ર-જી સ્પેકટ્રમ ગોટાળામાં ગૃહમંત્રી પી.ચિદમ્બરમ્ નીચલી અદાલતથી છુટી ગયાનાં અર્થઘટનો મહત્વનાં છે. તેનાથી રાજકીય અસ્થિરતા હાલ પૂરતી અટકી ગઈ છે.
જો ન્યાયાધીશ ઓ.પી.સૈની એવા તારણ પર પહોંચ્યા હોત કે આ ગોટાળામાં ચિદમ્બરમની શંકાસ્પદ ભૂમિકા છે, તો સામૂહિક જવાબદારીના સિદ્ધાંત હેઠળ તેની ઝાળ વડાપ્રધાન સુધી પહોંચી હોત. તેનો બીજો સંદેશો એ છે કે કાયદો અને રાજકારણ બંનેને જુદા રાખીને જોવાવા જોઈએ. અદાલતો કોઈ ધારણાથી પ્રભાવિત થઈને નિર્ણયો કરતી નથી, નક્કર સાક્ષીઓ-પુરાવાના આધારે નિર્ણયો કરે છે.
સુપ્રીમ કોર્ટ સામે એ વાતના પુરાવા હતા કે ર-જી સ્પેકટ્રમની ફાળવણીમાં ગોટાળો થયો છે, જેને લીધે તેના હેઠળ અપાયેલાં ૧૨૨ લાઈસન્સ તેણે રદ કરી દીધાં. ઓ.પી.સૈનીની અદાલત એ તારણ પર હતી કે આ ગોટાળા માટે ચિદમ્બરમની કોઇ ગુનાઈત ભૂમિકા નથી, એટલે તેમને મુકત કરી દીધા છે. આ બંનેય ચુકાદાઓને તમામ પક્ષોએ આદરપૂર્વક સ્વીકારવા જોઈએ. અરજી કરનાર સુબ્રમણ્યમ સ્વામીએ બે મુદ્દાના આધારે ચિદમ્બરમ્ સામે તપાસ કરવાની અપીલ કરી હતી.
પ્રથમ એ કે સ્પેકટ્રમની ફાળવણી ર૦૦૧ના ભાવોના આધારે કરવાના નિર્ણયમાં તત્કાલીન નાણામંત્રી તરીકે ચિદમ્બરમ્ સામેલ હતા. પછી બે કંપનીઓ સ્વાન અને યુનિટેકને સ્પેકટ્રમ મળ્યા કે તરત જ તેમને પોતાના શેર વેચવાની મંજૂરી તેમણે જ આપી હતી. પરંતુ અદાલતમાં એ સાબિત ન થઈ શક્યું કે આ નિર્ણયોની પાછળ પોતે કે અન્ય કોઈને આર્થિક લાભ પહોંચાડવાનો ઇરાદો હતો.
આમ છતાં વિરોધપક્ષોને એવું માવાનો અધિકાર છે કે ચિદમ્બરમ્ છુટી જતાં યુપીએ સરકારની ભ્રષ્ટ છબિ દૂર થઈ જવાની નથી. અદાલતો આવા વ્યાપક અને મનઘડંત તર્કોના આધારે કેસના નિવેડા લાવી શકતી નથી. ભારતીય ન્યાયતંત્રની ઊંચી પ્રતિષ્ઠા એટલા માટે છે કે તે પોતાને રાજકીય વિવાદોથી ઉપર રાખે છે. ર-જી કૌભાંડમાં અદાલતોએ વિવિધ સ્તરોએ તેને સમર્થન આપ્યું છે.