ભારતનો એલિટ વર્ગ કોમન વેલ્થ ગેમ્સને બૈજિંગમાં ૨૦૦૮માં યોજાયેલા વિશ્ચ ઓલિમ્પિક જોડે સરખાવે છે, પણ એ ભૂલી જવાય છે કે, ભારતની પ્રાથમિક જરૂરિયાતો જાહેર દવાખાના, સારી શાળાઓ, બેઘરો માટે આશ્રયસ્થાનો અને સસ્તા વસવાટો છે. ભારતનો એલિટ વર્ગ યાદ રાખે કે ભારતની માથાદીઠ આવક ૪,૫૦૦/- છે જ્યારે ચીનની ૧૫,૦૦૦/- છે. ચીનમાં ગરીબીની રેખા નીચે જીવનાર વસતી પૂરી ત્રણ ટકા નથી. ભારતમાં આ ચાળીસ ટકા છે.
આજકાલ ભારત વિકાસને લગતી ઘણી બાબતે પોતે વિશ્ચની આર્થિક મહાસત્તા ‘સુપર પાવર’ બનવા જઈ રહ્યું છે એવી છલના કરી રહ્યું છે. આર્થિક વિકાસની એની અગ્રીમતા આવી જ ગ્રંથિથી પીડાઈને એ નક્કી કરી રહ્યું છે. ૨૦૧૦માં યોજાનાર કોમનવેલ્થ રમતોત્સવ પણ એ ભવ્યતિભવ્યપણે નહીં યોજાય તો વિશ્ચમાં ભારતની પ્રતિભા નબળી દેખાશે એવો ભય હવે એને સતાવી રહ્યો છે. કોમનવેલ્થ રમતોત્સવ રમતગમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે.
એમાં રમાનાર વિવિધ ખેલોમાં ભારતનું સ્થાન મોખરે રહે એ બાબત સ્પર્ધકો પર છોડી દેવાઈ છે પણ આ રમતોત્સવ સમયે દિલ્હીના સ્ટેડિયમ કેટલા ધમાકેદાર હશે! સ્પર્ધકોને રહેવા માટેનું વિલેજ કેવી અને કેટલી સગવડોવાળું હશે! દિલ્હીના માર્ગો કેટલા હરિયાળા હશે! એના પર તંત્રનું બધું ધ્યાન કેન્દ્રીત કરાયું છે. આજથી થોડા મહિના પહેલાં કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલે પોતાના અહેવાલમાં આ તૈયારી ૨૦૧૦ના ઓક્ટોબર સુધીમાં સમયસર પૂરી નહીં થાય એવો ભય વ્યક્ત કર્યો ત્યારે વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીએ ‘બધા પ્રોજેક્ટો સમયસર પૂરા થશે અને ભારતની પ્રતિષ્ઠા જળવાઈ રહેશે’ એવું ખોંખારીને કહ્યું હતું.
પરિણામે, દિલ્હીને જ્યારે કોમનવેલ્થ રમતોત્સવ ફાળવાયો ત્યારે એનો ખર્ચનો મૂળ અંદાજ માત્ર બસો કરોડ રૂપિયા મુકાયો હતો. ઓડિટર જનરલે સમયસર તૈયારીઓ થઈ જવામાં શંકા બતાવી એટલે આ ખર્ચ ચાર ગણો એટલે આઠસો કરોડ કરી દેવાયો હતો અને આવા વિશ્ચ કક્ષાના પ્રસંગ માટે કેબિનેટે આ અંદાજને સોળસો કરોડની મંજૂરી આપી હતી. આ ઉપરાંત R ૪૧૦૦ કરોડ વિવિધ સ્ટેડિયમ અને કામચલાઉ વસવાટો માટે ખર્ચવાનું નક્કી થયું હતું. એની પાછળ એવી દલીલ કરાઈ હતી કે આ તો દિલ્હી મહાનગરની કાયમી સગવડો છે અને રમતોત્સવ માટે બંધાનારાં વસવાટોમાંથી તો આવક ઊભી થશે.’
આ બધા પછી ભારત જ્યારે એનો ૬૪મો સ્વાતંત્રયદિવસ ઉજવવા જઈ રહ્યું હતું ત્યારે ઓગસ્ટના બે સપ્તાહ સુધી મીડિયામાં આ રમતોત્સવના વિવિધ પ્રોજેક્ટમાં કેવા કેવા ભ્રષ્ટાચાર એની વ્યવસ્થાપન સમિતિ અને અફસરોએ આચર્યા છે એના સમાચારોએ ભારતનું માથું શરમથી નીચું કર્યું છે. ભ્રષ્ટાચાર જીમને લગતાં સાધનોની ખરીદીથી માંડી, માર્ગો પર વવાનારા વૃક્ષોના રોપા સુધી ફેલાયો છે. સ્ટેડિયમની છતમાંથી પાણીના ગળતર જેવી બીજી ફરિયાદો પણ મીડિયામાં ચમકી છે. પરિણામે વડાપ્રધાનને વ્યવસ્થાપક સમિતિની બેઠક પોતાની હાજરીમાં બોલાવી કેબિનેટ સેક્રેટરી અને કેન્દ્રકક્ષાના મંત્રીઓની સમિતિ નીમવી પડી છે.
આ કામ સમયસર પૂરું કરવા ભારતીય સૈન્યની સહાય લેવાની વાત પણ ઉચ્ચ સ્તરે ચર્ચાઇ રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બધું જ્યારે ચરમસીમાએ પહોંચ્યું એટલે હવે ‘પહેલા રમતોત્સવ પૂરો થવા દો નહિતર ભારતની પ્રતિષ્ઠા ભયમાં મુકાશે એવા પ્રતિષ્ઠાના કાલ્પનિક ભય નીચે બધા ભ્રષ્ટાચાર પર પરદો પાડી દેવાયો છે.’ પણ આ સિવાયની બીજી આચરાયેલી ગેરરીતિઓ નાનીસૂની નથી. સવાલ એ છે કે એ વિવિધ નુકસાન કેવી રીતે ભરપાઈ કરાશે? દાખલા તરીકે પર્યાવરણની સુરક્ષાની દ્રષ્ટિએ નાજુક ગણાયેલા યમુના નદીના કાંઠાના વિસ્તારમાં કરાતા બાંધકામથી થયેલ નુકસાન કેવી રીતે ભરપાઈ કરાશે? કોમનવેલ્થ રમતોત્સવ માટે અને સૌંદર્યવર્ધન માટે સેંકડો સ્લમવાસીઓને તીતરભીતર કરી દેવાયા એનું શું કરાશે? કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરોનું કરાયેલું શોષણ પણ એવું જ પાસું છે.
૨૦૦૭માં ઘડાયેલી દિલ્હીના દલિતોના વિકાસ માટેની પેટાયોજના માટે ફાળવાયેલા રૂપિયા સાતસો કરોડ રમતોત્સવ માટે ડાઈવર્ટ કરાયા તેનું શું? એના માટે એવો બચાવ કરાયો કે માળખાકીય સગવડો વધવાથી સમાજના બધા વર્ગોને ફાયદા થશે. એમાં દલિતોને પણ ફાયદો થશે. આ તર્ક શું સ્વીકારી શકાય તેમ છે? ભારતમાં કેટલાને ખબર છે કે પહેલાં પૂરાં પાંચ વરસ સમિતિએ કોમનવેલ્થ રમતોત્સવના ‘પેપરવર્ક’ પર ખચ્ર્યા હતાં. બધો મળીને થનાર ખર્ચ હવે રૂપિયા અગિયાર હજાર કરોડ મુકાય છે. આમાં દિલ્હી સરકારે કરેલા ખર્ચનો સમાવેશ થતો નથી. રમતોત્સવનો અંદાજ આમ હવાઈ ગતિએ વધવા પાછળના કારણમાં, અંદાજ તૈયાર કરવાથી માંડી, ખર્ચ કરવાની અને હિસાબ જાળવવાની પદ્ધતિમાં પારદિર્શતાના સદંતર અભાવના કારણે થયેલ અમલદારો, રાજકીય આગેવાનો અને દલાલોની કટકી છે.
ભારતનો એલિટ વર્ગ આને મનોમન બૈજિંગમાં ૨૦૦૮માં થયેલ ચકાચૌધ વિશ્ચ ઓલિમ્પિક જોડે સરખાવે છે. પણ એ ભૂલી જવાય છે કે, ભારતની પ્રાથમિક જરૂરિયાતો જાહેર દવાખાના, સારી શાળાઓ, બેઘરો માટે આશ્રયસ્થાનો અને સસ્તા વસવાટો છે. આ તુલના સમયે ભારતનો એલિટ વર્ગ યાદ રાખે કે ભારતની માથાદીઠ આવક ૪,૫૦૦/- રૂપિયા છે જ્યારે ચીનની માથાદીઠ આવક R ૧૫,૦૦૦/- છે અને ચીનમાં ગરીબીની રેખા નીચે જીવનાર વસતી પૂરી ત્રણ ટકા નથી. ભારતમાં આ ચાળીસ ટકા છે. ‘સોડ તાણતા પહેલાં પછેડીનો વિચાર કરવો જ પડે.’
વહીવટી બાબતો એ છે કે વ્યવસ્થા સમિતિમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત અને કેન્દ્રના રમતગમત મંત્રી ગીલની દેખરેખ હતી તોય આવો ભ્રષ્ટાચાર થયો છે.
સનત મહેતા, લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.