અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાથી માંડીને વિશ્વભરના ઉચ્ચ અધિકારીઓ તથા રાજકારણીઓના પ્રિય મોબાઈલ ફોન બ્લેકબેરી ઉપર ઘાત છે. આ મોબાઈલની ટેક્નોલોજી એટલી ફૂલપ્રૂફ છે કે તેમાંથી મોકલાયેલો મેસેજ કે ઇ-મેઇલ અધવચ્ચે આંતરી લેવામાં આવે તો પણ તેને વાંચી શકાતો નથી. તે એન્ક્રીપ્ટેડ કોડ લેન્ગ્વેઝમાં હોય છે. વિશ્વના દેશો આ એન્ક્રીપ્શન કોડની ચાવી બ્લેકબેરીનું ઉત્પાદન કરતી કંપની રિસર્ચ ઇન મોશન પાસેથી માગતી રહી છે પણ આ કેનેડિયન કંપની ઝૂકતી નથી. જોકે સાઉદી અરેબિયાએ કોડની ચાવી નહીં આપવાના મુદ્દે કંપનીની સેવા અટકાવી દેવાની ધમકી આપી તે પછી ત્યાં માત્ર બ્લેકબેરી મેસેન્જર પૂરતી કોડની ચાવી આપવામાં આવી છે.
આનાથી પ્રોત્સાહિત થઈને ભારત સરકારે પણ હવે કંપનીનું નાક દબાવવાનું મન બનાવ્યું છે. આ ચાવી આપવાના મુદ્દે જ ભારત સરકાર અને રિસર્ચ ઇન મોશન વચ્ચે શરૂઆતમાં ખેંચતાણ ચાલી હતી અને બ્લેકબેરી સર્વિસીઝ ભારતમાં ચાલુ થવામાં ત્રણેક વર્ષ જેટલો વિલંબ થયો હતો. ભારત સરકાર કહે છે કે આતંકવાદીઓ બ્લેકબેરી સર્વિસીઝનો ઉપયોગ કરે તો તે સંદેશા સરકારી એજન્સીઓ જોઈ શકતી નથી એટલે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ સરકાર પાસે બ્લેકબેરીના એન્ક્રીપ્શન માટેની કોઈ ચાવી હોવી જરૂરી છે. કંપની એવું કહે છે કે તેની પાસે કોઈ ચાવી હોતી નથી, બ્લેકબેરીના ગ્રાહકો જ પોતાનો પાસવર્ડ નક્કી કરે છે.
બ્લેકબેરી મોબાઈલ ફોનને જગતભરમાં લોકપ્રિય બનાવનાર તેની એન્ક્રીપ્શનની ખૂબી જ હવે તેના માટે સમસ્યારૂપ બની ગઈ છે. જર્મનીમાં રાજકારણીઓ અને સરકારી અફસરો માટે બ્લેકબેરી વાપરવા પર પ્રતિબંધ છે. ભારત જેવડું માર્કેટ ગુમાવવાનું બ્લેકબેરીને પણ પોસાય તેમ નથી. એટલે સરકારની જીદ સામે તેણે ઝૂકવું પડે તેમ છે. મુંબઈ પર પાકિસ્તાની ત્રાસવાદીઓએ હુમલો કર્યો તે પછી આપણું ગૃહખાતું મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર્સ પર તૂટી પડ્યું હતું.
ચીની બનાવટના સંદેશા વ્યવહાર સાધનોના ઉપયોગ પર પણ નિયંત્રણો મૂકી દેવામાં આવ્યાં હતાં. કાશ્મીરમાં પ્રિપેઇડ કનેકશનો પર પ્રતિબંધ છે. ક્યારેક કાશ્મીરમાં એસએમએસ પણ બંધ કરી દેવામાં આવે છે. ભારતમાં અત્યારે દસ લાખથી પણ વધુ લોકો બ્લેકબેરી વાપરે છે. સરકાર અને રિસર્ચ ઇન મોશન વચ્ચેની લડાઈમાં આ વપરાશકારોને નુકસાન થશે.