પાકિસ્તાનના ભીષણ જળપ્રલય માટે અમેરિકા-બ્રિટનને બાદ કરતાં યુરોપના કોઈ દેશે મોટી સહાય આપી નથી. મંદી ઉપરાંત તેની પાછળનું કારણ પાકની ભ્રષ્ટ અને ગેરવહીવટની ઊંડી છાપ છે. સાધનોની વ્યાપક તંગી છતાં ઇસ્લામાબાદ શત્રુતાનું રાજકારણ છોડી શકતું નથી. ગમે તેટલી સહાય મળે તો પણ સ્થિતિ પૂર્વવત્ થઈ શકવાની નથી. અફઘાન યુદ્ધ, ઇસ્લામિક જેહાદ, ૯/૧૧ની ઘટના પછી પાકના સામાજિક, આર્થિક, રાજકીય તાણા-વાણા વીંખાતા જઈ રહ્યા છે.
ગયા જુલાઈ માસથી પાકિસ્તાનમાં સર્જાયેલા અભૂતપૂર્વ જળપ્રલયે દેશના એક પંચમાશ વિસ્તારને ડૂબાડી દીધા છે. આ મેઘતાંડવને પરિણામે સરહદ પ્રાંતેથી માંડી છેક સિંધ સુધીના હજારો માઈલોના વિસ્તારના રસ્તાઓ, પુલો, રેલવેલાઈનો, શાળાઓ, હોસ્પિટલો તથા ઊભા પાકનો નાશ થયો છે. લગભગ સાત લાખ ઉપરાંત ઘરો નાશ પામ્યાં છે. લાખો માનવીઓ બેઘર બની નિરાશ્રિત છાવણીઓમાં પડ્યા છે. લગભગ ૩૫ લાખ બાળકો સામે ભૂખમરો તથા બીમારીનો ભય ઝઝૂમી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે બે કરોડ ઉપરાંત લોકોને અસર પહોંચી છે. આ સંકટને પહોંચી વળવા રાષ્ટ્રસંઘે તાકીદની સહાય તરીકે ૪૫.૯ કરોડ ડોલરના ફંડ માટે આંતરરાષ્ટ્રીય અપીલ કરી છે. સિંધુએ વેરેલા વિનાશમાંથી દેશને પુન: બેઠો કરવા કેટલા લાખ કરોડો રૂપિયા જોઈશે તેની તો ખબર નહીં પરંતુ પાકને ફરી ઊભા થવામાં વર્ષો તો જરૂર લાગશે.
સૌથી મોટી મુશ્કેલી એ છે કે રાષ્ટ્રસંઘના મહામંત્રી સહિત અન્ય આંતરરાષ્ટ્રીય આગેવાનોની અપીલો છતાં જે ઝડપથી અને જે પ્રમાણમાં સહાય આવવી જોઈએ તે આવતી નથી. અમેરિકા તથા બ્રિટનને બાદ કરતાં યુરોપના અન્ય કોઈ દેશે મોટી રકમ સહાય ફંડમાં આપી નથી. આ પરિસ્થિતિ માટે બે કારણો પણ છે. (૧) અમેરિકા તથા પશ્ચિમનાં અર્થતંત્રો જે મંદીમાંથી પસાર થઈ રહ્યાં છે તે કારણે રાહતફંડોનો દોર ધીમો તથા પાતળો છે અને (૨) ભ્રષ્ટાચાર તથા ગેરવહીવટની ઊંડી છાપ ધરાવતા પાકના વહીવટીતંત્ર અંગે પશ્ચિમી રાષ્ટ્રોમાં એવી લાગણી છે કે રાહતની મોટા ભાગની રકમ ચાંઉ થઈ જવાની સંભાવના હોવાથી સરકારને બાદ કરતાં યુરોપ-અમેરિકાના આમ નાગરિકો સહાય આપતા અચકાઈ રહ્યા છે.
આ ઉપરાંત જે ઝડપથી ઝરદારી તથા તેમની સરકાર અપ્રિય થતા રહ્યા છે તે પછી આ અભૂતપૂર્વ કટોકટીનો લાભ ઉઠાવી તાલિબાનો સત્તા કબજે કરી લેશે તેવી દહેશત પણ પશ્ચિમને લાગી રહી છે. સામી બાજુ તાલિબાનો તથા અન્ય જેહાદીઓ મોકાનો લાભ લેવા બરાબર કમર કસી રહ્યા છે. સરકારની મંદ રાહત કામગીરી સામે લશ્કરે તોઈબા તથા જૈશ-એ- મોહંમદ સહિત તહેરિકે- તાલિબાનના સેંકડો સ્વયં સેવકો પૂરગ્રસ્તોને રાહત પહોંચાડવામાં લાગી ગયા છે. તાલિબાનોએ તો પશ્ચિમી રાષ્ટ્રોની રાહત-સહાયનો વિરોધ તથા બહિષ્કાર કરવાની જાહેર આપીલ કરી હતી. દરમિયાન સહાય પહોંચાડવામાં થઈ રહેલા અક્ષમ્ય વિલંબને કારણે સંખ્યાબંધ સ્થળોએ સરકારવિરોધી પ્રદર્શનો થવા લાગ્યાં છે.
અલબત્ત આ પરિસ્થિતિ માટે સરકારની અણઆવડત તથા ભ્રષ્ટાચાર જવાબદાર તો છે જ પરંતુ એ વાત પણ સ્વીકારવી રહી કે આફત એવડી મોટી છે કે જેને પહોંચી વળવાનાં સાધનો તેની પાસે તો નથી . સાધનોની વ્યાપક તંગી છતાં ઇસ્લામાબાદ શત્રુતાનું રાજકારણ છોડી શકતું નથી તે પણ નોંધવું રહ્યું. ભારતે R ૨૩ કરોડની સહાયની જે ઓફર કરી હતી તેનો સ્વીકાર કરવામાં જે વિલંબ તેણે કર્યો હતો. આ સંબંધમાં પાકની માનસિકતા સમજવા માટે ઉર્દૂ દૈનિકમાં પ્રગટ થયેલા એક તંત્રીલેખ પર નજર નાંખવી રહી. જળપ્રકોપ માટે પણ ઇસ્લામાબાદ ભારતને જવાબદાર માનતું હોવાથી આ તંત્રીલેખ જણાવે છે ‘આ સહાયની ઓફર અમારા ઘા પર મીઠું છાંટે છે... ભારત સિંધુના પાણીનો ઉપયોગ એક શસ્ત્ર તરીકે કરે છે.
ક્યારેક પાણીની ચોરી કરી તે પાકને રણમાં ફેરવવાનો પ્રયાસ કરે છે તો ક્યારેક રાવિ નદીમાં વધુ પાણી છોડી ડૂબાડી દેવા માગે છે...’ ગયા અઠવાડિયે એક સરકારી પ્રવકતાએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું... જો ભારતને રોકવામાં નહીં આવે તો સમગ્ર પાકિસ્તાન ધોવાઈ જશે...’ આ પૂર આવ્યું તે પહેલાં લશ્કરે-એ-તોઈબાના સ્થાપક હાફઝિ મહંમદ સૈયદે પાણીના પ્રશ્ને ભારત સામે જેહાદ છેડવાની હાકલ કરી હતી.
આ સંકટની અર્થવ્યવસ્થા પર થનારી અસર અંગે રાષ્ટ્રીય અખબાર ‘ડોન’ જણાવે છે કે, પાકના નાણાં મંત્રાલયની ગણતરીઓ હતી કે ૨૦૧૦-૧૧ના વર્ષનો રાષ્ટ્રીય વિકાસ દર ૪.૫ ટકા રહેશે તથા વર્ષના અંતે ફુગાવો ૧૨.૪ ટકાથી ઘટી ૯.૫ ટકા થઈ રહેશે પરંતુ હવે આ પૂર પછી વર્ષના અંતે વિકાસદર શૂન્ય થઈ જશે અને ફુગાવો રપ ટકા ઉપર પહોંચી જશે.’ ૧૯૭૦માં અવિભક્ત પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં આવેલા આવા જ અભૂતપૂર્વ વાવાઝોડા તથા વરસાદે દેશનો નકશો બદલી નાખ્યો હતો. આ રાષ્ટ્રીય આફત દરમિયાન જનરલ યાહ્યાખાનની સરકાર બંગાળની જનતાને રાહત પહોંચાડવામાં સરિયામ નિષ્ફળ જતાં જે આમ આક્રોશ ફાટી નીકળ્યો હતો તેને પરિણામે બાંગ્લાદેશનો જન્મ થયો હતો.
સિંધુના જળપ્રલયે જે મહાવિનાશક પરિસ્થિતિઓનું સર્જન કર્યું છે તે અંતે કયો ઈતિહાસ રચશે તે કહેવું અત્યંત મુશ્કેલ છે. અમેરિકા સહિત પશ્ચિમી રાષ્ટ્રની ગમે તેટલી વિપુલ સહાય મળે તો પણ પરિસ્થિતિ પૂર્વવત્ થઈ શકવાની નથી. આમ પણ ૧૯૭૯ના વર્ષથી શરૂ થયેલા અફઘાન યુદ્ધ અને ત્યારબાદ આવતી રહેલી ઇસ્લામિક જેહાદ અને ૯/૧૧ની ઘટના અને અમેરિકાના અફઘાનિસ્તાન પરના આક્રમણ પછી પાકના સામાજિક, આર્થિક અને રાજકીય તાણા-વાણા વિખાતા રહ્યા છે. તેમાં ૨૦૦૫નો ભૂકંપ અને હવે આ જલપ્રલયે નવો મરણતોલ ફટકો માર્યો છે. કમનસીબે તેની નાગરિક કે લશ્કરી નેતાગીરી આ પ્રચંડ પડકાર ઉપાડી લેવા સક્ષમ રહી નથી!’