ચોરીથી લૂંટ સુધી લુટારાઓની વાત ચોરો કરતાં અલગ છે. લૂંટ પગે ચાલીને નહીં, ચાલાકીથી થાય છે, ચતુરાઈ તેનું વાહન છે, છળ તેનું ઇંધણ છે, અંધારું તેનો અખાડો અને સંતાવું તે ખેલ છે.
લૂંટ બહુમુખી બની ગઈ છે.ધરતીની અંદર, આકાશમાં અને જંગલોમાં પણ લૂંટ મચી છે. ટેલિકોમના હવાઈ માર્ગોમાં, ભૂગોળ, ખગોળ, ચોરસ અને ગોળમાં લૂંટ છે. સ્વાર્થના પેચ મંડાયા છે.
‘લૂંટ’ શબ્દ પાક્કો હિન્દી શબ્દ છે. ઉર્દુમાં પણ તેનું પોતાનું સ્થાન છે. એટલે કે તેનું ઘર હિન્દુસ્તાનીમાં છે, બોલચાલની ભાષામાં. અફસોસ એ વાતનો છે કે હવે તેનું ઘર આપણી વાણીમાં, મગજમાં, નિરાશામાં, ગુસ્સામાં અને આપણા આક્રોશમાં છે. આજકાલ આપણે લૂંટ અને લુટારાઓ વિશે એટલું વાંચીએ, જોઈએ અને સાંભળીએ છીએ કે ‘લૂંટ’ શબ્દ આપણા માટે અને આપણા આ જમાના માટે જ ઘડાયો હોય એમ લાગે છે. વાત એવી નથી, લૂંટની રીતિ ઘણી જુની છે.
આ શબ્દની સાચી વ્યત્પત્તિ અસ્પષ્ટ છે. મહેમૂદ ગઝની ઈતિહાસના સૌથી મોટા લુટારાઓમાં સ્થાન ધરાવતો હતો, છતાં ‘લૂંટ’ અરબી કે ફારસીમાંથી આવેલો શબ્દ નથી. તેનો સ્ત્રોત સંસ્કૃતમાં જોઈ શકાય છે, પણ તેનો સહજ નિવાસ અન્ય ક્યાંક મળે છે. શબ્દ-સાગર જોઈએ તો ‘લૂંટ’ના અલગ અલગ શબ્દપ્રયોગો જોવા મળશે. ‘લૂંટ’ શબ્દ હવે અંગ્રેજી શબ્દકોશમાં પણ પ્રવેશી ગયો છે, જાણે ત્યાં એક પીઆઈઓની ભૂમિકા ભજવી રહ્યો હોય.
લૂંટ અને ચોરીમાં ભેદ છે.
ચોર એટલું જ ચોરે છે, જેટલું તેના બે હાથ ઉઠાવી શકે અને એકાદ ખિસ્સામાં સમાઈ શકે. ચોર ક્ષણિક ભોગ માટે ચોરી કરે છે. ચોર એક નહીં બે હોય તો હિસાબ બેવડાઈ થઈ જાય છે. ચોરના વિચાર ઘણા તેજ હોય શકે છે. તેનાં આંગળાં કાબેલ હોઈ શકે છે પણ તેની સીમા મર્યાદિત હોય છે. ચાલાકીથી બે-ચાર તાળાં તોડ્યાં, તિજોરીઓ-બેગો ખાલી કરીને બધું ભેગું કરીને ભાગી નીકળવાનું, કોઈ જોઈ જાય તે પહેલાં. લુટારાઓની વાત કંઈક અલગ છે.
જરૂરી નથી કે તે પોતાના હાથનો ઉપયોગ કરે અથવા તો પોતાનો સામાન જાતે ઉઠાવે અથવા તો સંતાડે. લૂંટ પગે ચાલીને નહીં ચાલાકીથી થાય છે, ચતુરાઈ તેનું વાહન છે, છળ તેનું ઇંધણ છે, અંધારું તેનો અખાડો છે અને સંતાવું તે ખેલ છે. આઝાદી પછી ત્રણ દાયકા સુધી આપણે સામાજિક ચોરીઓ જોઈ, અનેક ચોરીઓ. ઓગણીસો અઠ્ઠાવનમાં મુંદડા કાંડ આ ચોરીઓમાં મોખરે હતો. એક કરોડ અથવા સવા કરોડની એ વાત હતી.
આજે તે બહુ નાની રકમ લાગે છે. ત્યારે તો તે નાની નહોતી પરંતુ રકમ કરતાં વધારે મહત્વ હતું ઇમાનદારી અને વફાદારીનું. નિર્ભીક કોંગ્રેસ સાંસદ ફિરોઝ ગાંધીના વણથંભ્યા સવાલોની અસર થઈ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કાર્યવાહી શરૂ કરી, જસ્ટિસ ચાગલા અને વિવિયન બોસ દ્વારા તપાસ થઈ અને તે સમયના નાણામંત્રીએ રાજીનામું આપવું પડ્યું.
૧૯૬૦ અને ૭૦ના દાયકામાં લૂંટજગતમાં ઘણાં નાટકો થયાં. ૧૯૯૦ના દાયકામાં હર્ષદ મહેતાએ ૫૦૦૦ કરોડના ગોટાળાથી લૂંટના યુગનું ઉદ્ઘાટન કર્યું. તે જ દાયકામાં હવાલાકાંડે લૂંટને ગગનચૂંબી ઊંચાઈ આપી. હવે આંકડા રૂપિયામાં નહીં અમેરિકી ડોલર્સમાં ગણાવા લાગ્યા છે. અઢાર મિલિયન ડોલર્સનો ખેલ. સુપ્રીમ કોર્ટે ધ્રૂજારો કર્યો, દેશની આબરૂ બચી. આપણા જમાનામાં લૂંટનાં નવાં રૂપ અને કરામતો જોવા મળ્યાં છે. નવી તરકીબો, નવા જાદુથી લૂંટ બહુમુખી બની ગઈ છે. રમત-ગમતને પણ નથી છોડી. ખાણોમાં ય લૂંટ મચી છે. ભૂગર્ભથી ખનીજો, જનતાની ભાવિ સંપત્તિને પણ લૂંટ લૂંટી રહી છે. ધરતીની અંદર, આકાશમાં અને જંગલોમાં પણ લૂંટ મચી છે. ટેલિકોમના હવાઈ માર્ગોમાં, ભૂગોળ, ખગોળ, ચોરસ અને ગોળમાં લૂંટ છે. સ્વાર્થના પેચ મંડાયા છે.
હિન્દીવિદ્ ડૉ.. રૂપર્ટ સ્નેલે મારા કહેવાથી કબીરના બીજકમાં અને અન્ય મધ્યકાલીન કાવ્યોમાં ‘લૂંટ’ના અલગ ઉપયોગો બતાવ્યા. ઉદાહરણ તરીકે ગોરખનાથથી: ‘બ્રહ્નાંડ ફૂટિબા નગર સબ લૂટિબા.’ આધુનિક યુગમાં, નેતાજી સુભાષચંદ્ર બોઝના ‘કદમ કદમ મિલાએ જા’થી આપણે માહિતગાર છીએ. તેમાં પણ ‘લૂંટ’નો પ્રયોગ છે, પણ તેના બીજા અર્થ છે. આપણા આ લુટારાઓ પ્રજા પર, દેશની ભલાઈ માટે અને પ્રજાની ખુશી માટે પોતાની બુદ્ધિ, પોતાની આવડત લૂંટાવતા, ન કે તેમનું ધન લૂંટી લેતા.
હા, આપણે નિરાશ છીએ, નારાજ છીએ, છતાં એ વાતનો ખ્યાલ રહે કે આપણે નિરાધાર નથી. હિન્દની અદાલતોએ વારંવાર લૂંટને રંગેહાથો પકડી છે. કેગ અને સીવીસી સક્રિય છે. આપણામાં એ વિશ્વાસ હોવો જોઈએ કે ભારતનું ન્યાયતંત્ર અને આ સંસ્થાઓ તેમની કામગીરી સારી રીતે કરશે. આપણે ‘સિયાસતે-હિન્દ’ને તો જાણીએ જ છીએ અને ‘હકૂમતે હિન્દ’ને પણ, છતાં એક વાત આપણે જાણી લઈએ કે ‘ઝમીરે હિન્દ’ નામની પણ કોઈ હકીકત છે. ‘ઝમીરે હિન્દ’માં ન્યાયતંત્ર, કેગ, સીવીસી, આપણા મુખ્ય માહિતી પંચ પણ આવી જાય છે. તે સ્વતંત્ર છે અને પોતાની ફરજ જાણે છે.
લોકપાલ અને લોકાયુકત જ્યારે નિમાશે ત્યારે તે પણ સીબીઆઈની સાથે મળીને ‘ઝમીરે હિન્દ’ની બોલી લગાવશે. આપણે એ પણ જાણવું જોઈએ : રાજકારણ અને રાજનેતાઓથી નિરાશ થઈ શકાય છે પણ તેનાથી દૂર રહેવું ખોટું છે. ભારત લોકશાહી દેશ છે. કોઈ લોકશાહી રાજકારણ વગર ચાલી શકે નહીં. દરેક સરકારમાં અને દરેક વપિક્ષમાં ઇમાનદાર રાજકારણી છે. આપણા સ્વાયત્ત મીડિયા સાથે તે પણ આ ઝમીરમાં જોડાયેલા છે. ‘ઝમીરે-હિન્દ નગર સબ લૂંટિબાના’ કિસ્સાને બદલી રહ્યું છે, પોતાની ઊર્જા પ્રજા પર લૂંટાવીને લૂંટને પડકારી રહ્યું છે.
ગોપાલકૃષ્ણ ગાંધી, લેખક પૂર્વ વહીવટી અધિકારી, રાજદૂત અને રાજ્યપાલ છે.