આજે કાશ્મીરમાં એક બાજુ રાજકીય સ્થિતિ ખાડે ગયેલી છે અને સ્વાયત્તતા અને વિકાસને નામે રમખાણો ચાલી રહ્યાં છે, અનંતનાગમાં રહેતો જાવેદ અહેમદ ટાંક આમાં એક ઉદાહરણ છે. એક આતંકવાદી હુમલામાં ગોળીઓનો ભોગ બનેલા જાવેદે ત્રણ વર્ષ પથારીમાં પસાર કર્યા પરંતુ આજે તે રાજ્યના વિકલાંગો માટે એક વરદાન છે.
ગોળી વાગતાં જાવેદ પેરાપ્લેજિક થઈ ગયા હતા. તેમનો જ્યારે ઇલાજ પૂરો થયો ત્યારે તે પથારીમાંથી ઊઠી શકે તેમ ન હતા. તેમણે વિકલાંગો માટે કામ કરવા પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું. આ હેતુ સાથે તેમણે ‘હેલ્પલાઈન’ નામની સંસ્થા બનાવી. જાવેદે અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે, બીજાં રાજ્યોમાં તો વિકલાંગોને રોજગારમાં ૩ ટકા અનામત મળી ગયું, પરંતુ કાશ્મીરમાં તેને લાગુ કરવામાં મુશ્કેલી નડી રહી છે. તેની સંસ્થા વિકલાંગો માટે શિક્ષણ અને રોજગારલક્ષી કાર્યક્રમ ચલાવે છે.
સાથે જ દ્રષ્ટિહીનો માટે બ્રેઈલ લિપિનું શિક્ષણ અને પેરાપ્લેજિક લોકોને ફિઝિયોથેરપીની સુવિધા પણ આપે છે. સેરિબ્રલ પાલ્સીનો ભોગ બનેલા લોકોને સ્પીચ અને મોબિલિટીની તાલીમ પણ આપવામાં આવે છે.
વિકલાંગોના અધિકારો માટે લડવાનું કામ જાવેદે લગભગ દસ-બાર વર્ષ અગાઉ ચાલુ કર્યું હતું. આજે તેના કામે રાજ્યમાં વિકલાંગોના જીવનમાં રોશની ભરી દીધી છે. વિકલાંગો અંગે જાગૃતિ ફેલાવાની સાથે જાવેદ તેમના અધિકારો અંગે માહિતીઓ પણ પ્રકાશિત કરે છે.
જાવેદે પોતાના કામનું વિસ્તરણ કરતાં વિકલાંગોને શિલ્પ બનાવવાની તાલીમ આપવાની સાથે તેમના બનાવેલાં શિલ્પોનું માર્કેટિંગ પણ કરે છે. જાવેદ જેવું વ્યક્તિત્વ જણાવે છે કે જો આપણામાં પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો આપણે સરકાર અને સરકારી મદદની રાહ જોયા વગર પણ સમાજમાં કંઈક સાર્થક કામ કરી શકીએ છીએ.
ability@abilityfoundation.org
એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.