નવી મુંબઈના સીબીડી બેલાપુરમાં રહેતા મારા મિત્રે તેની હાઉસિંગ સોસાયટીમાં આ અઠવાડિયે કરવામાં આવેલા એક નેક કામ વિશે મને જણાવ્યું. બેલાપુરમાં જોકે મોટા ભાગે સંપન્ન લોકો રહે છે, પરંતુ અહીંયા ગરીબોની સંખ્યા પણ ખૂબ છે. અહીંયાની એક હાઉસિંગ સોસાયટીમાં રહેતા લોકોએ ગયા વર્ષે રક્ષાબંધનના તહેવાર પછી વધેલી રાખડીઓ એકઠી કરી અને તેને આ વર્ષે રક્ષાબંધનના એક દિવસ અગાઉ બેલાપુર રેલવે પ્લેટફોર્મ પર રહેતાં અભાવગ્રસ્ત બાળકોમાં વહેંચી દીધી. આ રીતે પોતાના ખિસ્સા પર વધારે ‘વજન’ નાખ્યા વિના આ લોકો સમાજનાં અભાવગ્રસ્ત બાળકો સાથે ઉત્સવના આનંદમાં ભાગીદાર બન્યા.
જો તમે સોસાયટી સભ્યો પાસે આવાં કામ માટે પૈસા માગશો તો તેમને ખચકાટ થકે કે ખરેખર જરૂરિયાતમંદોમાં આ પૈસા વહેંચાશે ખરા? આ કારણે સોસાયટીના લોકોએ કંઈક અલગ કરવાનું વિચાયું. આ લોકો પોતપોતાના ઘરે દશેરાના પર્વે મીઠાઈ અને દિવાળીના ટાણે મીઠાઈ અને ફટાકડા એકઠા કરે છે અને સ્ટેશન પર રહેતાં બાળકોને વહેંચી દે છે. દરેક જણ તહેવાર પર ઓછામાં ઓછા એક કિલો લાડુ તો લાવતા જ હોય છે. આ એક કિલો લાડુમાંથી એક લાડુ આપવાથી કોઈને ફરક નહીં પડે. મારા મિત્રનું કહેવું છે કે, તે બાળકોને આશ્વસ્ત કરવા માટે ઉઠાવાયેલું એક પગલું પૂરતું છે કે, અહીંયાં એવા લોકો પણ છે, જેને તેમની દરકાર છે.
આવા તહેવાર બીજા સાથે આનંદ વહેંચતાં પોતાની ભાવનાઓ જાહેર કરવાની તક પૂરી પાડે છે. અમેરિકન સમાજસેવી ડૉ.. લોરેટા સ્કોટે કહ્યું છે કે, ‘કોઈ પણ વ્યક્તિ દરેકને મદદ નથી કરી શકતી, પરંતુ દરેક વ્યક્તિ કોઈકને તો મદદ કરી જ શકે છે.’ આપણે બીજાને કેટલી મદદ કરીએ છીએ તેના કરતાં એ વાત વધારે મહત્વની છે કે, આપણે કેટલી હદ સુધી મદદ કરીએ છીએ. આપણા મનમાં બીજાને મદદ કરવાની મંશા હોવી જોઈએ, જે સૌથી મહત્વનું છે.
આપણે બસ એવાં બાળકો સાથે આનંદની પળો વિતાવવી જોઈએ, જે એવું માને છે કે, ભગવાન તેમના પર મહેરબાન નથી. ફંડા એ છે કે, અભાવગ્રસ્ત બાળકોને એ અહેસાસ કરાવો કે, આપણને તેમની દરકાર છે. જે બાળકોની માસૂમિયત છીનવી લેવાય છે, તેમના મનમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો અને ધુત્કારની લાગણી ‘ઘર’ કરી જાય છે. તેમને મળો, તેમની સાથે ખુશીની થોડી ક્ષણો વહેંચો. બીજાને આનંદ આપવાની મઝા જ અનોખી હોય છે.