ભારતે સુપરપાવર બનવું હોય તો પીવાનું ચોખ્ખું પાણી, મસ્ત મજાનું ભણતર, લૂંટ ન ચલાવતી હોસ્પિટલો, ગુંડાગીરી ન કરતી પોલીસ, દુનિયાને વટથી જેનો દાખલો આપી શકાય એવા નેતા, સાચી સમાનતા... આ બધા મૂળ નાગરિક અધિકારો પર ધ્યાન આપવું પડે. બાકી વાતે વાતે હિન્દુ-મુસ્લિમનાં મંજીરાં વગાડીને શું વળવાનું છે ?
માની લો કે બીસ સાલ બાદ એક ગઢવી આપણા આજના ઇન્ડિયા વિશે વાત માંડે છે, પછી તો આપડે જાઈગા કે આપડે ફોરેન જવા લટુડા-પટુડા કરીએ એના કરતાં આપડો દેશ જ એવો બનાવી દઈએ કે ઓલા ગોરા આપડે ત્યાં આવવા પડાપડી કરે, તો કેવું ? ને કરો વાત... એવું જ થ્યું.... ખરેખર આપડું ઇન્ડિયું સુપરપાવર થઈ ગ્યું.... એમાંય ગુજરાતના તો જે ડંકા વાગ્યા.... ઓહોહોહોહો પણ ઇ બધું એમનેમ નોતું થ્યું. આપડે બહુ બદલાવું પડેલું. અગાઉ બઉ પછાત હતા આપડે. આપડે એવું માનતા’તા કે નેતા એટલે રાજા અને આપણે તો ગરીબડી ગાય. પણ પછી આપણને હમજાણું કે ઓત્તારી ભલી થાય.. નેતા તો પરજાનો સેવક છે.
ઇ સેવક આપણને અવળે રસ્તે દોરે એવું થોડું હાલે ! નેતા કંઈ ભરવાડ નથી ને આપણે કંઈ ઘેટાં નથી એટલી મૂળ વાત આપડા ભેજામાં ઉતરી ખરી. ઇ વખતનો એક કિસ્સો કઉં. ત્યારે અમિતભાઈ નામના એક પરધાન હતા. એમના માથે કેસ થ્યેલો. બે-તણ જણને મારી નાખવાની ને ધમકીયું આપવાની ને ખંડણિયું ઉઘરાવવાની ને એવી બધી કંઈક બબાલ થ્યેલી. પછી કેસ ચાલ્યો ને ઠરીય ગ્યો, પણ પરજાના મનમાં સળવળાટ શરૂ થ્યો કે હાળું, ક્યાંક, કંઈક બહુ મોટો લોચો છે.
પછી પરજાને વિચાર આઈવો કે આ નાતિ ને જાતિ ને હિન્દુ ને મુસલમાન ને પાકિસ્તાન ને ઉગ્રવાદ ને ભાજપ અને કોંગ્રેસ ને એવું બધું જ આપણને દેખાય છે. પણ ઓલી બાજુ, ચોખા ચાલીસ રૂપિયે કિલો ને મોબાઇલ પર ફિલ્મ ડાઉનલોડ ફ્રી... શોપિંગ મોલ બધા ચકાચક, ને ગામડામાં પીવાના પાણીના ધાંધિયાં... ઠોઠ નિહાળિયા અમેરિકા જઈને જબરીડ ડગિરીયું લઈ આવે ને આપડું છોકરું હોંશિયાર હોય તોય હારી-હારી મોંઘી-મોંઘી કોલેજું આપણને પોહાય નઇં... આ બધાં લફડાં આપણને દેખાણાં... આપડે જાઈગા કે હિન્દુ-મુસ્લિમ, હિન્દુ-મુસ્લિમનાં મંજીરાં વગાડવાથી કંઈ વળવાનું નથી.
મુસ્લિમ મત માટે કોંગ્રેસને હિન્દુમત માટે ભાજપ જે રમતું રમાડીને પરજાને ઘેનમાં રાખતી’તી એ રમતું પરજા હમજી ગઈ એટલે ભાજપ ને કોંગ્રેસ બેય ચેતી ગ્યા... એમને થ્યું કે પરજાને હવે ઉલ્લુ નહીં બનાવી હકાય. જાગેલી પરજાને ઇય હમજાણું કે જેમ ફોરેનમાં તેમ આપડે ત્યાંય ટેક્સ નો ગુપચાવાય, ઘરની વંડિયું મન ફાવે તેમ વધારીને એન્ક્રોચમેન્ટ નો કરાય, ગાડીયું ગમે તેમ નો હંકારાય...
આપણને લાઈગું કે ખરેખર જો સુપરપાવર બનવું હોય તો પીવાનું ચોખ્ખું પાણી ને મસ્ત-મજાનું ભણતર ને લૂંટ ન ચલાવતી હોસ્પિટલ ને ગુંડાગીરી ન કરતા પોલીસો... આ બધા આપડા મૂળભૂત માનવ અધિકારો છે. આ માનવ અધિકારો પેલ્લા, બીજું બધું પછી. બાકી, અગાઉ તો આપડા ગુજરાતમાં માનવ અધિકાર ગાળ જ ગણાતી. હિન્દુઓ ઈ વાતે બખાળા કાઢતા કે વાહ ! માનવ અધિકારો એકલા મુસલમાનોના ને ઉગ્રવાદીઓના જ જોવાય છે.
બીજી બાજુ મુલ્લાઓ મુસલમાનોને ઇ વાતે ચઢાવતાં કે જાગો મુસ્લિમ બચ્ચા, આપડી વસતિ ઓછી છે, એટલે હિન્દુથી બચવા મોટા ભડાકા કરો, જિહાદું કરો... પછી મુસલમાનોને હમજાણું કે આ મુલ્લા હાળાવ આપણને હિન્દુ સામે બાખડવા મોકલીને ખરેખર તો બલિના બકરા બનાવે છે અને હિન્દુને પણ હમજાણું કે મુસલમાનો માથાકૂટ ન કરે તો પછી એમની સામે બાખડવાનું કંઈ કારણ નથી. જુના જમાનાની ઓલી ટ્યૂબલાઇટની જેમ લોકોને ધીમે ધીમે ઝબકી ઝબકીને લાઇટ થઈ કે લડવું જ હોય તો અસલી મુદ્દા ઇ છે કે ચોમાસામાં એક વરસાદ પડે છે ને રસ્તા પર આવડા મોટા, નેતાના પેટ જેવડા, ખાડા શેના પડી જાય છે.
પછી ઇ વાતે મોરચા નીકઇળા કે આ માસ્તરો આટલા અભણ કેમ છે ? ખેતીની ઉપજના આટલા ઓછા પૈસા કેમ છે ? દાકતરો લૂંટારાવેડા કરે ? ને પોલીસો હપતા ખાઈને આટલા બધા જાડા થાય ? નો હાલે આ બધું. પરજાએ સૌથી વધુ સીધાદોર તો નેતાઓને કઇરા કે હાળા નેતાવ, તમે અમારાથીય ગયા ગુજરેલા હોવ ઇ તો કેમ હાલે ? તમે ખંડણીયું લો ને જલસા કરો તો તો પછી અમારા છોકરાંવ પણ એવું શીખે કે મોટા માણહ બનવું હોય તો નેતા બનીને મન ફાવે એમ કરવાનું. આવું તો નો જ હાલે, હટો આઘા... ટૂંકમાં, ઘણું બદલાણું, પરજાની નજર બદલાણી, દેશની હવા બદલાણી, નેતાનાં વરતન બદલાણાં... પછી શું ? આપડી પાસે ચિક્કાર કુદરતી સંપત્તિ ને તોતિંગ દેશની માર્કેટ તો હતી જ.
ને વળી આપડે ત્યાં બુદ્ધિની તો ક્યારેય તંગી નો’તી જ. એટલે તો ઝીરો આપડે જ તો શોધેલો ને યોગાસનો ને રાગ ભૈરવી પણ આપડે જ શોધેલાં... એટલે સરવાળે આપડે એવા આગળ આઈવા, એવા આગળ આઈવા કે પછી અમેરિકાવાળા આપડે ત્યાં આવવા કબૂતરબાજી કરવા મઇંડા... ખેર, આ તો લુખ્ખી કલ્પના છે. હકીકતમાં એવું પણ બને કે અમિત શાહ પ્રકરણ પછી હિન્દુવાદીઓ આખા કિસ્સાને સીબીઆઈ-કોંગ્રેસની અવળચંડાઈ ગણાવીને વધુ કટ્ટર હિન્દુવાદી બને તથા ભળતી બબાલોને લીધે મુસ્લિમો વધુ ઉગ્ર બને અને ભાજપ-કોંગ્રેસ હંમેશની જેમ વાહિયાત મુદ્દે લોકોનાં દિલ જીતવા માથાકૂટો કર્યા કરે... આ બધામાં, પેલા બધા, સ્વચ્છ પાણી ને કાયદાપાલન ને આરોગ્ય ને સારું ભણતર ને સમાનતા ને એવા બધા મૂળ માનવ અધિકારો હાંસિયામાં જ પડ્યા રહે એવું પણ બને... જોઈએ, શું થાય છે
(દીપક સોલિયા, લેખક જાણીતા પત્રકાર અને કોલમિસ્ટ છે.)