવે રાજ્યના વિકલાંગ લોકો માટે રાજસ્થાન વહીવટી સેવામાં ૩ ટકા અનામતનો કવોટા અમલી કરાવ્યો. પરંતુ થોડા સમયમાં જ તે સરકારી નોકરીથી કંટાળી ગયો.
બાળપણથી રહેલી શિક્ષક બનવાની ઇચ્છા તેણે પોતાનો દીક્ષા કોચિંગ કલાસ ખોલીને પૂરી કરી. આજે તે પોતાની સંસ્થા સફળતાથી ચલાવી રહ્યા છે, પરંતુ ભણાવવાનું તેણે છોડ્યું નથી. તેમની સંસ્થામાં તે ગરીબો અને વિકલાંગો પાસેથી ફી લેતા નથી. આ ઉપરાંત ગરીબ વિદ્યાર્થીના અભ્યાસનો ખર્ચ જાતે ઉપાડે છે. છેલ્લાં ૧૨ વર્ષથી વિકલાંગો માટે કામ કરનાર આ વ્યક્તિ આપણા દેશના શિક્ષકો માટે એક જીવતું જાગતું ઉદાહરણ છે.
ability@abilityfoundation.org
એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.