એક જુગારીએ ચાલાકીથી જુગારમાં ઘણા બધા રૂપિયા જીત્યા. પછી પાન-બીડી, અત્તર, ગજરો વગેરે લઈને એક વેશ્યાના ઘર તરફ જવા નીકળી પડ્યો. રસ્તામાં એક જગ્યાએ તે પડીને બેભાન થઈ ગયો. જ્યારે તેને ભાન આવ્યું તો પોતાની હાલત પર તેને દયા આવી. આથી તેણે તમામ સામગ્રી ત્યાં નજીકમાં રહેલા એક શિવલિંગને સમર્પિત કરી દીધી. જ્યારે તેનું મોત થયું તો યમલોકમાં યમરાજે તેને કહ્યું કે તારાં દુષ્કર્મોના કારણે તું નરકને જ યોગ્ય છે.
જુગારી બોલ્યો, મહારાજ જો મારું કોઈ પુણ્ય હોય તો તેના પર પણ વિચાર કરી લેવામાં આવે. યમરાજે કહ્યું, તેં મરતાં પહેલાં થોડું અત્તર ભગવાન શંકરને ચઢાવ્યું હતું આથી તને ત્રણ ઘડી સુધીનું સ્વર્ગનું શાસન મળશે. જુગારીએ નર્કમાં જતાં પહેલાં સ્વર્ગ સુખ ભોગવવાની ઇચ્છા વ્યક્ત કરી, જેનો યમરાજે સ્વીકાર કર્યો. જુગારી ભગવાન શંકરનું સ્મરણ કરીને સ્વર્ગની તમામ વસ્તુઓનું દાન કરવા માંડ્યો.
ઐરાવત હાથી અગત્સ્યજીને, ઉચ્ચૈ શ્રવા અશ્વ વિશ્વામિત્રને, કામધેનુ વશિષ્ઠને, ચિંતામણિ રત્ન ગાવલજીને, કલ્પવૃક્ષ કૌણ્ડિલ્ય મુનિને આપી દીધું. ત્રણ ઘડી સુધી તે દાન આપતો રહ્યો. ઇન્દ્રએ જ્યારે પોતાના રાજ્યની તમામ સંપત્તિ ખાલી થયેલી જાણ્યું તો બૃહસ્પતિને લઈને યમરાજની પાસે ગયા અને જણાવ્યું કે તમે મારી જગ્યા એક જુગારીને આપીને ખોટું કામ કર્યું છે. તેણે મારાં તમામ રત્નો દાન કરી દીધાં છે. યમરાજ બોલ્યા, જુગારીનું પુણ્ય તમારા સો યજ્ઞો કરતાં પણ મહાન છે.
સાર એ છે કે, સુખ-સંપત્તિ મળ્યા બાદ પણ સ્વાર્થરહિત ભાવ સાથે દાન વગેરે સારાં કામમાં વ્યસ્ત રહે તે જ સાચો પુણ્યાત્મા સિદ્ધ થાય છે.