Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

પાકિસ્તાનીઓને ફિક્સિંગનો રોગચાળો

 
Source: Aas pass, Kanti Bhatt   |   Last Updated 12:45 AM [IST](01/09/2010)
 
 
 
 
 
તેના ક્રિકેટરો, વડાપ્રધાનો કે પ્રમુખોના ભ્રષ્ટાચાર કદી છુપા રહ્યા નથી

ડાયોજિનીસ નામના ફિલસૂફે કહેલું કે મોટા ચોરો જ નાના ચોર પેદા કરે છે. વળી, ચોર માને છે કે બધા ચોરી કરે છે તો હું કેમ ચોરી ન કરું? પાકિસ્તાનમાં આજે આવી હાલત છે તેથી જ ચાર પાકિસ્તાની ક્રિકેટરો લંડનમાં R ૧૮૦ કરોડની રકમ જુગારીઓ પાસેથી લઈને ઈંગ્લેન્ડ સામેની મેચ હાથે કરીને હારી ગયા હતા. પાકિસ્તાનની મિલિટરી ચોર છે. તેના પ્રમુખ એક વખત જેલમાં ગયેલા. તેના રાજકારણીઓ ચોર છે. પાકિસ્તાની વેપારીઓ અને રાજકારણી જ નહીં મિલિટરીમેનોના બચતના પૈસા પાકિસ્તાની બેન્ક કરતાં સ્વિસ બેન્ક અને મોરેશિયસમાં વધુ જમા છે. પ્રમુખ આસફિ ઝરદારીની મિલકતો પરદેશમાં વધુ છે. સૌથી મોટો ચોર પાકિસ્તાનની મિલિટરી છે.

બી.બી.સી.ના પત્રકાર ઓવેન જોન્સે કહેલું કે પાકિસ્તાની સરકારના ૧૯૪૭થી ૧૯૫૯ સુધીના કુલ ખર્ચમાંથી ૭૩ ટકા મિલિટરી ઉપર ખર્ચાયા છે, પણ તે પછી કંઈ જ બદલાયું નથી. છેલ્લા બ્રિટિશ હાઈકમિશનના અહેવાલ પ્રમાણે પાકિસ્તાની જાસૂસી તંત્ર આઈએસઆઈ પાક. સરકારના કુલ ખર્ચમાંથી ૭૦ ટકા પોતાના ખાતા ઉપર ખર્ચે છે.

પરિણામ શું આવ્યું છે? પાકિસ્તાનના તમામ નાના મોટાની મોરાલિટી તૂટતી જાય છે. આ તારણ મારું નથી. બ્રિટનના ખ્યાતનામ સ્પોર્ટ્સ અને પોલિટિકસ રિપોર્ટર સ્કિલ્ડ બેરીએ ‘સિડની મોર્નિંગ હેરલ્ડ’ (ઓસ્ટ્રોલિયા)ને કહ્યું કે પાકિસ્તાનીઓની વફાદારી દેશ પ્રત્યે નથી. દરેક જણ તેની કારકિર્દી જરાક ઊજળી થાય ત્યાં યેનકેન પ્રકારે બની શકે તેટલા પૈસા બનાવે છે. આવું હોય ત્યાં ક્રિકેટરો તેમાંથી ક્યાંથી બાકાત હોય? એ પૈસા પાકિસ્તાનને બદલે વિદેશી બેન્કોમાં જમા કરે છે.

સ્કિલ્ડ બેરી લખે છે કે દુબઈની હોટેલમાં પાકિસ્તાની ક્રિકેટરોને રોકડા નાણાં અપાય છે, એટલું જ નહીં પણ તેમને મુંબઈની મોડેલો કે રૂપાળી છોકરી ઓફર થાય છે. પછી તે મોજ કરતા હોય તેના ફોટા પાડી ક્રિકેટરોને બ્લેકમેલ કરાય છે. પાકિસ્તાની ક્રિકેટરો કે પાકિસ્તાનના વડા પ્રધાનો કે પ્રમુખોના ભ્રષ્ટાચાર કદી છુપા રહ્યા નથી.

કવિ ઇમરસને કહેલું, ‘તમે ગમે તેટલો છુપો ગુનો કરો પણ આ પૃથ્વી કાચની બનેલી છે. તમારું કોઈ પણ કર્મ છુપું રહેતું નથી. મલેશિયામાં હું હતો ત્યાં જુની કહેવત હતી કે ‘ગુનો હંમેશાં તેની પાછળ પગેરું મૂકતો જાય છે, તે પકડાઈ જ જાય છે.’ ગુનો કરવો હોય તો તમે ક્રિકેટર તરીકે ટકી શકો નહીં, તે માટે તમારે દાઉદ ઈબ્રાહીમ બનવું પડે.

પાકિસ્તાનમાં અમુક જુની કહેવતો નાકામ બની જાય છે. ત્યાં ગુનેગાર પાછો દૂધે ધોવાઈને પ્રતિષ્ઠિત બની જાય છે. દાઉદ ઈબ્રાહીમે તેની પુત્રી પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદના પુત્રને પરણાવી છે. આ જાવેદ મિયાદાદને મેં ૧૯૮૫-૯૦ના દાયકામાં શારજાહમાં મેચફિક્સિંગ કરતો સાંભળ્યો છે. ત્યારે દાઉદ ઈબ્રાહીમને શારજાહના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાસ વેચાતા લીધેલા તેના ૧લા માળના બોક્સમાં મિત્રો સાથે જુગાર રમતો જોયો હતો. આજે લંડનનું એક અખબાર માને છે કે લંડનની તાજેતરના મેચફિક્સિંગમાં દાઉદ કરોડો કમાયો છે.

જાવેદ મિયાદાદ જેના હાથ મેલા છે તે હવે કહે છે કે ‘પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ભ્રષ્ટ ક્રિકેટરો સામે પગલાં લેતું નથી અને હવે હું ભ્રષ્ટ વકાર યુનુસની જગ્યાએ પાકિસ્તાની ટીમનો કોચ બનવા તૈયાર છું!’ દાઉદ ઈબ્રાહીમ માટે મિયાદાદ નામનો વેવાઈ જ પાક. ટીમનો કોચ બને તો ઘરના જતિ અને ઘરનો ભૂવો જેવો ઘાટ થશે.

વળી, જુગાર ક્યાં રમાતો નથી? અમદાવાદમાં મોટાં જુગારખાનાં નરેન્દ્ર મોદીના ઓફિસરોની કૃપાથી ચાલે છે તો પછી લાહોરમાં (પાકિસ્તાન) લંડનના ‘ડેઈલી મેઈલ’ના કહેવા મુજબ ૧૧૫૦ જેટલા ગેમ્બલિંગના અડ્ડાચાલે જ ને! લાહોરના જુગારના અડ્ડામાં રિક્ષા ચલાવનારાથી માંડીને સરકારના સચિવો અને ઓફિસરો પણ હોય છે. પાકિસ્તાનમાં જુગારીઓ તરફથી નવાસવા ક્રિકેટરોને એક કલ્પનામાં ન આવે તેવું જોખમ હોય છે.

જયોફ લોસન નામના પત્રકારે ઓસ્ટ્રેલિયન દૈનિકને કહ્યું કે જુગારના બુકીઓ મેચ ફિક્સ કરવા માગતા હોય અને કોઈ ક્રિકેટર તૈયાર ન થાય તો તેને ધમકી અપાય છે કે ‘જો તું અમે કહીએ તેમ મેચ હારી નહીં જાય તો તારી બહેનનું અપહરણ થઈ જશે!’ જો બુકી કહે તેમ કરે તો માલામાલ થઈ જાય છે. પાકિસ્તાની -ટેસ્ટ-ક્રિકેટરને ટેસ્ટ મેચ રમવાના મહિનાના ફક્ત ૭૫૦ પાઉન્ડ મળે છે, ત્યારે ઇંગ્લેન્ડના ખેલાડીને ૧૦૦૦૦ પાઉન્ડ (રૂ. સાડા આઠ લાખ, પાક. R ૧૫ લાખ). લંડનની મેચમાં મેચફિક્સિંગમાં પકડાયેલા ક્રિકેટરો માટે ખૂબ ખૂબ હો..હા થશે. પછી શમી જશે. આવી હો..હા વાસીમ અકરમ અને વકાર યુનુસે મેચફિક્સિંગ કર્યું ત્યારે થયેલી. સ્પિન બોલર મુસ્તાક અહમદે મેચ ફિકસ કરેલી. આ ત્રણેય ખેલાડીને ૨૦૦૦માં હાઈકોર્ટે દંડ ફટકારેલો. આજે શું છે? વાસીમ અકરમ ટી.વી.નો મોટો ક્રિકેટ ઉસ્તાદ બન્યો છે. મુસ્તાક અહમદ ઇંગ્લેન્ડના સ્પિન બોલરોનો તાલીમી બન્યો છે. વકાર યુનુસ દૂધે ધોવાઈને પાક. ટીમનો કોચ બન્યો છે!

ક્રિકેટ એ માત્ર રમત રહી નથી. તેમાંથી પૈસાનો મોટો દલ્લો તમામને મળે છે. ઇંગ્લેન્ડમાં હવે પછીની વન-ડે મેચ આ રવિવારે પાકિસ્તાન રમશે જ. ભ્રષ્ટાચાર થકી પાકિસ્તાનની ટીમનો બહિષ્કાર નહીં થાય. શું કામ? તમામ વન-ડે મેચોની ટિકિટો રોજના R ૧૫૦૦૦ના ભાવે વેચાઈ છે. જાહેરખબરોના કોન્ટ્રાકટો, વન-ડે મેચો માટેની સ્પોન્સરશિપ વગેરેના R ૧૦૦ અબજ મળેલ છે તેથી ભ્રષ્ટ ક્રિકટરો સાથે ઇંગ્લેન્ડ રમશે જ, રમવું પડશે. શાહીદ આફ્રિદી વન-ડે મેચનો કેપ્ટન થશે.

આ આફ્રિદી પણ ઓસ્ટ્રેલિયામાં બોલને કરડતો પકડાયો હતો.મહાન સંગીતકાર કલ્યાણજી (આણંદજી) ભાઈએ અમને કહેલું કે ક્રિકેટનો જુગાર કેમ રમાય છે તેની કલ્પના નહીં આવે. ટોસ જીતવાથી માંડીને મેઈડન ઓવર જશે કે નહીં, નો બોલ થશે કે નહીં તે તમામ વાત પર જુગાર રમાય છે. આ બહુ જુની રીત છે. બે માખી દીવાલ પર ચઢતી હોય અને કઈ માખી દીવાલ પર પ્રથમ પહોંચશે, તેના જુગારથી માંડીને ડર્બીના ઘોડાની રેસમાં કયો ઘોડો આઠમો આવશે (પ્રથમ નહીં) તેના ઉપર પણ જુગાર રમાય છે તેમ ડેઈલી મેઈલ તેના ૩૧-૮-૧૦ના અંકમાં લખે છે.

‘ડેઈલી મેઈલ’નો પત્રકાર ક્રિકેટ જોતો હતો ત્યારે તેના પાકિસ્તાની મિત્રે પત્રકારને કહ્યું ‘જોજે હવે પછી જે બોલ ફેંકાય તે ‘નો બોલ’ ફેંકાશે!’ તમામ વન-ડે ક્રિકેટ મેચની પ્રથમથી જ ફિલ્મની વાર્તાની પટકથા લખાય તેમ સ્ક્રિપ્ટ લખાઈ જાય છે. તે પ્રમાણે જ મેચ રમાય છે અને હાથે કરીને હારી જવાય છે. કરોડો જીતી જવાય છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.