=> ‘વૉલમાર્ટ’ માલ ખરીદવા કે વેચવા ક્યાંય પણ પરદેશમાં જાય, તે વેતનના સ્ટાન્ડર્ડ એકદમ ઘટાડી નાંખે છે. કામદારોને ઓવરટાઈમના પૂરા પૈસા આપે નહીં. ગમે ત્યારે કર્મચારીને કાઢી મૂકે છે. વૉલમાર્ટ આવતાં ભારતમાં રોજગારી વધશે તે ભ્રમ છે, છેતરપિંડી છે.
ટેલિવિઝનની ભારતની ભૂખાળવી ચેનલો જાહેરખબર મેળવવા રાખ-ધૂળ બધું જ વિદેશી કંપનીઓ વતી પીરસે છે. દાખલા તરીકે રિબોક નામના વિદેશી જૂતાં જેનો આપણા ટિનેજરો જ નહીં મોટેરાંનેય ક્રેઝ છે તેની જાહેરખબરમાં ‘ઇઝી ટોન’ અને ‘રનટેન’ ગ્રેડના રિબોકનાં જૂતાં માટે એવો જાહેરખબરિયો દાવો કરે છે કે આ બ્રાન્ડનાં જૂતાં પહેરવાથી તમારા શરીરને અધિક બળ મળે છે! તમને જાણે સ્પેશિયલ ટેનિસ શૂઝ (સ્નીકર્સ) પહેર્યાંનો અનુભવ થાય છે ! આવી ભરમાવનારી જાહેરખબર આપવા બદલ ફેડરલ ટ્રેડ કમિશને તેના ઉપર કેસ કરેલો. આ કેસ થતાં રિબોક કંપનીના ટાંટિયા ઢીલા થઈ ગયા અને હવે પછી રિબોકનાં જૂતાંના ખોટાં ગુણગાન નહીં ગાય તેવું કબૂલ કરીને R ૧૨૭ કરોડનો દંડ ભરીને સમાધાન કર્યું છે. અમેરિકામાં ફેડરલ ટ્રેડ કમિશનનું બ્યુરો ઓફ કન્ઝયુમર પ્રોટેક્શન છે. તે ટૂથપેસ્ટથી માંડીને દવાઓ, તેમજ શોપિંગ મોલો વધુ પડતી બડાઈઓ મારે છે તેના કાન પકડે છે. પણ ભારતમાં બધી પોલ ચાલે છે.
વૉલમાર્ટના નાનાભાઈ જેવી કંપની ‘આસડા’ બ્રિટનમાં છે. તેનો દાવો હતો કે તે બ્રિટનમાં ‘આસડા’ (એ.એસ.ડી.એ)ના સ્ટોર ખોલીને ૨૫,૦૦૦ નવી નોકરી પેદા કરશે. આ દાવાની પોકળતા બ્રિટિશ રિટેલ ફોરમે ખુલ્લી કરી છે. શોપિંગ મોલે નવી નોકરી તો પેદા કરતાં કરી પણ તે પહેલાં જ હજારો નાની દુકાનો બંધ થઈ જાય છે.
કેલિફોર્નિયાની એક સંસ્થાએ કહ્યું છે કે શોપિંગ મોલ ખૂલવાથી નોકરોનાં શોષણ થકી ૧૦.૫ કરોડ ડોલરની કામદારોની આવક અર્દશ્ય થઈ ગઈ છે. ઉપરાંત જે સરકાર તરફથી ૨૨.૧ કરોડનો લાભ મળે છે તે શોપિંગ મોલ તાણી જાય છે. સાનફ્રાિન્સસ્કો ક્રોનિકલની રિપોર્ટર કહે છે કે ‘શોપિંગ મોલ નીચા ભાવે ચીજો વેચે છે તે ટેક્સ ભરનારાને ભોગે વેચે છે. કેલિફોર્નિયા યુનિ.નો અભ્યાસ કહે છે કે વૉલમાર્ટને સરકાર તરફથી જે સબસિડીનો લાભ મળે છે તેનો ૮.૬ કરોડ ડોલરનો બોજ જનતા પર પડે છે. ન્યુયોર્ક ટાઈમ્સ કહે છે કે અમેરિકામાં જે ટિનેજરો પિસ્તોલ કે બંદૂકો વાપરે છે તે ગન્સના સૌથી મોટા વેચનારા વૉલમાર્ટના સ્ટોરો છે! ન્યુયોર્ક ટાઈમ્સના શબ્દો-વૉલમાર્ટ ઇઝ અમેરિકાઝ લાજેઁસ્ટ ગન સેલર એ ડાયરેકટ કોન્ટ્રિબ્યુશન ટુ કોમ્યુનિટી ડિસ્ટ્રિકશન- કેવો જબરો આક્ષેપ.
ભારત, પાકિસ્તાન અને પૂર્વ યુરોપથી ખોટી રીતે અમેરિકામાં ઘૂસીને (ગેંગ માસ્ટરોને પૈસા આપીને) નોકરીએ રહેનારાનું શોષણ શોપિંગ મોલો કરે છે. ઓછામાં ઓછા પગાર આપે છે. ડોન પોલાર્ડ નામનો ટ્રેડ યુનિયનનો કાર્યકર્તા કહે છે કે આ રીતે ગેરકાનૂની કર્મચારીઓ આવતા જો બંધ થાય તો પછી શોપિંગ મોલને તાળાં લાગી જાય ! શોપિંગ મોલના આવા કર્મચારી કોઈ યુનિયનમાં જોડાઈ શકતા નથી જોડાય તો નોકરીમાંથી પાણીચું મળે છે. ‘કોર્પોરેટ વૉચ’ નામની સંસ્થા કહે છે કે વૉલમાર્ટ ઇઝ વેરી બેડ એમ્પ્લોયર એન્ડ પરચેઝર. શોપિંગ મોલની નોકરી અસ્થિર છે. વળી જે જે ગરીબ દેશો પાસેથી માલ ખરીદે છે તેની સાથે વૉલમાર્ટ લેખિત કોન્ટ્રાકટ કરતા નથી. વૉલમાર્ટ માલના પૈસા મોડા મોડા આપે કે ઓછા આપે તો કંઈ કરી શકાતું નથી. વૉલમાર્ટના હરીફ શોપિંગ મોલને ખેડૂતો માલ વેચી શકતા નથી.
ચીલીના એક નિકાસકારે કહ્યું કે હું ટેસકો અને આસ્ડાના સ્ટોરને માલ આપું છું તે બંને શોપિંગ મોલને પોતાના બિઝનેસનું જ રક્ષણ કરવું છે. હું જો બીજા કોઈ હરીફ શોપિંગ મોલને મારો માલ ઊંચા ભાવે વેચું તો તુરંત મને આ બંને શોપિંગ મોલ જ મંૂઝવે છે કે ધમકી આપે છે કે ‘હવે તારો માલ નહીં ખરીદીએ.’
આપણા સોની મહાજનો કેમ ચૂપ છે? આ બધા શોપિંગ મોલ સસ્તા સોનાના ગેરંટેડ ઘરેણાં વેચશે. સોનાની બ્રાન્ડેડ લગડીઓ વેચશે. એટલું જ નહીં પણ જુના સોનાનાં ઘરેણાં દેશમાંથી ઉસરડીને યુરોપ-અમેરિકા ભેગા કરશે. કોઈએ સોનીબજાર પરનો ખતરો વિચાર્યો છે ?
ચીનમાં વૉલમાર્ટ માટે ચીજો બને છે તે ઘણી ચીજોમાં ડેન્જરસ કેમિકલ્સ વપરાય છે તેનું કોઈ જ ચેકિંગ થતું નથી. યુ.એસ. નેશનલ લેબર કમિટી કહે છે કે ‘વૉલમાર્ટ’ માલ ખરીદવા કે વેચવા ચીન જાય કે ક્યાંય પણ પરદેશમાં જાય તે ઊલટાના વેતનના સ્ટાન્ડર્ડ એકદમ ઘટાડી નાંખે છે. (સ્લેશિંગ વેજીસ એન્ડ બેનિફિટ્સ) કામદારોને ઓવરટાઈમના પૂરા પૈસા આપે નહીં. ગમે ત્યારે કર્મચારીને કાઢી મૂકે છે. વૉલમાર્ટ આવતાં ભારતમાં રોજગારી વધશે તે ભ્રમ છે, છેતરપિંડી છે.
ભારતમાં કે અમેરિકામાં જે ચીનમાં બનેલાં રમકડાં વેચાશે કે વેચાય છે તે વૉલમાર્ટ માટેના પ્લાસ્ટિકના રમકડાંના ચીની કામદારોને ઓછામાં ઓછો પગાર મળે છે. ‘સેન્ટ વિન્સેન્ટ અને બીજા ટાપુઓના જુના મોલ વૉલમાર્ટે ખરીદ્યા પછી અમારા ટાપુના અર્થતંત્રમાં ખરાબ અસર પડી છે’ તેમ ત્યાંના વડાપ્રધાન રાલ્ફ ગોનસ્લાવઝ કહે છે.
વૉલમાર્ટ સ્ટોર ખોલી પછી ગંદી હરીફાઇ કરી તમામ સ્પર્ધકોને કાઢી મૂકે છે. પછી ઊંચા ભાવે માલ વેચે છે. વળી ટાપુમાં પાકતા કેળાના ઓછામાં ઓછા ભાવ આપે છે. કોર્પોરેટ ક્રાઇમને ખુલ્લા પાડનારી એક સંસ્થા કહે છે કે ‘બ્રિટનમાં સુપર માર્કેટોએ (શોપિંગ મોલો) ખેતીવાડીનો સત્યાનાશ વાળ્યો છે. ખેડૂતોનાં હિતોનું શોષણ થાય છે. નેશનલ બ્રિટિશ ફાર્મર્સ યુનિયન કહે છે કે ખેડૂતો પાસેથી ૧૧ પૌંડમાં માલ ખરીદીને તે જ માલ શોપિંગ મોલમાં ૩૭ પૌંડના ભાવે (લગભગ ચારગણા) વેચાય છે! એવું શોષણ કરનારી કંપનીના નામ ખેડૂતો ખુલ્લાં પાડતા નથી. ડરે છે કે ‘પછી અમારો માલ નહીં ખરીદે તો’. હજીય ડૉ.. મનમોહનને અંદરખાનેથી આ વિદેશી મોલનું આકર્ષણ છે. તેના મનનું પાપ કાઢવું જરૂરી છે, સોનિયા, તમે સાંભળો છો?