Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Sanat Mehta
 

ભારત ચીનથી કેટલું પાછળ કેટલું આગળ?

 
Source: Sanat Mehta   |   Last Updated 9:07 AM [IST](26/01/2012)
 
 
 
 
 

એશિયાની મહાન આર્થિક સત્તા તરીકે ઘણા દેશો ભારતને ચીનની હરોળમાં મૂકે છે. કારણ હવે ચીન સામે ભારતને મૂકવાની વૈશ્વિક જરૂર ઊભી થઈ છે. આ સત્ય આપણે સ્વીકારીએ એમાં આપણું ભલું છે.


૨૦૦૭ના અંતમાં આવેલી વૈશ્વિક મંદી અને ૨૦૧૦ પછી યુરોપીય રાષ્ટ્રોમાં પ્રસરેલી આંશિક કટોકટી પછી આર્થિક ઉપરાંત વિશ્વનાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે. જર્મની અને ફ્રાન્સ સિવાયના મોટા યુરોપીય દેશોની તુલનામાં એશિયાનાં રાષ્ટ્રો વૈશ્વિક મંદીની અસરમાંથી જલદી બહાર આવી રહ્યાં છે. એશિયાઈ દેશોમાં ભારત અને ચીન વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટાં છે. સ્વતંત્રતાનાં ૬૪ વર્ષ પછી ભારતમાં લોકતંત્ર કાયમ રહ્યું હોવાથી અને ચીન એકહથ્થુ સત્તા હેઠળ રહ્યું હોઈ ચીન અને ભારત તરફ વિશ્વની નજર આર્થિક અને રાજકીય રીતે મંડાય એ સ્વાભાવિક છે.


વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ હવે આ બંને દેશોના સંબંધોની અને વિકાસની વિચારણા કરતી વખતે એક શબ્દ ‘ચિન્ડિયા’ વાપરે છે. ચીને ૧૯૭૮માં નવી અર્થવ્યવસ્થા અપનાવી અને ભારતે એનાં ૧૩ વર્ષ પછી ૧૯૯૧માં નવી અર્થવ્યવસ્થા સ્વીકારી એટલે બંનેના વિકાસની ગતિ વિશેની ચર્ચા બહુ અર્થપૂર્ણ બની છે. હવે તો એ બે વિષે ‘એશિયાની બે મહાન આર્થિક મહાસત્તાઓ’ એવો જ ઉલ્લેખ કરાય છે. અમેરિકામાં ચીનના વધતા રાજકીય અને આર્થિક પ્રભાવ વિશે એક પ્રકારની વિશિષ્ટ ચિંતા ફેલાયેલી છે.


ચીન જ્યાં સુધી વિશ્વનું સૌથી મોટું ઔદ્યોગિક ઉત્પાદન કરતું માત્ર કારખાનું હતું ત્યાં સુધી આવી ચિંતા વધુ નહોતી, પણ ખનીજ વગેરે કાચોમાલ મેળવવા ચીને, આફ્રિકન અને એશિયન દેશોમાં આક્રમક રોકાણ કર્યું અને ટેક્નોલોજીના ઝડપી વિકાસનો પ્રારંભ કરતાં અમેરિકાને ચીનનો ભય લાગવો શરૂ થયો છે. એટલે અમેરિકાને ભારત તરફ પ્રેમ વધારવાની રાજકીય જરૂરિયાત લાગવા માંડી છે. ભારત એટલે, રાજમાર્ગો પર રખડતી ગાયોનો કે ધારાવી જેવા ગંદા વિસ્તારોનો કે આર્થિક વિકાસદરમાં હિન્દુ વિકાસદર ધરાવનાર દેશ એવું માનવાનું છોડી દઈ હવે અમેરિકા ભારતને એશિયાની ભાવિ મહાન આર્થિક સત્તા તરીકે જોવાનું અને એને અનુરૂપ વર્તવાનું શરૂ કરવું પડ્યું છે.


હકીકતમાં, વિવિધ વિકાસનાં પરિણામો બાબતમાં ચીન અને ભારતની તુલના કમ-સે-કમ ભારતે વાસ્તવિક રીતે કરવી જરૂરી છે. આ તુલનાની વિગતો આપણને બતાવે છે કે આપણે ભલે ‘એશિયાની બે મહાન આર્થિક મહાસત્તા’માં ગણાતા હોઈએ પણ આપણે સમજવું પડશે કે બેના વિકાસ વચ્ચે ઘણી બાબતોમાં મોટું અંતર છે. એટલું જ નહીં પણ, વિકાસની કેટલીક બાબતોમાં અંતર ઘટવાને બદલે વધી રહ્યું છે. આ અંતર ઘટાડી આપણે ઘણા ફેરફારો કરવા પડશે.


બે આર્થિક મહાસત્તાઓ વચ્ચેના અંતર બાબતની પ્રથમ બાબત લઈએ તો, હકીકતો બોલે છે કે ૨૦૧૧માં ચીનનું કુલ જથ્થાબંધ ઉત્પાદન ૬.૯૯ ટ્રિલિયન ડોલર છે અને ભારતનું ૧.૮૪ ટ્રિલિયન ડોલર એટલે ભારતની સરખામણીમાં ચીનનો જીડીપી ચાર ગણો છે. ગયા એક દસકાનો ભારતનો સરેરાશ આર્થિક વિકાસદર ૭.૮ ટકા રહ્યો છે એ હિસાબે ચીનના અત્યારના જીડીપીને હાંસલ કરતા ૧૯ વર્ષ લાગશે.


આપણી આજની ધારણા પ્રમાણે સરેરાશ ૯ ટકાનો આર્થિક વિકાસદર હાંસલ કરી લઈએ તોય ચીનની હાલની સ્થિતિએ પહોંચવા ૧૫ વર્ષ લાગશે. ભારત આ અંતર ઘટાડવા શક્તિમાન બની શક્યું હોત ખરું? ૧૯૭૮માં ચીને આધુનિકીકરણ અને નવી આર્થિક નીતિ સ્વીકારી ત્યારે ભારત અને ચીનના કુલ જીડીપી લગભગ સરખા હતા. બંને દેશોના કુલ ઉત્પાદનની કિંમત અંદાજે ૧૪૫ બિલિયન ડોલર આસપાસ હતી. આગળ વધીને બીજી તુલના કરીએ તો ૧૯૯૧માં ભારતે જ્યારે આર્થિક સુધારા સ્વીકાર્યા ત્યારે આવા સુધારા સ્વીકારવાની બાબતમાં ચીન ૧૩ વર્ષ આગળ હોવા છતાં એનો જીડીપી ભારત કરતાં માત્ર ૪૦ ટકા વધુ હતો છતાં આજે ૨૦૧૦માં, બે વચ્ચે વિકાસ અંતર ઘણું વધી ગયું છે.


કારણ જાણો છો? વિકાસની ઘણી બાબતમાં ભારત ૧૯૯૧માં પણ ચીન કરતાં બે દાયકા પાછળ હતું. આ પછાતપણું ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ કે વિદેશી રોકાણ માત્ર નહોતું પણ માનવીય વિકાસના ક્ષેત્રે હતું. ૧૯૯૧માં ચીનનો સાક્ષરતા દર ૭૮ હતો જ્યારે ભારતનો માત્ર બાવન હતો. એટલે કે ૧૯૯૧માં ભારતની અડધાથી સહેજ ઓછી વસતી નિરક્ષર હતી. ત્યાર પછી આજ સુધીમાં ચીનનો સાક્ષરતા દર વધીને ૯૪ પર પહોંચ્યો ત્યારે આપણે ચીનના ૧૯૯૧ના દર જેટલો કરી શક્યા. આવું જ લગભગ આયુષ્યની બાબતમાં છે.


ભૌતિક વિકાસમાં તો ચીન ક્યાંય આગળ નીકળી ગયું છે. ચીનની નિકાસ ભારત કરતાં છ ગણી છે. ચીનમાં ૩૦ હજાર કિલોમીટર એક્સપ્રેસ હાઇવે છે. ભારતનો આ આંકડો થોડા સોમાં અટવાયો છે. એવી જ હાલત વીજઉત્પાદનની છે. હા! મોબાઈલ ફોનની સંખ્યામાં ભારત ચીનની નજીક છે. ચીન દર દાયકે નવું રાજકીય નેતૃત્વ દેશને આપે છે. ભારતમાં ટોચમાં થોડા ઘણા ફેરફારો થાય છે બાકી વધુ એમ જ રહે છે. આટલા ફરક છતાં વિદેશો ભારતને ચીનની હરોળમાં એશિયાની મહાન આર્થિક સત્તા તરીકે મૂકે છે. કારણ હવે ચીન સામે ભારતને મૂકવાની વૈશ્વિક જરૂર ઊભી થઈ છે. આ સત્ય આપણે સ્વીકારીએ એમાં આપણું ભલું છે. પ્રજાસત્તાક દિને લોકતંત્ર કાયમ રાખી ભારતે આ કરવાનું નક્કી કરવું પડશે કારણ વિશ્વમાં હવે રાજ્ય મૂડીવાદ ફેલાઈ રહ્યો છે.


ચિન્ડિયા-ચિન્ડિયા ભાઈ-ભાઈ!


ચીન સામે આજની સ્થિતિએ ભારત કેટલું સક્ષમ છે? પ્રજાસત્તાક દિને લોકતંત્ર કાયમ રાખી ભારતે પોતાની સ્થિતિ નક્કી કરવી પડશે.


(સનત મહેતા: લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.)





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Victoria’s Secret picks sexiest women
Kim in undies
Just Added

भोपाल में पारा 43 को छू रहा है, ऐसे में पानी ही सबसे प्यारा लागे.
Malaika Disco Chali
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.