Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Our Columnists >> Prakash Shah
 

વાત મસ્જિદની નથી

 
Source: Prakash N. Shah   |   Last Updated 12:26 AM [IST](21/08/2010)
 
 
 
 
 
‘નાઇન / ઇલેવન મૉસ્ક’ તરીકે છાપાળવી ઢબે ઓળખાતી સૂચિત ઇમારતની તરફેણ અને વિરોધમાં થતી સામસામી દલીલોની પૂંઠે રહેલો મુદ્દો ‘આપણે અમેરિકી’ એટલે કોણ એની રાષ્ટ્રીય અને સવિશેષ તો પ્રજાકીય વ્યાખ્યાનો અને તપાસમથામણનો છે. અબ્રાહમ લિંકન-માર્ટિન લ્યુથર કિંગ-બરાક હુસેન ઓબામાની વ્યાપક પરંપરા કસોટીએ ચડી છે.

મધુ રાયે હજુ બુધવારે જ અમેરિકી મસ્જિદ વિવાદનો કંઈક ખયાલ આપ્યો છે, અને ખાસ કરીને સામસામાં બેઉ દ્રષ્ટિબિંદુ પણ એમની સદાસ્ફૂર્ત શૈલીએ મૂકી આપ્યાં છે.

અમેરિકી આનબાનશાનનાં પ્રતીકરૂપ લેખાતા રહેલ દો મિનાર (ટિ્વન ટાવર્સ) ધ્વસ્ત થયાને હવે તરતમાં નવ વરસ પૂરાં થશે. જ્યાં મિનાર ધ્વસ્ત થઈ ગયાં તે જગ્યાની- જેને સ્વાભાવિક જ ‘ગ્રાઉન્ડ ઝીરો’ કહેવાનો ચાલ છે, તેની- પાસે એક નવું કા‹મ્યુનિટી સેન્ટર ખડું કરવાની દરખાસ્ત છે. આ સેન્ટર માટેની પહેલ ઓસામાની વિશ્વદ્રષ્ટિએ વાજિબે-કત્લ ગણાય એ હદે આંતરધર્મ સંવાદ અને સૂફી વલણોવાળા ફૈઝલ અબદુલ રઉફે કરી છે. એમાં જિમ (વ્યાયામશાળા), પ્રેક્ષાગૃહ, તરણ હોજ, બાલવાડી તેમ મસ્જિદ પણ હશે એવો ખયાલ છે.

અમેરિકી સાર્વજનિક જીવનને બહુ વરવી રીતે ધ્રુવીકૃત કરી નાખશે કે કેમ એવા આ વિવાદની જડ એક એવા આકલનને આભારી છે કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર મસ્જિદ ઊભી થઈ રહી છે. દેખીતી રીતે જ, આ સમજવશ જઈ શકતો સંકેત એ છે કે ઓસામા બિન લાદેનના ૯/૧૧ના વીરકર્મનો કેમ જાણે કોઈ કીર્તિમિનાર ચણાઈ રહ્યો છે. વાસ્તવમાં પરબારું આવું માની લેવાને કારણ ન હોવું જોઈએ કેમ કે, એક તો, સૂચિત ઇમારતનું સ્થાન ૯/૧૧ના ઘટનાસ્થળથી બે બ્લોક છેટે છે, બીજું, ત્યાં મસ્જિદ નહીં પણ કા‹મ્યુનિટી સેન્ટર ખડું થઈ રહ્યું છે જેના એક હિસ્સામાં મસ્જિદ હોવાની છે. પણ મીડિયામારીમાં ન જાણે કઈ મનોવૈજ્ઞાનિક ક્ષણે ‘નાઈન / ઇલેવન મૉસ્ક’ એ નામનો થપ્પો લાગી ગયો તે લાગી ગયો!

આગામી મહિનાઓમાં રાજ્યોનાં ગવર્નરો અને વડા ગૃહના સભ્યોની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ચાલુ જંતરડાની બહારથી આવેલા સુધારવીર લેખે અપીલ અને આભા ધરાવતા ઓબામા માટે, ૯/૧૧ના દસમા વરસમાં આ એક મોટો પડકાર બની રહેશે એમાં શંકા નથી.

અશ્વેત મૂળની અને મુસ્લિમ મધ્યનામ ધરાવતી આ પ્રતિભાનો ઉદય નિ®ચે જ અબ્રાહમ લિંકન અને માર્ટિન લ્યુથર કિંગની પરંપરાના અગ્રચરણ શો છે. બલકે, લોકશાહી રાહે અમેરિકી બહુમતી આવાં સંમશ્રિ મૂળકૂળના જણ પર કળશ ઢોળે ત્યારે એક પ્રજા તરીકે તે પણ આપણ સૌનાં આશા-અપેક્ષા- અભિનંદનની ભાજન બને છે. આ પ્રજા જો મસ્જિદવિવાદ થકી ધ્રુવીકૃત થઈ જાય તો વળી એ વાત અંકે થશે કે પુખ્તતા એક વાર હાંસલ કર્યે પતતું નથી. તરેહવાર તાણતકાજા ને આરાવારા વચ્ચે પુખ્તતાને સતત માંજતી રહેવી પડે છે.

સરસ કહ્યું ઓબામાએ થોડા દિવસ પર ઇફતારનો તાકડો સાધીને કે આપણે ધર્મસ્વાતંત્રયને વરેલ લોકશાસન છીએ અને તે ધોરણે મુસ્લિમો નિ:સંકોચ મસ્જિદ બાંધી શકે છે. એ એમના હકની વાત છે. વળતે દિવસે એમના રાજકીય સલાહકારોના કહ્યાથી કે ગમે તેમ પણ એમણે આ વાત દેખીતી નરમ પાડી દીધી અને કહ્યું કે મેં જે પણ ટિપ્પણ કર્યું તે મસ્જિદ બાંધવાના અધિકાર બાબત હતું, નહીં કે કોઈ ચોક્કસ સ્થાનવિશેષ વિશે.

બને કે બરાક હુસેન ઓબામા કશીક વ્યૂહાત્મક સલામતીની શોધમાં હોય, જે કોઈ પણ રાજધૂરિણ ઇચ્છે જ. પણ મને એમનાં બંને વિધાન રાજકીય વિવેકસરનાં (પોલિટિકલી કરેક્ટ) લાગે છે. ૯/૧૧ પછી અને છતાં (કદાચ તેથી જ) બંધારણીય ભૂમિકા બરકરાર છે એમ કહેવું તે એમના જાહેર જીવનની અનિરૂધ્ધ પરંપરામાં છે. અને સ્થાન વિશે? એ તો પહેલકારીઓ અને સ્થાનિક પ્રશાસનનો મામલો છે.

અમેરિકા નસીબનું બિળયું છે કે સ્થાનિક પ્રશાસન રઉફની પહેલની સાથે છે. ડેમોક્રેટ ઓબામા કરતાં જુદી, રિપબ્લિકન પૃષ્ઠ-ભૂ ધરાવતા ન્યૂ યોર્કના મેયર બ્લુમબર્ગ સંબંધિત સમિતિઓના સંમતિ પ્રસ્તાવને જોરે બુલંદ ટેકા સાથે બહાર આવ્યા છે. એમણે કહ્યું છે કે ધ્વસ્ત મિનાર પરિસરની પાસે મસ્જિદ સહિતના સેન્ટરનું ઊભું થવું તે આતંકવાદી ધર્મઝનૂન સામે સર્વસમાવેશક ધર્મવિવેકનું અમેરિકી ર્દષ્ટાંત બની રહેશે.

વાસ્તવમાં ઓબામા-બ્લુમબર્ગ-રઉફ વલણો અને વળતાં વલણો, ‘અમેરિકી’ હોવું તે શું એ જે જુગજૂની ચર્ચા ૯/૧૧ પછી સેમ્યુઅલ હંટિગ્ટન સરખાઓએ ‘હુ આર વી’ (‘આપણે કોણ’) પ્રકારના ઊહાપોહ સાથે ઝંઝેડી છે એના સંદર્ભમાં સમજવા જોગ છે. ‘ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ’-ખ્યાત હંટિગ્ટનને એમ લાગે છે કે ‘આપણે’ એટલે અહીં આવેલા મૂળ એંગ્લો-પ્રોટેસ્ટન્ટ સમુદાયના લોકો. એમણે જે સંસ્કૃતિ, જે ભાવાવરણ રચ્યાં, વ્યાપકપણે કહીએ તો ગોરી ખ્રિસ્તમતીની જે રચના, તે ખરું અમેરિકા.

એથી ઊલટું, લિંકન-કિંગ-ઓબામા ધારા સૌના, રિપીટ, સૌના અમેરિકાની ભૂમિકાએ વિચારે છે. કેનેડીએ તો એક આબાદ પ્રયોગ કરેલો કે ‘આપણે પરદેશી નાગરિકોનો દેશ છીએ.’ બહુ ટૂંકમાં, નિ:સંકોચ જાડી ઢબે આખી વાત અહીં મૂકી છે. ‘કલ્ચરલ નેશનલિઝમ’નો એરુ જો અહીં પણ આભડી જાય તો એ ક્ષણે અંતિમ હાસ્ય અલબત્ત ઓસામાનું હશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.