સોમનાથ પર સુલતાન જાફર મોહંમદે ચડાઈ કરી ત્યારે લડાઈમાં૮૦૦ શૂરવીરો ખપી ગયા ત્યાં સુધી પાલખીમાં શિવલિંગને બાથમાં લઈ ઘેલા વાણિયાએ છેક જસદણ સુધી તેને પહોંચાડ્યું. અમિતાભ બચ્ચનને સોમનાથની જેમ જો ઘેલા સોમનાથ બતાવાયું હોત તો પ્રજાકીય સમરસતા, સમાનતા અને આસ્થાનો એવો જ ઊંડો અહેસાસ થયો હોત!
સોમનાથ અને ઘેલા સોમનાથ : આમ તો એકબીજાથી લાંબા અંતરે આવેલાં પ્રાચીન સ્થાનો છે, પણ જો ઈતિહાસને વર્તમાનની સાથે જોડીને તેની કથા-દંતકથા- ઈતિહાસને તરાશવામાં આવે તો પ્રજાજીવનની અનેકરંગી ઘટનાઓ મળી આવે, પ્રભાસપાટણમાં અને જસદણ પાસેના ઘેલા સોમનાથમાં! પ્રભાસપાટણનું સોમનાથ તો છેક પ્રાગઐતિહાસિક યુગથી સ્થાપિત છે: આટલી પૌરાણિકતા ભાગ્યે જ બીજાં સ્થાનોની હશે. અહીં આર્યો હતા અને દ્રવિડો પણ હતા. તીર્થશ્રેષ્ઠ પ્રભાસમાં દેવતાઓ, ઋષિવરો, રાવણ જેવા શિવભકતો અને પાંડવો, દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ, ધ્રુવ, બલરામ, આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય અને અર્વાચીન યુગમાં સ્વામી વિવેકાનંદ સુધીની એક દીર્ઘપંક્તિનો સમયાંતરે નિવાસ રહ્યો હતો.
બીજી તરફ અગિયારમી સદીમાં ગઝનવીથી મહમદ ગઝનવીએ આવીને આક્રમણ કર્યું અને તે પછી તેવા આક્રમણો ચાલુ જ રહ્યાં, અલાઉદ્દીન ખીલજી, ઉલૂઘખાન, મહમદ તઘલખ, ઝફરખાન, મુઝફફરશાહ, અહમદશાહ પહેલો, મહમદ બેગડો, પોર્ટુગીઝ સરદાર ડી કાસ્ટ્રો, ઔરંગઝેબ... આટલા આક્રમકોની નજર પડી હતી. બીજા છેડે આપણા પ્રજાજીવનની ખાસિયત એવી કે વિનાશ પછીનાં નિર્માણમાં સક્રિય થઈ જાય!
સિદ્ધ રાજ જયસિંહ, કુમારપાળ, મીનળદેવી, અહલ્યાબાઈ, રા’ નવઘણ, રા’માંડલિક, ભીમદેવ સોલંકી, ભાવ બૃહસ્પતિ, હેમચંદ્રાચાર્ય... અને સોમનાથના ભવ્ય જીર્ણોધારના અંતિમ નાયક આપણા સરદાર વલ્લભભાઈ! સોમનાથની સમાંતરે એક બીજી ઘટના સૌરાષ્ટ્રે સાચવી રાખી છે તે જસદણ નજીકના ઘેલા સોમનાથનું દેવાલય દર્શાવે છે. રાજકોટથી જસદણ થઈને, નાની-મોટી ટેકરીઓની વચ્ચેથી પાર થઈને ‘સૌરાષ્ટ્રિકા નારી’ જેવી એકવડી ‘ઉન્મત્ત ગંગા’ નદીના કાંઠે શિવાલય પહોંચીએ કે તુરત તેની અગણિત કથાઓથી વિસ્મય અનુભવાય.
પહેલો જ સવાલ આવે કે ‘ઉન્મત્ત ગંગા’ને ઘેલો નદી કેમ કહેવાઈ? અને આ ઘેલા સોમનાથ... કપોળ વણિકોનો બારોટનો ચોપડો કહે છે કે તત્કાલીન ગોહિલવાડ (હવે ભાવનગર જિલ્લો)ના નાનકડાં ગામ ગોરડકામાં વેણીદાસ ગોરડિયાનું કુટુંબ રહેતું. વેણીદાસનો એક પુત્ર ગોઈયો અને બીજો ઘેલાશા... પંદરમી સદીમાં ઈ.સ. ૧૪૫૭ની આસપાસ સુલતાન જાફર મોહમ્મદને સોમનાથ પર ચડાઈ કરવાનું સૂઝયું ત્યારે લાઠીના રાજવી નોંધણજી ગોહિલના કુંવર હમીરજીએ સૈનિકોની સાથે સોમનાથ જઈને સામનો કરવા નક્કી કર્યું. રસ્તામાં ગોરડકા ગામે રાતવાસો કર્યો.
કપોળ વણિક વેણીદાસે પોતાના બે પુત્રોને ય સોમનાથ બચાવવા માટે હમીરજીને સોંપી દીધા. કોઈ કોમ બાકી ના રહી, બધાએ શસ્ત્રો સજજ કર્યા, ‘ગિરી, પુરી ને ભારથી, સૌ સોમપુરાને સાથ, ઘેલો પાલખીએ ચઢ્યો, લઈને ભોળાનાથ!’ સોમનાથમાં સુલતાનના સૈનિકોને જૂનાગઢના રાજા અને લાઠીના હમીરજીએ રોકી તો રાખ્યા પણ શિવલિંગનું શું કરવું? આઠસો શૂરવીરો ખપી ગયા ત્યાં સુધીમાં એક પાલખીમાં, શિવલિંગને બાથમાં લઈને ઘેલો વાણિયો નીકળી પડ્યો તે છેક જસદણ નજીક આ જગ્યા સુધી જયોતિર્લિગને પહોંચાડવામાં આવ્યું. પહેલા ગોરડકામાં સુલતાનના પાછા વળેલા સૈનિકોની સાથે લડાઈ થઈ.
ગોઈયો ત્યાં મરાયો. ગોરડકાની એક વાવ ‘ગોઈયાની વાવ’ તરીકે તેની સાક્ષી છે. આઠ દિવસ યુï ચાલ્યું, નવમા દિવસે ઘેલો મરાયો, પણ ચુડાસમા-વાળા-વાજા જેવી બહાદુર કોમોએ સુલતાનને શિકસ્ત આપી. ભડલી અને માલગઢથી થોડેક દૂર શિવલિંગ અને નંદીની પ્રતિષ્ઠાપના થઈ અને તેને કહેવાયું ‘ઘેલા સોમનાથ!’ બે વધુ પાત્રો આ કથાની સાથે જોડાયેલાં છે.
ઘેલા સોમનાથના દેવાલયની બરોબર સામે એક ટેકરી પર દેરી છે. એ મીનળદેવીની સમાધિનું સ્થાન છે. સોરઠની ‘મીરા’ તરીકે જાણીતી મીનળ જૂનાગઢના રાજવી કુંવર રા’મહીપાળની પુત્રી. મોહમાયાથી દૂર તેણે ભક્તિનો માર્ગ અપનાવ્યો અને ખબર પડી કે મહમદ ગઝનવીની જેમ અમદાવાદનો સુલતાન જાફર મહમદ સોમનાથને વિનષ્ટ કરવા આવ્યો છે તો પિતાની સાથે વ્યૂહરચના ઘડી કાઢી : ‘તમે બધા શૂરવીર બનીને સોમનાથના પ્રાંગણમાં સુલતાનનો સામનો કરો... અમે શિવલિંગને સુરક્ષિત રીતે બહાર લઈ જઈશું!’ મીનળદેવીને આ સાહસિક કાર્યમાં સાથ આપ્યો તે સુલતાનની પુત્રી ‘હુરલ’ હતી! આવી તો હતી એક ગુપ્તચર સાથે વેરાવળ પ્રભાસ.
પણ ત્યાંથી થોડેક દૂર હિરણ્યા નદીના કાંઠે નગરા ગામના નિર્જન આશ્રમે મીનળદેવીની ભક્તિસાધના જોઈને ત્યાં જ રોકાઈ ગઈ. આ હુરલ પણ શિવલિંગની પાલખીમાં મીનળદેવીની સાથે જ રહી. ઘેલા સોમનાથમાં આમ ત્રણ સ્મૃતિ-સ્થાનકો છે. એક સોમનાથનાં ભવ્ય શિવલિંગને ઘંટારવ સાથે જાળવતું મંદિર, જે સ્વયં ‘ઘેલા વણિક’ની યાદ તાજી રાખે છે.
તેની સામેની ટેકરી પર મીનળદેવીએ તો સમાધિ લીધી હતી તે નાનકડી દેરી અને સુલતાન કુંવરી હુરલની કબર. આ ત્રણે જગ્યા આજે પણ આસ્થાના અવિચલ સ્થાનો છે ઘેલા સોમનાથ પાસે આજે તો દંતકથાઓ છે અને તેનાં પાત્રો છે. ઈતિહાસ-પંડિતોને મન તે કિલ્પત કથા છે પણ દસ્તાવેજોની સમાંતરે એક ઈતિહાસ લોકોની જબાન પર, ઉત્સવો અને મેળાઓમાં, ગીતો અને નૃત્યોમાં જળવાયેલો હોય છે.
લેખક વરિષ્ઠ પત્રકાર અને સાહિત્યકાર છે.