Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Abhivyakti >> Aas-Pass
 

એશિયા જ નહીં યુરોપમાંય સેક્સ - સ્લેવ છે

 
Source: AssPass, Kanti Bhatt   |   Last Updated 12:33 AM [IST](04/08/2010)
 
 
 
 
 
૨૧મી સદીમાંય ગૃહિણીને વેશ્યા, ગુલામ કે વગર પગારની રસોઈયણ બનાવાય છે

મનુ ભગવાને કહેલું ન સ્ત્રી સ્વાતંત્રયમ્ અર્હતે? સ્ત્રી સ્વતંત્રતાને લાયક નથી. તાત્પર્ય કે સ્ત્રી તાબામાં જ સારી. વિષમ અર્થ લઈએ તો-સ્ત્રીને ગુલામ રાખવી! ગામડામાં અમે કહેવત સાંભળતા કે સ્ત્રી તો તાડનની અધિકારી છે. ધોકે નાર પાંસરી ધોકે ડોબું (ભેંશ) દોહવા દે છે... વગેરે. ૨૩મી જુલાઈ ૨૦૧૦ના રોજ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ એ.કે. ગાંગુલી અને જસ્ટિસ જી.એસ સિંઘવીએ બ્યુરોક્રેટોનો કાન આમળેલો કે હાઉસવાઈવ્ઝને (ગૃહિણીઓ) વેશ્યાઓ, ભિખારીઓ, અને કેદીઓના વિભાગમાં જ આંતરી લીધી છે તે ખોટું છે, પરંતુ બ્યુરોક્રેટોએ અજાણતાં જ ભારતીય જ નહીં પણ ઘણા એશિયન કે આફ્રિકન દેશો ઉપરાંત અમેરિકા-યુરોપમાં પણ આજેય સ્ત્રીઓ વચ્યુંઅલ વેશ્યાઓ છે કે પુરુષોની ‘કેદ’માં રહે છે તે સત્ય ઉચ્ચાયું છે. ૨૧મી સદીમાં મુંબઈ, દિલ્હી કે ચેન્નઈ જેવાં શહેરોમાં ગૃહિણીઓ પ્રત્યે અમુક પતિઓ કે સાસુ-સાસરાનું વર્તન બ્યુરોક્રેટોએ જે વર્ગ સાથે ગૃહિણીને આંતરી છે તેવું જ છે. ગુજરાતી ઘરોમાં તો સ્ત્રીઓ માત્ર વગર પગારની રસોઈયણ અને પથારીની સાથીદારથી વિશેષ કંઈ નથી.

અમેરિકા તો આપણા દેશ કરતાંય આ બાબતમાં ઘૃણાસ્પદ વર્તન કરે છે. ૧૮-૦૭-૧૦ના લંડન ટાઈમ્સમાં દીકરીઓ સાથે બાપ દુવ્ર્યવહાર કરે છે અને વાત એટલી વણસી છે કે ડેટ્રોઈટ શહેરમાં એક માતા તેના ૧૪ વર્ષના પુત્ર સાથે શરીરસંબંધ રાખતી હતી. તાજેતરમાં બ્રિટનની હર્ટફોર્ડશાયર યુનિ.ના પ્રોફેસર કીથ લોઝે વળી, સ્ત્રીનું ‘બહુમાન’ કરીને કહ્યું છે કે ‘વિઝન આર બેટર ઈન મલ્ટી ટાસ્કિંગ’- હા, સ્ત્રીઓ વિવિધ પ્રકારની કામગીરી પુરુષ કરતાં સારી કરે છે. તાત્પર્ય એ કે હવે સ્ત્રી કમાય છે. નોકરી કરીને ઘરે આવી રસોઈ કરે છે. બેડરૂમની સાથીદાર બને છે. પતિ બીમાર પડે તો દવાના ખર્ચનું દેવું સ્ત્રી ઉપાડે છે. સાસુ-સસરાને જ નહીં પોતાનાં મા-બાપને પણ પાળે છે. મુંબઈના સારા ઘરના પતિદેવોએ શેરબજારનું નુકસાન ભરપાઈ કરવા તેમની પત્નીઓ પાસે વેશ્યા જેવું કામ કરાવ્યું છે.

કેટરીના કૈફથી માંડીને ઐશ્વર્યા રાયે પરણ્યા પછી ફિલ્મમાં R ૨ કરોડથી R ૫ કરોડ કમાવવા માટે તેનો ચણિયો દૂંટીથી પોર્નોગ્રાફિક-દૂંટી સુધી નીચો પહેરીને નાચવું પડે છે. એ બધી પડદાની પ્રોસ્ટિટયૂટ છે, પણ હકીકતમાં તો ઘરની પણ બેડરૂમ-સાથીદાર જ છે. બ્રિટનની મહિલા લેખિકા બાર્બરા ટાટે એક આંખ ખોલનારું પુસ્તક લખ્યું છે તે જુલાઈ - ૨૦૧૦માં પ્રગટ થયું છે. તેનો રિવ્યુ સન-ડે-લંડન-ટાઈમ્સમાં આવ્યો છે.

તેમાં લેખિકા પોતાનો અનુભવ લખે છે કે તે ૩ વર્ષની થઈ ત્યારે તેના લોરી ડ્રાઈવર પિતાએ પત્નીને ધમકી આપી કે ઘર છોડીને ચાલી નહીં જાય તો શૂટ કરી દેશે. પછી બાર્બરા (લેખિકા) દાદીને ત્યાં મોટી થઈ. ઘરકામ કરવા માંડી. રૂપાળી હતી. તેને લંડનની વિખ્યાત ઓકસફર્ડ સ્ટ્રીટ પાસેની સોહો ક્લબમાં નોકરીએ રાખવામાં આવેલી. આ વિસ્તાર જૂના જમાનાથી વેશ્યાઓના વસવાટવાળો લત્તો હતો જ્યાં એક જમાનામાં વિલિયમ બ્લેક, વિલિયમ હેઝલીટ અને કાર્લ માર્કસ રહેતા હતા અને કેટલાક ક્રાંતિકારીઓ - સાહિત્યકારો- કવિઓ વેશ્યાની સેવા લેતા હતા. અહીં બાર્બરાને નોકરી મળ્યા પછી સાફસૂફીને બદલે ક્લબના માલિકે ગુલામ બનાવેલી વેશ્યાઓ માટે ઘરાકો શોધવાનું કામ બાર્બરાને સોંપલું. બાર્બરાએ આજે તેના અનુભવોનું પુસ્તક ‘વેસ્ટ એન્ડ ગર્લ્સ’ લખ્યું છે.

આજે પણ સોહો સ્ટ્રીટમાં ઘણી ખરીદાયેલી છોકરીઓ છે. લંડન ટાઈમ્સે ૧૧-૦૭-૧૦ના રોજ સાત ઊંચી ડિગ્રીવાળી સ્ત્રીઓની વાત લખી છે જેને નોકરી કરી કમાવું નથી. કારણ કે ઘરકામ માટે પતિને નોકરાણી પરવડતી નથી અને આ ડબલ ડિગ્રીવાળી સ્ત્રી હાઉસવાઈફ બનીને રહે છે. મેરિલીન મનરો, ગ્રેટા ગાર્બો અને એલિઝાબેથ ટેલર નામની હોલિવૂડની હિરોઈનોની હરોળની અતિ સુંદર બ્રિટિશ અભિનેત્રી એન્જેલીના આજે એક ફિલ્મના R ૧૨૦ કરોડ કમાય છે. તે બચપણમાં ગરીબીમાં ઉછરી હતી. સુંદર હતી. તેની જીવનકથા વેનિટી ફેરમાં છે. ૧૬ની ઉંમરે ઘર છોડીને તેને એક ક્લબમાં ‘‘સેડો-માસોશીઝમ’’ની ઘૃણાસ્પદ હરક્ત કરવી પડતી. સ્ત્રીને ભોગવતાં પહેલાં તેને ખૂબ ચાબુકથી કે છરીથી ઘા કરાય પછીની ક્રૂરતા થકી સ્ત્રીને સેક્સમાં અનેરો આનંદ આવે છે. આનંદ આપે છે. આ માનવંતી અભિનેત્રી આવી ગુલામીનું કામ બ્રિટન જેવા દેશમાં કરતી.

હિમાલયની ખીણમાં સ્ત્રીઓની હાલની હાલત વિશે ન્યુયોર્ક ટાઈમ્સમાં રિપોર્ટ હતો કે ૧૪ વર્ષની બુદ્ધિદેવીને પરણાવી દેવાઈ. તેના પતિના ખેતીકામમાં અને ગાયો ચરાવવામાં બુદ્ધિદેવી મદદ કરતી અને પતિના ભાઈ કે મિત્રો સાથે તેણે તેનું પત્નીત્વ ભાગીદારીમાં ભોગવવા આપવું પડતું. પત્રકાર હરિકુમારે ૨૪ જુલાઈના રિપોર્ટમાં આ સત્ય લખ્યું છે. પંજાબ- ઉત્તર પ્રદેશમાં ઘણા દાખલા છે જ્યાં સગી દીકરી પ્રેમલગ્ન કે પોતાના મરજી મુજબનાં લગ્ન કરી શકતી નથી. જો પ્રેમી સાથે ભાગીને પકડાય તો કાં તેને પથ્થરથી ટીચીને કે જીવતી સળગાવીને મારી નખાય છે.

કપૂરથલાની ૨૫ વર્ષની ગુરજીત કૌર પ્રેમી સાથે ભાગીને કમનસીબે પકડાઈ જતાં સગાં મા-બાપે તેને વીજળીના ઝટકા આપી આપીને અધમૂઈ કરી નાખી છે અને તેના પ્રેમીને જીવતો સળગાવી દીધો છે. પાકિસ્તાનમાં ક્રિસ્ટીના લેમ્બ નામની બ્રિટિશ પત્રકારે જઈને ઈન્વેસ્ટિગેશન કરતાં માલૂમ પડ્યું કે ‘‘દરેક બે કલાકે પાકિસ્તાનમાં સ્ત્રીઓ ઉપર પુરુષ બળાત્કાર કરે છે અને દરેક ૮ કલાકે સ્ત્રી ઉપર સામૂહિક (ગેંગરેપ) બળાત્કાર થાય છે. શાહનાઝ બુખારી નામની પાકિસ્તાની મહિલાએ આ માહિતી આપી હતી, પણ આ વાત તો સામાન્ય છે.

અહીં ચોંકાવનારી વાત એ છે કે પુરુષ પાકિસ્તાનમાં મહિલાને રેપ કરે તો તેને કંઈ સજા થતી નથી. સ્ત્રી ઊલટાની જેલમાં જાય છે! ભારતનાં કાનૂની થોથા ઊથલાવનારાઓએ જાણવું જોઈએ કે યુનિસેફ (રાષ્ટ્રસંઘની સંસ્થા)ના અંદાજ પ્રમાણે જગતમાં ૧૭.૮ લાખ સેક્સુઅલ-સ્લેવરી ડઝનબંધ દેશોમાં છે. મારે લેખના બે-ત્રણ હપ્તા લખવા નથી પણ માનવજાત ઉપર (આપણા બધા સહિત) મહેણું છે કે હજી ગૃહિણીને આપણે વેશ્યા, ગુલામ કે પગાર વગરની નોકરડીના ગ્રેડમાંથી પૂર્ણ રીતે ઊંચે લાવી શક્યા નથી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.