ઉત્તર પ્રદેશના કાનપુર નજીક નાનકડા જિલ્લા ઉન્નાવમાં અત્યાર સુધી વિકાસના નામે મીડું છે. અહીં એક વ્યક્તિ એવી છે જે ‘ગતિ જ જીવન છે’ આ વાક્યને પોતાના જીવનની ફિલોસોફી માને છે. કલી વિનોદ તિવારી પોતે પગથી વિકલાંગ હોવા છતાં પણ ઓછામાં ઓછા એક હજાર વિકલાંગોના જીવનને ગતિ આપી છે. તેમને આ પ્રેરણા પોતાના જીવનના સંઘર્ષમાંથી મળી છે. માત્ર ત્રણ વર્ષની ઉંમરે પોલિયો થવાના કારણે તેમના પગ જતા રહ્યા હતા. તેમને પોતાની તાકાત પર ચાલવાની ઇચ્છા હતી. આથી ભાઈની સાથે મળીને ફર્નિચરની દુકાન ચાલુ કરી. અહીં ફેબ્રિકેશન તથા સ્કુટર અને રિક્ષાનું રિપેરિંગ શીખ્યા બાદ તેમણે એક વર્કશોપની શરૂઆત કરી.
સૌથી પહેલા તો પોતાના માટે એક વાહન બનાવ્યું. વાત ૧૯૭૮ની છે. સંજોગોવશાત વિકલાંગતા દિવસના પ્રસંગે રાજ્યપાલ કાનપુરમાં હતા. તેમણે તિવારીએ બનાવેલા વાહનનું લોકાર્પણ કર્યું, જેના પરિણામે તેમનો પ્રચાર પણ સારો એવો થયો. બસ પછી તો તેમણે વિકલાંગોના જીવનને ગતિ આપવા બીડું ઝડપ્યું. તેમણે વિકલાંગતાના મુદ્દે જાગૃતિ ફેલાવવા કાનપુરથી દિલ્હી સુધી પોતાના બનાવેલા વાહનથી રેલી કાઢવાની ઇચ્છા વ્યક્ત કરી.
એક મંત્રીએ તેમને સાથ આપ્યો. દિલ્હીમાં પણ તેમની રેલીનું સ્વાગત કરવા માટે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ એક મંત્રીને મોકલ્યા. ૧૯૮૨માં તિવારીએ વિકલાંગો માટે એક વિશેષ રીતે તૈયાર કરેલાં વાહનોની કાનપુરથી લખનઉ સુધીની હરીફાઈનું આયોજન કર્યું હતું. બે વર્ષ બાદ જ તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. તેમની દુકાનમાં અત્યાર સુધી વિકલાંગો માટે ૮૦૦થી વધુ વાહનો બનાવવામાં આવ્યાં છે. દરેક ડિઝાઇનમાં વિકલાંગની વિશેષ જરૂરિયાતનું ધ્યાનમાં રાખવામાં આવે છે.
જુસ્સાને સલામ
ability@abilityfoundation.org એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.