કિંગફિશર એરલાઈન્સના હાલના સંકટ માટે તેનું મેનેજમેન્ટ ઘણે અંશે જવાબદાર હોય એ સંભવિત છે. પરંતુ એ હકીકત છે કે માત્ર એરલાઈન જ મુશ્કેલીમાં નથી, ભારતનો સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયેલો છે.
બળતણના વધતા ભાવ, સ્થાનિક માર્કેટમાં ગળાંકાપ સ્પર્ધાને લીધે ઓછું ભાડું રાખવાની મજબૂરી અને રૂપિયાની ઘટતી કિંમતને લીધે સર્વિસને લગતી આયાતી વસ્તુઓ પર લાગતા વધુ ખર્ચને લીધે તેની આવક પર મોટો કાપ મૂક્યો હતો. એટલે આજે કિંગફિશર જે મુશ્કેલીમાં ફસાઈ છે, તેમ આગામી દિવસોમાં બીજી ઘણી એરલાઇન્સની સ્થિતિ થઈ શકે છે એવી સામાન્ય દહેશત પ્રવર્તી રહી છે.
નીતિઓના સ્તરે સરકારી દખલગીરીને લીધે આ સ્થિતિ સર્જાતી હોય છે એ સ્પષ્ટ છે. પરંતુ આ દખલગીરી એમ કંઈ દૂર થાય એવી નથી. પહેલી વાત તો એ છે કે કેટલીક બાબતો માટે ઉડ્ડયન ક્ષેત્રમાં સહમતી નથી. કિંગફિશર ઇચ્છે છે કે ડોમેસ્ટિક એરલાઈન્સમાં વિદેશી એરલાઈન્સને રોકાણ માટેની મંજૂરી આપવામાં આવે પણ કેટલીક એરલાઈન્સ તેનો વિરોધ કરી રહી છે. બીજી વાત એ કે આવાં પગલાં માટે રાજકીય સંમતી સધાવાની સંભાવના જણાતી નથી.
ભાજપ અને ડાબેરી પક્ષોએ સંકટગ્રસ્ત એરલાઈનને બેલઆઉટ પેકેટ આપવા બાબતે પોતાનો તીવ્ર વિરોધ દર્શાવ્યો છે, પરંતુ એર ઇન્ડિયાને આવું પેકેજ આપવા માટે સરકાર કાયમ તૈયાર હોય છે તો સવાલ એ છે કે એ વખતે તેનો જોરશોરથી વિરોધ કેમ કરાતો નથી? કે તેનાથી માર્કેટમાં સરખી સ્પર્ધાની સ્થિતિને અસર થતી નથી? ખરેખર જોઈએ તો સમસ્યા ગંભીર છે અને આ મામલે સમગ્રતાથી વિચારણા થવી જોઈએ.
આ દિશામાં સૌ પહેલું પગલું એ હોઈ શકે છે કે સરકાર ઉડ્ડયન ઉદ્યોગની સ્થિતિ માટે એક શ્વેતપત્ર જારી કરે, જેના થકી વપિક્ષ તેમજ આખો દેશ સાચાં કારણોથી જાણકાર બને. એ પછી આ ઉદ્યોગ સાથે જોડાયેલા બધા પક્ષો અને ગ્રાહકો સહિત તમામ હિત ધરાવતાં જૂથોના વિચારો જાણ્યા પછી જરૂરી હસ્તક્ષેપ માટેની નીતિ નક્કી થવી જોઈએ. દેશ આ ઉદ્યોગને ડગમગતી હાલતમાં નોંધારો છોડી શકે તેમ નથી.