અમેરિકન લેખિકા માર્યા મન્નેસે એક વખત કહ્યું હતું કે, ‘આપણે જે ધરતીનો દુરુપયોગ કરીએ છીએ અને જે પ્રાણીઓને મારીએ છીએ, તે આખરે પોતાની હાજરી સાથે ‘રમત’ કરવા બદલ આપણી પાસે બદલો લેશે. આપણે આપણું ભવિષ્ય ખતમ કરી રહ્યા છીએ.’ ખરેખર હવે ભારતીય શહેરોમાં પર્યાવરણને કરાતા નુકસાન અને વધતા પ્રદૂષણ પર ગંભીર ચિંતન કરવાનો સમય આવી ગયો છે.
ગયા અઠવાડિયે મુંબઈના અખબાર ડીએનએ (જે દૈનિક ભાસ્કર ગ્રૂપનું જ અંગ્રેજી અખબાર છે)એ એક ઇકો-ગણેશ કેમ્પેઇન શરૂ કર્યું, જ્યાં અખબાર સાથે જોડાયેલા કાર્યકર્તાઓએ ભગવાનની પ્રતિમા બનાવવા માટે જુનાં અખબારો એકઠાં કર્યા અને તેમાંથી તૈયાર કરેલી મૂર્તિઓ મુંબઈમાં વહેંચી. મુંબઈ શહેરમાં રહેતા લોકો મોટાપાયે આ અભિયાનમાં જોડાયા. તેનાથી જાણી શકાય છે કે, આપણે પણ ધીમે ધીમે માનવા લાગ્યા છીએ, જે માર્યા મન્નેસ દાયકા અગાઉ કહી ગઈ.
લોકોની ધાર્મિક માન્યતાઓમાં ધીમે ધીમે થઈ રહેલા પરિવર્તનને જોતાં આ સમય બિલકુલ યોગ્ય હતો. પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી પ્રતિમાઓના પાણીમાં વિસર્જનથી પર્યાવરણને નુકસાન પહોંચવાની સાથે સમુદ્રમાં રહેતાં જીવ-જંતુઓ સહિત માણસોમાં પણ ગંભીર આનુવંશિક બદલાવ લાવી શકે છે. આ ઉપરાંત કૃત્રિમ માળાઓ, કેળનાં પાનાં અને અન્ય સજાવટની સામગ્રી નદી-તળાવોમાં વિસર્જિત કરી દેવામાં આવે છે, જેનાથી પર્યાવરણને ક્ષતિ પહોંચે છે.
સંબંધિત શહેરના પાલિકાના અધિકારીઓ પર્યાવરણ સંરક્ષણ વિશે માત્ર મોટી મોટી વાતો જ કરે છે, પરંતુ પ્રશ્ન એ છે કે, શું સ્થાનિક તંત્ર જનતાને આ દિશામાં જાગરૂક કરવા માટે યોગ્ય પગલાં ભરે છે ખરું? આપણે પોતાની જાતને સવાલ કરીએ કે, શું આપણે પોતાના કામ દ્વારા ભવિષ્યના હિસાબે પૃથ્વીને વધુ સુરક્ષિત બનાવીએ છીએ?
ઈશ્વરના આહ્વાનના નામે આપણે જાણે-અજાણે આપણા પર્યાવરણની ઘોર ખોદી રહ્યા છીએ. યાદ રાખો કે, પૃથ્વી પણ એ જ ઈશ્વરે આપેલી અનુપમ ભેટ છે. તહેવારોની ઉજવણી ધ્વનિ, વાયુ અને જળ પ્રદૂષણથી મુક્ત રીતે કરીને તેને વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી બનાવવી જોઈએ.
ફંડા એ છે કે, પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવી આવનારી પેઢીને પ્રદૂષણમુક્ત પૃથ્વીની ભેટ આપો. જાગ્યા ત્યારથી સવારના ન્યાયે આજથી જ પર્યાવરણની રક્ષા કરવાનો નિર્ધારકરો.