અનાદિ કાળથી દીર્ઘાયુષી થવા માટે માણસે અનેક વલખાં માર્યા છે. એ સતત અમૃતફળ શોધતો આવ્યો છે, લાંબુ જીવવાની ટીકડી શોધતો આવ્યો છે. વિટામિનો, ચાઈનીઝ ઉકાળા, વનસ્પતિઓ કે આયુર્વેદના અનેક ઉપચારો થકી ભલે લાંબુ જીવાય છે પણ સદા યૌવન ટકાવવું મુશ્કેલ છે.
શતમ્ જીવંમ્ શરદ: એટલે કે આપણને સો શરદઋતુ જીવવાનાં આશીર્વાદ વડવા તરફથી મળતા. માણસ જન્મ્યો ત્યારથી દીર્ઘાયુની ઇચ્છા કરે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિજ્ઞાનને ઊડું જાણતા હતા, પણ ૭૬ વર્ષ સુધી જ જીવ્યા. ભગવાન બુદ્ધ ૮૦ની વયના હતા અને કેટલું જીવત તે ભગવાન જાણે પણ તેમને ૨૪૯૩ વર્ષ પહેલાં ઝેર દેવામાં આવેલું. બુદ્ધ અતિ સૂક્ષ્મ આહાર અને ઘણી વખત હથેળીમાં સમાય તેટલું જ જમતા. માનવમાં લઘુતાંગ્રથિ હોય છે તેવું શોધનાર સ્વિસ મનોવિજ્ઞાની ગુસ્તાવ ૧૦૦ વર્ષ જીવવા માગતો હતો તે ૮૫ વર્ષ જ જીવ્યો.
ચાર્લી ચેપ્લીને જગતને બતાવી દીધેલું કે હસો, હસાવો અને લાંબુ જીવો. તે ૧૯૭૭માં ૮૮ વર્ષની વય સુધી જીવેલા અને હસાવી-હસાવીને જ ૧૯૧૭માં એ જમાનામાં એક વર્ષમાં ૧૦ લાખ ડોલર કમાયેલા. આલ્બર્ટ-શ્વાતઝર નામના નોબેલ શાંતિ પારિતોષક વિજેતા ૯૦ વર્ષ જીવેલા. મરતાં સુધી તે લખતા રહેલા. બટ્રૉન્ડ રસેલને કેમ ભુલાય? ૯૪ની વયે પણ જગતમાં શાંતિ લાવવા અને અણુશક્તિને નાથવા પુરુષાર્થ કરતા હતા. આ માણસે લગ્ન કર્યા વગર ફ્રી-લવની હિમાયત કરેલી અને કદાચ મુકત પ્રેમ કરતાં કરતાં ૯૭ની ઉંમર સુધી જીવ્યા. મરતી વખતે કહેલું આ દુનિયા છોડતાં દુ:ખ થાય છે. આ દુનિયા તો ખરેખર જીવવા જેવી છે. આ તમામ લોકો લાંબુ જીવ્યા તે લગભગ ખાવાનું ભૂલી જતા કે બહુ જ ઓછું ખાતા.
આજ સુધી- અનાદિકાળથી દીર્ઘાયુષી થવા માટે માણસે અનેક વલખાં માર્યા છે. તેમાં તાજેતરમાં ડેવિડ સ્ટીપ નામના ‘ફોચ્યુંન’ મેગેઝિન અને ‘વોલસ્ટ્રીટ જર્નલ’ના સાયન્સ લેખકે ‘ધ યુથીપિલ’નામનું પુસ્તક લખીને જગતભરમાં ધમાલ મચાવી છે. માનવી સતત અમૃતફળ શોધતો આવ્યો છે, લાંબુ જીવવાની ટીકડી શોધતો આવ્યો છે. વિવિધ વિટામિનો, ચાઈનીઝ ઉકાળા, જાપાનીસ વનસ્પતિઓ કે આયુર્વેદના અનેક ઉપચારો થકી ભલે લાંબુ જીવાય છે પણ સદા યૌવન ટકાવવું મુશ્કેલ છે. તો પછી સાયન્સ રાઈટર ડેવિડ સ્ટીપ એવું શું શોધી લાવ્યો છે કે તેણે ‘યુથ પિલ’ અથૉત્ યૌવન બક્ષનારી ગુટિકાની વાત લખી છે. તે શું છે? આવી ‘યુથ પિલ’ હોઈ શકે?
થોમસ હાડૉ. જેવા લેખકે ૧૮૭૩માં કહેલું કે આયુષ્યની લંબાઈ કરતાં તમે જીવનને કેટલી તરલતા અને મોજથી જીવો છો તે મહત્વનું છે. અમેરિકન રાજપુરુષ અડલાઈ સ્ટિવન્સને એટલે જ કહેલું કે ‘ઇટ ઇઝ નોટ ધ યર્સ ઇન યોર લાઈફ બટ ધ લાઈફ ઇન યોર યર્સ, ધેટ કાઉન્ટસ...’ ઓછું ખાશો તો તમારા જીવનમાં ચૈતન્ય રહેશે. તમે આવરદામાં ગમે તેટલાં વર્ષો ઉમેરો તેનો કોઈ અર્થ નથી. તરવરાટથી જીવો. સર રાધાકૃષ્ણન (પૂર્વ રાષ્ટ્રપતિ)લાંબુ જીવેલા પણ ૧૦ વર્ષ ખાટલામાં અતિ કરુણ હાલતમાં પડ્યા રહ્યા. તેવું જ કવિ મકરંદ દવેનું હતું. અડલાઈ સ્ટિવન્સન કહે છે કે તમારા જીવનમાં કેટલો જાન હોય છે કે તાન હોય છે કે થનગનાટ હોય છે તે જ મહત્વનું છે, લંબાણ નહીં.
આપણે ‘યુથ પિલ’ના પુસ્તકની વાત લઈએ તો તેમાં કોઈ જાદુઈ જડીબટ્ટીની વાત નથી પણ માનવે લાંબુ જીવવા માટે કેટલાં તિકડમ કર્યાં છે તેનો માત્ર આખો ઈતિહાસ છે. આયુર્વેદના વૈધ્યો નિરાશ ન થાય કારણ કે હજી એલોપથીના કોઈ વિજ્ઞાનીએ યુથ પિલ શોધી નથી પણ તે બાબતનાં તિકડમો કર્યા છે. ડેવિડ સ્ટીપે તેના પુસ્તકમાં કોઈ આખરી એલોપેથિક જડીબુટ્ટીની વાત લખી નથી પણ દીઘાયું સાથે સદા જુવાન રહેવાના માણસના ફાંફાંની વાત લખી છે. ‘ફાઉન્ટન્સ ઓફ યુથ’ની તમે હજી પણ શોધ કરી શકો છો. તેણે થાકીને તારણ કાઢ્યું છે કે સદાકાળ યૌવન માટે ઓછું ખાઓ, અતિ આનંદથી રહો.
આ પુસ્તકની સાથેસાથે અમેરિકાના અતિ પ્રતિષ્ઠિત મેગેઝિન ‘વર્થ’માં કેટલીક યુથફુલનેસ ટકાવવાને લગતી કે વીર્યવાન રહેવાની અલગ વાતો પણ લખી છે.
(૧) કોપનહેગન યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોએ કહ્યું છે કે વધુ પડતા કોલા કે પેપ્સીનાં પીણાં પીવાથી પુરુષોનાં શુક્રાણુ સતત ઓછાં થતાં જશે. ડેન્માર્કના ૨૫૦૦ પુરુષો ઉપર પ્રયોગ કરતાં આ માલુમ પડ્યું હતું. લાંબુ જીવવા સાકરનો (ગળ્યા પદાર્થ) ઉપયોગ લઘુત્તમ કે બિલકુલ ન કરો. ડાયાબિટીસ થવા ન દો.
(૨) ‘ઇટ, પ્રે એન્ડ લવ’ નામના તાજા પુસ્તકની લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ તેનું પુસ્તક લખવા ઇટાલીના લેરખડા પ્રદેશમાં જઈને તેણે ગળા સુધી ખાતરી કરી કે ખોટી હાયવોય કરવાને બદલે જલસાથી જીવનારા ઇટાલિયનો લાંબુ જીવે છે. રોમમાં તેણે મુકત સેક્સજીવન માણનારાને ૯૦-૯૦ વર્ષ સુધી જીવતા જોયેલા.
ભારતમાં દક્ષિણના આશ્રમોમાં મેડિટેશન શીખી. તેનાથી પ્રતીતિ થઈ કે દિવસમાં એક કલાક યોગાસનો કે મેડિટેશન કરવાથી તંદુરસ્ત રહેવાય છે. અને ઇન્ડોનેશિયામાં ગઈ ત્યાં તેણે જંગલનાં ફળો તેમ જ ખાતર વગરનું અનાજ ઉગાડીને ખાનારા જોયા. ભૂખ લાગે ત્યારે જ એ લોકો ખાતા હતા અને હમેશાં પેટ ઊણું રાખીને ખાતા. તે ઉપરથી તેણે ‘ઇટ, પ્રે એન્ડ લવ’ નામનું પુસ્તક લખેલું. ઇટાલિયનો ખૂબ જ પ્રેમાળ હોય છે અને જલસાથી જીવે છે. આ પુસ્તકની ૧૦ લાખ નકલો ૩૦ ભાષામાં અનુવાદિત થઈ છે.
(૩) ધ યુથ પિલ- સાયિન્ટસ્ટસ એટ ધ બ્રિન્ક ઓફ એન એન્ટિ એજિંગ રિવોલ્યુશન નામના પુસ્તકના લેખક ડેવિડ સ્ટીપે જોયું કે વિજ્ઞાનીઓએ લાંબુ કેમ જીવાય તે માટેના પ્રયોગો પ્રાણીઓ, માખીઓ, અને ઉંદરો પર કર્યા, તો માલુમ પડ્યું કે આ જીવોને લગભગ ‘ભૂખમરા’માં રાખવાથી કે ઓછો ખોરાક આપવાથી તેમની આવરદામાં ૪૦ ટકા ઉમેરો થયો હતો!
આમ, બહુ જ સાદી વાત છે કે ‘કમ ખાઓ, ગમ ખાઓ’ એ જુની કહેવત એકદમ સાયિન્ટફિક છે. યુથ પિલ શોધાય કે ન શોધાય, ઝાઝી હૈયાહોળી ન કરો. કાર્લ માક્ર્સ આખા જગતના મૂડીવાદની ફીકર કરતા હતા. માત્ર ૬૮ વર્ષ જીવ્યા અને મર્યા ત્યારે તેના ખિસ્સામાં માત્ર ૨૫૦ પૌંડ હતા. તેની સામે ચાર્લ્સ ડાર્વિન નામના વિજ્ઞાનીએ તેની ‘માનવ વાંદરામાંથી વિકસ્યો છે’ તે થિયરી બેધડક રજુ કરી કરોડોની મિલકત પેદા કરી અને જગતની બળતરા કરનારા માક્ર્સ કરતાં લાંબુ જીવ્યા.