બાળકે જ્ઞાન મેળવવું હોય તો રમત-ગમત તરફ દુર્લક્ષ ન સેવવું જોઈએ
આજકાલ ભારતમાં કોમનવેલ્થ ગેમ્સની કચ કચ અને ભ્રષ્ટાચારનું કમઠાણ ચાલે છે ત્યારે ગેમ્સ કે પ્લેનું મહત્વ આપણે મનોવિજ્ઞાની અને બાળવિકાસ-વિજ્ઞાનના નિષ્ણાત ડૉ.. જોસેફ ચિલ્ટોન પીઅર્સની વાત માનવી જોઈએ. રાજકીય-આર્થિક કૌભાંડ સાચું હશે, પણ તેને કારણે ભારતને આંગણે જે ૭૨ દેશોના નવલોહિયા યુવાનો અને યુવતીઓ મહેમાન બનીને આવે છે તેમનું શરીર-રસાયણશાસ્ત્રના અણુ વિસ્તારની દ્રષ્ટિએ આપણને કેટલું બધું બળ મળશે? પણ જવા દો.
આજકાલ આપણાં બાળકો બહુ ઓછા રમે છે અને આપણા ‘ઢગાઓ’ને તો પૈસા કમાવામાંથી ફુરસદ મળતી નથી તેથી બાળકો બિચારા ટી.વી. સામે ખડકાઈને ખોટી મનોરંજનની ચીજોમાં કલાકો બગાડે છે, જે કલાકો રમતગમતમાં ગાળવા જોઈએ. ડૉ.. જોસેફ પીઅર્સ કહે છે કે રમતગમત જ એવી ચીજ છે જેમાંથી નાના-મોટાને મહત્તમ જ્ઞાન મળે છે- શીખવાનું મળે છે. આપણા ઓર્ગેનાઈઝરોના ભ્રષ્ટાચાર વિષે કાના બાંટવાએ સરસ લખ્યું છે. વધુની જરૂર નથી ખરેખર પ્લે, ગેમ કે રમતગમતમાં મૂળભૂત રીતે વિશ્વાસ હોય છે. કોઈ ‘કશ’ના કરે તે જોવાનું છે. બુધવારે સ્પષ્ટ કર્યું તેવા કૌભાંડને એમાં જગ્યા નથી. પ્લે એટલે ખેલદિલીનો પ્લે.
ડૉ.. જોસેફ કહે છે બાળકને તમે એવા વાતાવરણમાં મૂકો જ્યાં બાળક કે ખેલાડીની સતત બીજા સાથે સરખામણી ન થતી હોય. બાળકને તે ગમતું નથી. બાળકને પૂરું ધ્યાન અભ્યાસ પછી તેની રમત તરફ હોય છે. બાળક બધું જ કુતૂહલતાથી અને ઓપન માઈન્ડથી જુએ છે. તેને અવલોકનમાંય મઝા પડે છે. હાર અને જીતમાંય મઝા પડે છે. ગમ્મત પડે છે. કોઈની ટીખળ કરવાની મઝા આવે છે. ૧૯૩૬માં મહુવા નજીક ભાદરોડ ગામે હું પાંચ વર્ષનો હતો ત્યારે ફૈબાને ઘરે ભણતો ત્યારે ગામના છોકરાએ મને ભાદરોડી નદીમાં બે બાવડાં પકડીને ઘસડેલો, અમને મઝા પડેલી. સખત તાકીદ હતી, રડતું રડતું ઘરે ન આવવું.
મારીને આવવું-માર ખાઈને નહીં. ડૉ.. જોસેફ પીઅર્સે ‘‘ધ ઈન્ટેલિજન્સ ઓફ પ્લે’’ નામનો એક સરસ નબિંધ લખ્યો છે. આ નિબંધને અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિકસે મંજૂર કર્યો છે. બાળકો બહાર ગોઠિયા સાથે રમે પછી સ્કૂલમાં કે કોલેજમાં રમે ત્યારે બાળકો ખરેખર તેના ઇમોશન્સની- લાગણીઓની તાલીમ પણ મેળવે છે. ‘યુનાઈટેડ નેશન કમિશન ફોર હ્યુમન રાઈટ્સ’ના દરેક બાળકના રમવાના હકને સ્વીકાર્યો છે. ખરેખર તો ડોક્ટર કહે છે કે જ્યારે તમે મોટેરાં તરીકે મહત્વની ચીજ સ્વેચ્છાથી કરતા હો છો ત્યારે તમે એક જાતની પ્લે કરો છો. ગમ્મત કરો છો. આલેખન, બિઝનેસના સોદા, બિઝનેસનો પ્રવાસ, કોઈનાં લગ્નમાં જવું, પ્રેમ કરવો તે તમામ પ્લે છે. બાળકો જો રમતાં ન હોય તો તમે તેને રમવાનું શીખવી શકો નહીં.
રિયલ પ્લેઈંગ ઇઝ હાઉ રિયલ લર્નિંગ ટેઈકસ પ્લે. મોન્ટેસોરીનું (મેરિયા મોન્ટેસરી) નામ સાંભળ્યું છે ને? એ મેડમ કહેતાં કે જે બાળક રમતમાં રસ લે તેની ગ્રહણશક્તિ વધે છે. મૂળભૂત રીતે જીવન ખૂબ ગંભીર પણ છે. ડૉ.. પીઅર્સ કહે છે કે રમતગમત આસાન છે પણ તેને ‘ગંભીરતાથી’ લેવી જોઈએ. ‘ઇમ્પોર્ટન્સ ઓફ પ્લે’ વિષે વર્લ્ડ કલાસ સાયિન્ટસ્ટ ડૉ.. ડેવિડ બોહમે જ નહીં પણ ડૉ.. એશલી મોન્ટેગુએ પણ લખ્યું છે. ડૉ..ડેવિડ બોહમે કહેલું કે ‘‘ફ્રી પ્લે ઓફ માઈન્ડ બહુ જરૂરી છે.’’
સાચું સાયન્સ તો એ જ બાળક સમજશે જેને કંઈ પણ કરવાની કે રમવાની છુટ હોય. અરે, મહાન અધ્યાત્મપુરુષ જે. કૃષ્ણમૂર્તિ જેવા ફિલોસોફરે પણ મનને મુક્ત રાખીને જીવન માણવાની વાત કરી છે. ઘણી આધ્યાત્મિક પદ્ધતિમાં તમારા મનને સાવ મુક્ત રાખવાનું કહેવામાં આવે છે. તમે શું કરો છો તેના વિષે કોઈ શું માનશે કે બીજી કોઈ બંધાનારી માન્યતાથી મન મુક્ત રાખવું જોઈએ. યુ મસ્ટ એમ્પટી યોર માઈન્ડ-મનને કોરુંધાકોર કરવું જોઈએ. બાળકો મનને કોરુંધાકોર કરીને રમે છે. તેની મમ્મી પડોશણ સાથે ઝઘડી હોય ત્યારે જ પડોશણની પુત્રી કે પુત્ર સાથે ખાસ રમવાનું મન થાય છે.
જે. કૃષ્ણમૂર્તિએ મુક્ત મનનો વિચાર વહેતો મૂક્યો તેને વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના એક ટૂંકા વાક્યથી બળ મળે છે.
આઈન્સ્ટાઈને કહેલું કે ‘‘ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન નોલેજ. ચેસ-શતરંજની રમતમાં કોઈ તેને વિષેનું પુસ્તક વાંચીને કીટ (હોશિયાર) થવાતું નથી. તમે જો જો બાળકો વધુ સારું ચેસ રમશે. બાળકો વધુ સારી કમ્પ્યુટર ગેમ્સ રમશે. તેમાં બાળકને ઈમેજિનેશન કરવાનો મહાવરો મળે છે. જ્ઞાન કરતાં કલ્પનાશક્તિ વધુ બળવાન છે.
એશલી મોન્ટેગુનું પુસ્તક ‘‘ગ્રોઈંગ યંગ’’ વાંચવા જેવું છે. તે વાંચવા ન મળે તો તેની વાત ટૂંકમાં સાંભળો. ‘આપણા શરીરમાં જ શરીર અને મનના મુક્ત વિહારની વાત જન્મ પહેલાં જ વણાયેલી છે. આપણી બાયોલોજીમાં જ આપણા આખા શરીરના જીવરસાયણમાં જ ગમતીલું તત્વ ભરેલું પડ્યું છે. આપણે કદી પણ આળસુ રહીએ કે બીજા કોઈ કહે તેવા કન્ડશિનિંગમાં રહીએ કે સાવ માયકાંગલાં રહીએ કે પૂર્વગ્રહવાળા થઈએ તેવું કુદરત જ ઇચ્છતી નથી. કુદરત તો લડાયક રામ અને લડાયક મહોમ્મદ જ ચાહે છે. તો? જ્યારે બાળક ધૂળમાં રગદોળાઈને રમતું હોય, ઝઘડેલી પડોશણના પુત્ર સાથે રમતું હોય ત્યારે આપણને જે. કૃષ્ણમૂર્તિથી માંડીને આઈન્સ્ટાઈન કહે છે રુક જાઓ. તેને ટપારો નહીં, બાળકોને રમવા દો. મોટાં થતાં સાહસિક થશે.
માઈકલ મેનડીઝા નામનો એક વિદ્વાન પિતા હતો. તેને માંડમાંડ એક પુત્રી પેદા થઈ હતી. તેને થયું કે આ બાળાને કેમ ઉછેરવી, તે ડૉ.. જોસેફ ચલ્ટિન પીઅર્સનું પૂછું કારણ કે ડૉ.. પીઅર્સનું ‘ધ મેજિકલ ચાઈલ્ડ’ નામનું પુસ્તક બહુ જ લોકપ્રિય હતું. તેને પૂછવામાં આવ્યું કે પ્લે અને લર્નિંગ વચ્ચે શો સંબંધ છે. વારંવાર ‘મેજિકલ ચાઈલ્ડ’માં બાળક ૪થી ૧૦ વર્ષનું થતું હોય ત્યારે તો ખાસ-લખેલું છે કે બાળકે જ્ઞાન મેળવવું હોય તો તેણે રમતગમતની તરફ દુર્લક્ષ ન કરવું જોઈએ. પ્લે અને લર્નિંગ એક બીજા સાથે જોડાયેલાં છે. જો બાળકો રમતાં ન હોય તો તે ભણતાં કે ગણતાં ન શીખે.
રશિયન નોબેલ પ્રાઈઝ વિજેતા (ફિઝિયોલોજી) ડૉ.. ઈવાન પેટ્રોવિચ પાવલોવે બાળકોના ઉછેર માટે કહેલું કે બાળકોની ઇચ્છા હોય તો જ તમે તેનું કન્ડશિનિંગ કરી શકો. જરૂર તમારી મરજી પ્રમાણે તેને મરડી શકો પણ એ તો કૂતરા માટેની તાલીમ થઈ. સાચું લર્નિંગ તો મેરિયા મોન્ટેસરી કહે છે કે બાળકને અપાર ગ્રહણશક્તિવાળું બનાવો ત્યારે જ તે ખરેખર જ્ઞાન મેળવે છે અને આ જગત વિષે કે બ્રહ્નાંડ વિષે બાળક રમત દ્વારા જ શીખે છે. તેથી જ ગામડામાં ભગવાન ભગવાન, કૃષ્ણ-રાધા અને રામ-સીતાના ખેલ થતા. બાળકને કૃષ્ણ થવું ગમે છે. બાળકને રાધા થવું ગમે છે. છોકરા-છોકરીની આ બચપણની ટેવ મોટા થાય ત્યાં સુધી રહે છે તે વાત તમે સ્વીકારશો? મોટા મોટા મનોવિજ્ઞાની આવું ઉવાચે છે, પણ કોમનવેલ્થ ગેમ્સને જાણવી પડશે. માણવી પણ પડશે.