જે લોકો શાંતિની શોધમાં હોય તેમને માટે ફકીરોએ એક પ્રયોગ જણાવ્યો છે કે ચેતનની સાથે જડ વસ્તુઓ પ્રત્યે પણ જીવંત વ્યવહાર રાખો. મનોવૈજ્ઞાનિકો કહે છે કે જો ઘરમાં શાંતિ ઇચ્છતા હો તો વાસણો સાથે તે નિર્જીવ નહીં સજીવ છે એવી રીતે વર્તન કરો. ગૃહસ્થીના કેન્દ્રમાં વાસણો મહત્વની ભૂમિકા ભજવે છે.
કહેવત એટલે જ બની છે, ‘ઘેર ઘેર વાસણ ખખડે છે.’ વાસણો સાથે ઘરની શાંતિ અને અશાંતિ જોડાયેલી છે. આવેશમાં પછાડેલાં વાસણ ગૃહિણીની માનસિકતા રજુ કરે છે. શાસ્ત્રોમાં તેને ‘પાત્ર’ કહેવામાં આવે છે. તેથી મનુષ્યોને પણ સુપાત્ર અને કુપાત્ર એવું સંબોધન આપવામાં આવ્યું છે. જેમ જેમ આપણે વસ્તુઓ સાથે જીવંત વ્યવહાર કરીશું આપણી પાત્રતા પણ દિવ્ય થતી જશે.
શાસ્ત્રોમાં પાત્રોને નારી સાથે જોડવામાં આવ્યાં છે, કારણ કે સ્ત્રીઓ જિંદગીનો સૌથી મોટો સમય વાસણો સાથે પસાર કરે છે. મહાભારતમાં દ્રૌપદીને એક અક્ષયપાત્ર મળે છે. તેની વિશેષતા એ હતી કે દ્રૌપદી તેમાં ભોજન કરીને તેને સાફ નહીં કરે ત્યાં સુધી તેમાંથી ભોજન બહાર આવતું રહેશે.
માતાઓના હાથમાં અન્ન નિયંત્રણ રહેવું તે સમગ્ર પરિવારની શાંતિનું નિયંત્રણ જણાવે છે. સ્ત્રીઓ સાથે પણ આ જ બાબત જોડાયેલી છે. તે પુરુષ કરતાં એટલે મહાન છે કે તેનામાં ગર્ભધારણ કરવાની તાકાત છે. તેથી પરિવારમાં શાંતિ માટે જડ વસ્તુઓનો પ્રયોગ કરવો હોય તો તેના પ્રત્યે વાસણો જેવો ભાવ લાવવો નહીં. પાત્ર જેટલાં મહત્વનાં હશે, પરિવારમાં શાંતિ અને સંસ્કાર એટલા જ સરળતાથી પ્રવેશ કરશે.