‘યુરોપ અમેરિકા માટે ૨૦૧૨નું વર્ષ મેઈક ઓફ બ્રેકનું વર્ષ રહેશે. ચીન, બ્રાઝીલ અને ભારત જગતનાં અર્થતંત્રનાં ગાડાં તેજ ચલાવશે. ભારત સૌથી સારી સ્થિતિમાં છે, જો તેના વડાપ્રધાનને તેની આર્થિક નીતિ લાગુ કરવા દે તો!’
સૌરાષ્ટ્રમાં કહેવત છે કે ડોશી રોજ દાળિયો દેતી નથી. રોજરોજ તનમનિયા હોતાં નથી. અમેરિકાને છેલ્લા પાંચ દાયકાથી ડોશી દાિળયો દેતી આવી છે. સતત અમેરિકનોને આખી દુનિયાએ ન્યાલ કર્યું છે. તેજીમાં રાખ્યું હતું. હવે અમેરિકા એક હાથીએ ચઢેલો ભિખારી છે. તેના ભંડાર ભરેલા હતા તે ખાલીખમ છે. આજે અમેરિકા ચીનનું ૩ ટ્રિલિયન ડોલરનું દેવાદાર છે. અમેરિકનો અર્થતંત્રમાં જ નહીં બધી રીતે બીમાર છે. વૈધ્ય મિત્ર પંકજ નરમ આજકાલ ન્યુયોર્કમાં છે. અમેરિકનો આર્થિક મંદી, બેકારી અને દેવામાં એટલા ડૂબ્યા છે કે માનસિક બીમારીથી પીડાવા માંડ્યા છે.
આ વૈધ્ય પાસે નોર્મલી ૭૫ દર્દી રોજ આવતા, આજે સવાસો દર્દીને રોજ તપાસે છે. તેમની ફરિયાદ શું છે? માનસિક દર્દથી પીડાનારા અમેરિકનો સતત ઊંઘની ટીકડી લે છે. એન્કઝાયેટી, ફીયર, નર્વસનેસ અને ઇનસોમ્નીયા- આ ચાર રોગ જાણે અમેરિકામાં ચારે કોર શેરબજારની તેજીની જેમ તેજ છે. એટલી બધી મંદી છે કે સ્વામી રામદેવની આયુર્વેદનો વેપલો કરવાની દુકાનો અમેરિકામાં ધડાધડ ખૂલેલી અને તેમાં અનેક કોસ્મેટિક વગેરે વેચતાં હતાં તે દુકાનોમાં કાગડા ઊડે છે. છ દુકાનોમાંથી ચાર દુકાનો બંધ કરવી પડી છે. સંભળાય છે કે આ દુકાનોનાં ભાડાં ગઈ કાલ સુધી બાકી હતાં. મોટી મોટી કંપનીઓની ઓફિસે બોર્ડ લાગ્યાં છે - ‘આઉટ ઓફ બિઝનેસ’. સ્ત્રી-પુરુષ અને બાળકોના વિખ્યાત બ્રાન્ડવાળાં તૈયાર કપડાં સાવ સસ્તામાં તમામ સ્ટોરો વેચે છે.
વિખ્યાત અમેરિકન લેખકોનાં પુસ્તકો ૫૦ ટકાના ભાવેય વેચાતાં નથી. તે ભારતમાં ધકેલાય છે. પિઝા હટ્સની જંક ફુડની હાટડીઓમાં હવે અમેરિકનો ખાવા જતા નથી એટલે લારા દત્તાનો પાલવ પકડીને પિઝા હટ્સની જંક ફૂડની ૨૫૦ જેટલી રેસ્ટોરાં હવે ભારતનાં બાળકો માથે મરાશે. છેક આયરલેન્ડ, ઇંગ્લેન્ડ, ઇટાલી અને ફ્રાંસમાં આર્થિક મંદી એટલી ફરી વળી છે કે અમેરિકાની ભેરે આવી શકે તેમ નથી.
એક જમાનામાં અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટનને પોતાનું હેલિકોપ્ટર વાપરવા આપનારા આયરલેન્ડના અબજપતિ પેટ્રીક રોકાએ કપાળમાં પિસ્તોલ મારીને આપઘાત કર્યો છે તેમ લંડનનું સન-ડે-ટાઇમ્સ લખે છે. ખેડૂતોનો આપઘાત અટકાવવા યુરોપિયન યુનિયનના દેશોએ ખેડૂતોને ૨૦૧૦માં પોતાનાં ૪૭ ટકા બજેટ એટલે કે ૭૦થી ૮૦ અબજ ડોલરની સબસિડી ખેડૂતોને આપી તોય ખેડૂતો આજે રાતે પાણીએ રડે છે. સુનીતા નારાયણ તેનાં ‘ડાઉન ટુ અર્થ’ના ૧૫-૧૨-૧૧ના તંત્રી લેખમાં લખે છે કે અમેરિકન વિદ્યાર્થીઓ આજે ૫૫૦થી ૮૦૦ અબજ ડોલરના દેવામાં છે. ઘણાએ વચ્ચેથી ભણતર છોડ્યાં છે.
૨૦ નવેમ્બર ૨૦૧૧ના રોજ ચીનના નાયબ વડા પ્રધાને રોઈટરને કહ્યું હતું કે, જગતભરમાં જબ્બર આર્થિક મંદી આવી રહી છે પણ અમે અમારા અર્થતંત્રને બચાવવા આકાશપાતાળ એક કરીએ છીએ. બેન્કો, ઔધ્યોગિક ગૃહો અને બીજી નાણાં સંસ્થાને ૬૫૦ અબજ ડોલરના સરકારી ધિરાણ આપ્યાં છે. અમેરિકાથી ચીની માલ માટેના ઓર્ડરો આવતા તે સુકાઇ ગયા છે. ચીની નાયબ વડા પ્રધાન વાંગ કીશાન તો કહે છે કે આ મંદી બહુ લાંબી રહેશે. ભારત આ મંદીમાંથી કેમ બચી રહ્યું છે તે જ એક ચમત્કાર છે !’
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ઇકોનોમસ્ટિ પ્રો. એડ લેઝીયર કહે છે કે અત્યારે ચીન મંદીમાંથી બહાર આવ્યું છે પણ તે પહેલાં ચીન અમેરિકાને હંફાવી રહ્યું હતું, હજી હંફાવશે. જો આ સ્પીડે ચીની અર્થતંત્ર પ્રગતિ કરે તો આવતાં ૩૦ વર્ષમાં સરેરાશ ચીની નાગરિક અમેરિકન નાગરિક કરતાં વધુ ધનિક હશે. કેટલાક આંકડા-
(૧) અમેરિકનોએ ૨૦૧૦માં ૩૬૫ અબજ ડોલરના ચીની માલો ખરીદ્યા ત્યારે ચીને માત્ર ૯૨ અબજ ડોલરના જ અમેરિકન માલો ખરીદ્યા. આ માલો તેમ જ શોપિંગ મોલો હવે અમેરિકા ભારતમાં ધકેલવા માગે છે.
(૨) અમેરિકનો ઉદ્યોગમાં મંદીને કારણે દર મહિને ૫૦,૦૦૦ નોકરી ગુમાવીને બેકાર બને છે. ઇકોનોમિક પોલિસી ઇન્સ્ટી.ના આંકડા પ્રમાણે ૨૦૦૧થી ૨૦૦૮ સુધી અમેરિકનોએ ૨૪ લાખ નોકરી ગુમાવી. જે નોકરીઓ ચીનાઓને અને ભારતને મળી.
(૩) ચીન જગતમાં પેદા થતો ૫૩ ટકા સિમેન્ટ વાપરે છે. અમેરિકા કરતાં ચીન ૧૧ ગણું પોલાદ પેદા કરે છે.
(૪) લાજેઁસ્ટ ટ્રેન, લાજેઁસ્ટ રેલ ટ્રેક અને જગતમાં નંબર વન વન્ડિ પાવર- વીજળી ચીનમાં પેદા થાય છે.
(૫) અમેરિકા અને યુરોપમાં વપરાતા ક્રિસમસના આર્ટિફિશિયલ ટ્રીમાંથી ૮૫ ટકા ચીનમાં બને છે.
(૬) ચીન પાસે જગતના ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટરો છે. સાયિન્ટફિક રિસર્ચમાં ચીન૧૪મા સ્થાનેથી ૧૫ વર્ષમા બીજા સ્થાને આવ્યું છે. જગતમાં પેટન્ટો રજિસ્ટર કરવામાં ચીન પહેલા નંબરે છે. ૨૦૧૬માં ચીનનું અર્થતંત્ર નંબર વન ઉપર આવી જશે. નોબેલ પ્રાઈઝ વિજેતા ડૉ.. રોબર્ટ ડબલ્યુ.ફોજેલે કહે છે કે જો આ સ્પીડે ચીન વિકસશે તો ૨૦૪૦ સુધીમાં ચીનનું અર્થતંત્ર અમેરિકા કરતાં ત્રણ ગણું થશે. હોંગકોંગ-શાંઘાઈ બેન્ક કહે છે કે ૨૦૫૦ સુધીમાં ચીન પ્રથમ અને ભારત ત્રીજા નંબરનું અર્થતંત્ર થઈ જશે.
ઘણા ચીનને આપણું દુશ્મન ઠરાવવા પ્રયાસ કરે છે ત્યારે ડૉ..મનમોહનસિંહ પોતે નાણાશાસ્ત્રી-અર્થશાસ્ત્રી હોઈને ચીન સાથે નિકટની દોસ્તી રાખી રહ્યા છે ! શું કામ ? તેનો જવાબ તમને ઉપરની માહિતીમાંથી મળશે. ચીન અને રશિયા બન્નેએ અમેરિકન ડોલરને મહત્વ આપવાને બદલે પોતપોતાના ચલણોમાં સોદા રાખવાનું શરૂ કર્યું છે. આખું જગત જે જે ચીજો વાપરે છે તેમાંથી ૧૯.૮ ટકા ચીજો ચીનમાં પેદા થઈ છે, એટલે કે ચીન અમેરિકાને ટપી ગયું છે.
છેલ્લે સંયુક્ત રાષ્ટ્રો અને આઈએમએફની વાત સાંભળો. ‘યુરોપ અમેરિકા માટે ૨૦૧૨નું વર્ષ મેઈક ઓફ બ્રેકનું વર્ષ રહેશે. અમેરિકા મંદીમાંથી માંડ ઊભું થશે કે પાછું મંદીમાં ગરક થશે પરંતુ ચીન, બ્રાઝીલ અને ભારત આ ત્રણ દેશો જગતનાં અર્થતંત્રનાં ગાડાંને તેજ ચલાવશે. ભારત સૌથી સારી સ્થિતિમાં છે, જો તેના વડાપ્રધાનને તેની આર્થિક નીતિ લાગુ કરવા દે તો !’