એક વખત મહાત્મા બુદ્ધ પોતાના શિષ્યો સાથે શ્રાવસ્તીમાં રોકાયા હતા. તે હંમેશા પ્રવચન આપતા અને શ્રાવસ્તીના લોકો તેમને સાંભળવા માટે ઉમટી પડતા. બુદ્ધ તેમનાં પ્રવચનોથી સાંભળનારને આંતરિક અને બાહ્ય રીતે બદલવા મજબૂર કરી દેતા. બુદ્ધે તેમના પ્રવચન દ્વારા અનેક દુ:ખી લોકોના જીવનને સુખમય કરી નાખ્યું હતું. શ્રાવસ્તીનાં બાળકો પણ બુદ્ધથી પ્રભાવિત હતાં. એક દિવસ કેટલાક લોકોએ બુદ્ધને જણાવ્યું કે જંગલના રસ્તે એક ડાકૂ રહે છે, તે રાહદારીઓને લૂંટી તેમની હત્યા કરી દે છે. તેના કારણે આ રસ્તે આવવાનું દુષ્કર થઈ ગયું છે. બુદ્ધે બધાને આશ્વાસન આપ્યું અને જંગલ તરફ ચાલવા લાગ્યા.
જ્યારે તે જંગલની બરાબર વચ્ચે પહોંચ્યા ત્યારે તેમને એક અવાજ સંભળાયો કે, ઊભો રહે! બુદ્ધ રોકાઈ ગયા અને જોયું તે ગાઢ ઝાડીઓમાંથી તે ડાકૂ બહાર આવ્યો. તેને જોઈને બુદ્ધ બોલ્યા, હું તો રોકઈ ગયો પણ તું ક્યારે રોકાઈશ? ડાકૂ આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યો કારણ કે તેમના ચહેરા પર લેશમાત્ર પણ ભય નહોતો. બુદ્ધ ફરીથી બોલ્યા - તું ક્યારે રોકાઈશ? ડાકૂ બોલ્યો, હું તમારી વાત સમજયો નહીં. બુદ્ધ પોતાની વાત સ્પષ્ટ કરતાં બોલ્યા, જીવનમાં જન્મથી માંડીને મૃત્યુ સુધી દુ:ખ જ દુ:ખ છે.
હું તો જ્ઞાન પ્રાપ્ત કરીને આ બંધનોમાંથી મુકત થઈ ગયો, પણ લોભમાં પડેલો તું લોકોને માયે જ જાય છે. આ બધામાંથી તું ક્યારે મુકત થઈશ? બુદ્ધની પ્રભાવશાળી વાણી સાંભળીને ડાકૂએ તાત્કાલિક હિંસાનો માર્ગ છોડી દીધો. કથાનો સાર એટલો જ છે કે મનની શાંતિ મનમાં જ છે. આપણે માત્ર મનના લોભ, મોહ અને માયાથી મુકત થઈને નિર્મળતા અને નિરપેક્ષભાવ પ્રાપ્ત કરવો જોઈએ.